‘ઓપરેશન સિંદૂર’ માત્ર દેખાડો હતો, ક્યાં માર્યા ગયા આતંકી?’ કોંગ્રેસ ધારાસભ્યએ સરકાર પાસે માગ્યા પુરાવા
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને લઈને રાજકીય નિવેદનબાજી તેજ થતી જઇ રહી છે. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કોથુર મંજુનાથે આ સૈન્ય કાર્યવાહી પર શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે ‘આ માત્ર દેખાડો હતો, તેનાથી ન તો કોઈ ન્યાય મળ્યો અને ન તો પહેલગામ હુમલાના પીડિતોને સાચી સાંત્વના મળી.’ મંજુનાથે કડવા સ્વરમાં કહ્યું કે, ‘કંઈ થયું જ નથી. માત્ર દેખાડા માટે ઉપરથી 3-4 વિમાનો મોકલ્યા અને પાછા બોલાવી લીધા. શું તેનાથી પહેલગામમાં માર્યા ગયેલા 26-28 લોકોને ન્યાય મળશે? શું એ મહિલાઓનું દુઃખ આ રીતે ઓછું થશે? શું આ તેમનું સન્માન કરવાની રીત છે?
7 મેના રોજ ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં 9 મોટા આતંકવાદી લોન્ચપેડને તબાહ કરી દીધા અને લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ વિપક્ષ અને હવે કોંગ્રેસના ધારાસભ્ય મંજુનાથ આ દાવાને શંકાની નજરે જોઈ રહ્યા છે.
મંજુનાથે 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલા માટે જવાબદાર આતંકવાદીઓના મોતની પુષ્ટિ પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમણે પૂછ્યું, 'શું એ વાત પાક્કી છે કે 100 આતંકવાદીઓ માર્યા ગયા?' તેમની ઓળખ શું છે? શું તેઓ એજ આતંકવાદીઓ હતા, જેમણે 22 એપ્રિલે બૈસરન ખીણમાં હુમલો કર્યો હતો?
તેમણે કહ્યું કે, ‘શું એ વાતની પુષ્ટિ થઈ છે કે 100 આતંકવાદીઓ માર્યા ગયા? એ આતંકવાદી કોણ હતા જે આપણી સીમામાં ઘૂસ્યાં? તેમની ઓળખ શું છે? સીમા પર સુરક્ષા કેમ નહોતી? તેઓ કેવી રીતે છટકી ગયા? આપણે આતંકવાદના મૂળ, શાખાઓ અને થડને ઓળખીને તેને ખતમ કરવા જોઇએ. તેમણે તેને ગુપ્તચર તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા ગણાવી.
ધારાસભ્યએ મીડિયા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, બધી ટીવી ચેનલો અલગ-અલગ કહાનીઓ કહી રહી છે. કોઈ ચેનલ કહે છે કે અહીં માર્યા, કોઈ કહે છે કે ત્યાં માર્યા. ખરેખર કોણ માર્યું ગયું, ક્યાં માર્યા ગયા અને કેટલા માર્યા ગયા તે કોઈ કહી રહ્યું નથી. સરકાર તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી.
તેમણે એમ પણ કહ્યું કે, આ એક મોટી ગુપ્તચર નિષ્ફળતા હતી અને જ્યાં સુધી આતંકવાદના મૂળનો નાશ ન થાય ત્યાં સુધી ઉકેલ શક્ય નથી. નાગરિકો સામે કોઈપણ પ્રકારના યુદ્ધનો વિરોધ કરતા મંજુનાથે કહ્યું કે, 'અમે કર્ણાટક, પાકિસ્તાન, ચીન કે બાંગ્લાદેશ ગમે ત્યાં નાગરિકો સામે યુદ્ધનો વિરોધ કરીએ છીએ. શું તમને ખબર છે કે તે સ્ત્રીઓની સામે તેમના પતિઓને કેવી રીતે મારી નાખવામાં આવ્યા હતા? આ કાર્યવાહી તેમનું દુઃખ નહીં મટાડી શકે, આ કોઈ ઉકેલ નથી.
ભારત સરકાર સતત કહી રહી છે કે માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર જ હુમલો કરવામાં આવ્યો હતો અને નાગરિકોને કોઈ નુકસાન થયું નથી. આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી થયેલા ડ્રોન હુમલા અને પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિક માર્યા ગયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp