‘ટ્રમ્પે લિમિટ ક્રોસ કરી દીધી..’, સેના મોકલવા પર અમેરિકના રાષ્ટ્રપતિ વિરુદ્ધ કેસ, કેલિફોર્નિયા સરકાર અને ટ્રંપ પ્રશાસન સામસામે
Trump Vs Newsom: કેલિફોર્નિયાએ ટ્રમ્પ પ્રશાસન સામે કેસ દાખલ કરી દીધો છે. આ કેસ ગવર્નરની મંજૂરી વિના લોસ એન્જિલ્સમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના અધિકારીઓએ આ પગલાને ‘ગેરકાયદેસર’ ગણાવતા કહ્યું કે, ‘તેનાથી તણાવપૂર્ણ માહોલ વધુ ખરાબ થઇ શકે છે'. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ સોમવારે આ કેસ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, ‘રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની બધી લિમિટ ક્રોસ કરી દીધી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સહમતિ વિના સૈનિકો તૈનાત કર્યા છે. હું સ્પષ્ટ કરી દઉં કે, કોઈ હુમલો કે કોઈ બળવો થયો નથી. રાષ્ટ્રપતિ જાણી જોઈને જમીન પર અરાજકતા અને સંકટ પેદા કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના રાજકીય હિતો પ્રાપ્ત કરી શકે.’
કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ટ્રમ્પે સંઘીય કાયદાનો દુરુપયોગ કર્યો છે, જે માત્ર વિશેષ પરિસ્થિતિઓમાં રાષ્ટ્રપતિને સૈનિક મોકલવાની મંજૂરી આપે છે. કેલિફોર્નિયા સરકારે કહ્યું કે વર્તમાનમાં આવી કોઈ પરિસ્થિતિ નથી. આ તૈનાતી ત્યારે કરવામાં આવી છે, જ્યારે લોસ ઇમિગ્રેશન દરોડા સામે એન્જલસમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા, પરંતુ ગવર્નર ન્યૂસમ અને અન્ય ડેમોક્રેટ નેતાઓનું કહેવું છે કે રાજ્ય સરકાર આ પરિસ્થિતિઓને પોતાની રીતે સંભાળી શકે છે અને સંઘીય સરકાર દ્વારા દખલગીરીની કોઈ જરૂરિયાત નથી.
ગવર્નર ન્યૂસમે પણ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે ટ્રમ્પ પ્રશાસને સૈનિકોને દૂર કરવાની માગ કરતો સત્તાવાર પત્ર મોકલ્યો છે. આ પત્ર રક્ષા સચિવ પીટ હેગસેથને લખવામાં આવ્યો છે. ન્યૂસમે પત્રમાં લખ્યું છે કે, ‘લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સની તૈનાતીની કોઈ જરૂરિયાત નથી. આટલા લાંબા સમય સુધી ગેરકાયદેસર રીતે સૈનિકો મોકલવા એ રાજ્યની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન છે. એવું લાગે છે કે આ પગલું પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માટે જાણી જોઈને લેવામાં આવ્યું છે.’
ન્યૂસમે MSNBCને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘ટ્રમ્પ આ આગમાં ઘી નાખી રહ્યા છે. આ પગલું ન માત્ર ગેરકાયદેસર છે, પરંતુ અનૈતિક અને ગેરબંધારણીય પણ છે. અમે તેને આવતીકાલે કોર્ટમાં પડકારીશું.’ ન્યૂસમે કહ્યું કે આ પગલું કદાચ રાજકીય હેતુઓ માટે ઉઠાવવામાં આવ્યું છે.
આ વિરોધ છતા, ટ્રમ્પ પ્રશાસને પીછેહઠ કરવાનો કોઈ સંકેત આપ્યો નથી. પેન્ટાગોને કહ્યું છે કે, જો જરૂર પડશે તો વધુ સૈનિકો મોકલવામાં આવશે. રવિવારે, US નોર્ધન કમાન્ડે કહ્યું કે દક્ષિણ કેલિફોર્નિયામાં તૈનાત લગભગ 500 મરીનસને લોસ એન્જલસ મોકલવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp