LG સાહેબનું પ્રમોશન થયું અને મારું ડિમોશન..’, વંદે ભારતના લોંચિંગ પર બોલ્યા CM ઓમર અબ્દુલ્લા, PM પાસે કરી દીધી આ માગ
આજનો દિવસ જમ્મુ-કાશ્મીર માટે ઐતિહાસિક હતો. વડાપ્રધાન મોદીએ શ્રી માતા વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી શ્રીનગર જતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ઉપસ્થિત હતા. આ અવસર પર મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. આ સાથે જ, જનતાને સંબોધિત કરતા, ઓમરે રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો પાછો આપવાની માગણીનો પુનરોચ્ચાર કર્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન મોદી તેને પૂર્ણ કરશે. વડાપ્રધાન ઉપરાંત, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ કહ્યું કે, મારું સૌભાગ્ય રહ્યું છે કે જ્યારે પણ રેલવે માટે મોટા કાર્યક્રમો થયા છે, ત્યારે હું તેનો ભાગ રહ્યો છું. પહેલી વખત અનંતનાગ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થયું, પછી બનિહાલ રેલ ટનલ ખોલવામાં આવી હતી, હું પણ તે સમયે હાજર હતો.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરતા મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું કે જ્યારે વર્ષ 2014માં કટરા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન થયું ત્યારે પણ આજ 4 લોકો ઉપસ્થિત હતા. મનોજ સિન્હા તે સમયે રેલવે માટે MoS (રાજ્યમંત્રી) હતા. તેમને માતાની કૃપાથી LG પદ પર પ્રમોશન મળ્યું. જોકે, મારું થોડું ડિમોશન થયું, હું એક રાજ્યના મુખ્યમંત્રીમાંથી કેન્દ્રશાસિત પ્રદેશનો મુખ્યમંત્રી બન્યો.
વડાપ્રધાન મોદીએ આજે કાશ્મીર માટે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી. ટ્રેન શ્રીનગર માટે ચિનાબ બ્રિજ અને અંજી ખાદ બ્રિજ થઈને રવાના થઈ. આ અગાઉ, વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી ઊંચા ચિનાબ બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટેડ રેલવે બ્રિજ, અંજી ખાડ બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું. કાશ્મીર સુધી ટ્રેન ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (USBRL) પ્રોજેક્ટનો હિસ્સો હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે.
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ 272 કિમી લાંબો USBRL પ્રોજેક્ટ છે, જે આશરે 43,780 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. તેમાં 36 ટનલ (119 કિમી લાંબી) અને 943 પુલનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દેશને કાશ્મીર સાથે રેલ દ્વારા જોડવાનો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp