એન્ટાર્કટિકાના બરફનો રંગ બદલાયો!

ઓહો.. આશ્ચર્યમ!!... એન્ટાર્કટિકાના બરફનો રંગ બદલાયો!

05/22/2020 World

SidhiKhabar

SidhiKhabar

એન્ટાર્કટિકાના બરફનો રંગ બદલાયો!

એન્ટાર્કટિકા ખંડનું દ્રશ્ય હોય તો એમાં દૂર દૂર સુધી સફેદ બરફની ચાદર બિછાવેલી જ જોવા મળે! પણ હાલમાં પરિસ્થિતિ એવી છે કે એન્ટાર્કટિકાના ફોટોમાં તમને સફેદને બદલે લીલી ચાદર બિછાવેલી જોવા મળી શકે છે. આવા રંગપલટા માટે જવાબદાર છે ક્લાયમેટ ચેન્જ પ્રોસેસ!

એન્ટાર્કટિકામાં બરફનો રંગ બદલાઈ રહ્યો છે. સફેદ બરફ હવે લીલો થઈ રહ્યો છે. આ વિચિત્ર કુદરતી પરિવર્તન જોઈ વૈજ્ઞાનિક પણ અવાચક થઇ ગયા છે. અત્યારે એટલું સમજાઈ રહ્યું છે કે હવામાનમાં આવેલો વિચિત્ર પલટો આને માટે જવાબદાર છે. આ આખી બાબત કઈ રીતે બહાર આવી એની વાત પણ રસપ્રદ છે.

જેમ અમેરિકાની નાસા અને ભારતની ઇસરો જેવી સ્પેસ એજન્સીઓ અવકાશીય સંશોધનનું કાર્ય કરે છે, એ જ પ્રમાણે યુરોપિયન દેશોના સમૂહની પણ પોતાની સ્પેસ એજન્સી છે. આ એજન્સીએ અવકાશમાં તરતો મૂકેલો સેન્ટીનલ-૨ નામનો ઉપગ્રહ છેલ્લા બે વર્ષથી અભ્યાસાર્થે એન્ટાર્કટિકાના જુદા જુદા ભાગોની તસ્વીરો ખેંચી રહ્યો છે. જ્યાં સતત બરફની ચાદર પથરાયેલી હોય એવો એન્ટાર્કટિકા પ્રદેશ સ્વાભાવિક રીતે જ વાહન અથવા પગપાળા ખેડાણ માટે બહુ ઉપયુક્ત ન ગણાય. એટલે આ પ્રદેશની જીવસૃષ્ટિ સહિતની બાબતોનો ઝડપી અભ્યાસ કરવા માટે એકમાત્ર ઉપગ્રહોનો જ ઓપ્શન બચે. આથી જ યુરોપિયન સ્પેસ એજન્સી સેન્ટીનલ-૨ ઉપગ્રહની મદદ વડે એન્ટાર્કટિકા ખંડના જુદા જુદા વિસ્તારોનો સર્વે અને અભ્યાસ કરતી રહે છે. આ દરમિયાન ઉપગ્રહ દ્વારા ખેંચાયેલી કેટલીક તસ્વીરો જોઈને વૈજ્ઞાનિકોને લાગ્યું કે એ વિતારમાં સફેદને બદલે લીલા રંગનો બરફ જોવા મળી રહ્યો છે. કુલ ૧૬૭૯ જેટલા વિવિધ વિસ્તારોનો સર્વે કર્યા બાદ વૈજ્ઞાનિકો એવા તારણ પર પહોંચ્યા કે લીલા રંગની શેવાળ ઉગી નીકળવાને કારણે સફેદ બરફ પણ લીલો દેખાય છે.

અહીં બીજું પણ એક અચરજ હતું. કેટલાક વિસ્તારોમાં લાલ કે નારંગી રંગની શેવાળ પણ જડી આવી! આવા વિસ્તારોમાં બરફ પણ શેવાળના રંગ જેવો જ લાલ કે નારંગી રંગનો જોવા મળતો હતો. જો કે પ્રશ્ન એ છે કે બર્ફીલા પ્રદેશમાં શેવાળ ઉગી કઈ રીતે?


શું શેવાળ ઉગવા માટે પેંગ્વિન જવાબદાર છે?

શું શેવાળ ઉગવા માટે પેંગ્વિન જવાબદાર છે?

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકર્તા મેટ ડેવીએ જણાવ્યું હતું કે એન્ટાર્કટિકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ શેવાળ વધુ જોવા મળે છે. આ શેવાળ અતિશય સૂક્ષ્મ - માઈક્રોસ્કોપિક છે. પરંતુ અમુક સ્થળોએ તે એટલા વિપુલ જથ્થામાં પથરાયેલી છે કે નરી આંખે પણ જોઈ શકાય. આવી શેવાળ પૈકી મોટા ભાગની લીલી શેવાળ પેંગ્વિન કોલોનીઝની આજુબાજુના ૫ કિલોમીટરના વિસ્તારોમાંથી મળી આવી છે. વૈજ્ઞાનિકો માને છે કે પેન્ગ્વિનના મળ અને પેશાબને કારણે આ પ્રકારની શેવાળ ઉગી નીકળી હોય એમ બને.

સંશોધક દળના લીડર મેટ ડેવી જણાવે છે કે બરફમાં ઉગી નીકળેલી આ લીલી શેવાળ (Snow algae) એન્ટાર્કટિકા ભૂ-ખંડ ઉપરની જીવસૃષ્ટિને સમજવામાં બહુ મહત્વની પુરવાર થશે. ભવિષ્યમાં જેમ જેમ ગ્લોબલ વોર્મિંગમાં વધારો થશે તેમ તેમ એન્ટાર્કટિકામાં સ્નો આલ્ગીનું પ્રમાણ પણ વધતું જાય એમ બને.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top