આખરે કોરોનાની રસીનો સફળ પ્રયોગ... સાથે જ યુએસ માર્કેટમાં જોરદાર ઉછાળો!
હા....શ! આખરે કંઈક રાહત આપે એવા સમાચાર આવ્યા ખરા. આજે ખબર છે કે યુએસ શેર માર્કેટમાં ભારે ઉછાળો આવ્યો છે. જેની પાછળ બોસ્ટન બેઝ્ડ બાયોટેક કંપની મોડર્નાને વેક્સિન બનાવવામાં મળેલી સફળતાનો હિસ્સો મોટો છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે, એ લોકો કોરોનાનો ભોગ બન્યા બાદ સફળતાપૂર્વક રિકવર થઇ શક્યા છે. જો તમારી ઈમ્યુન સિસ્ટમ સારી હોય તો કોરોના તમારું ખાસ કશું બગાડી શકતો નથી. તમારું શરીર કુદરતી પ્રતિકાર દ્વારા કોરોનાની અસરને મારી હટાવે છે. ડ્રગ બનાવતી કંપની મોડર્નાએ તાજેતરમાં જે વેક્સિન બનાવી છે, એ આ કુદરતી રોગપ્રતિકારક શક્તિ જેવી જ ઈમ્યુન સિસ્ટમ વિકસાવવામાં મદદ કરે છે. આ રસીના ટેસ્ટિંગના પ્રથમ ચરણ દરમિયાન આઠ પેશન્ટ્સને વેક્સિનના ૨૫ માઈક્રોગ્રામથી માંડીને ૧૦૦ માઈક્રોગ્રામ સુધીના ડૉઝ આપવામાં આવ્યા. પરિણામે એ પેશન્ટ્સમાં વાઈરસને ટક્કર આપનારી એવી એન્ટીબોડીઝ ક્રિએટ થઇ, જે ઉચ્ચ પ્રકારની રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવનાર વ્યક્તિમાં કુદરતી રીતે જ જોવા મળે છે. એનો અર્થ એમ થાય કે જે લોકો વૃદ્ધ-નબળા-અશક્ત છે, તેઓ પણ આ વેક્સિનની મદદથી કોરોનાને ટક્કર આપે એવી સ્ટ્રોંગ ઈમ્યુન સિસ્ટમ ડેવલપ કરી શકશે. કેટલાક નિષ્ણાંતો આ વેક્સિન બાબતે હજી વધુ ડેટા પ્રાપ્ત થાય એની રાહ જોઈ રહ્યા છે. પરંતુ મોટા ભાગના નિષ્ણાંતો મોડર્ના કંપની દ્વારા બનાવાયેલી આ વેક્સિનની સફળતા માટે પૂરેપૂરા આશાવાદી છે. કોવીડ-૧૯નો પ્રતિકાર કરનારી આ વેક્સિનના સમાચારથી અમેરિકન સ્ટોક માર્કેટમાં પણ પોઝીટિવ સેન્ટીમેન્ટ બનતું જોવા મળ્યું હતું.
આ લખાય છે ત્યારે ભારતમાં રાત્રે ૧૧.૦૦ થયા છે, અને યુએસએમાં બપોરનો દોઢ આસપાસનો સમય છે. ભારત સરકાર જે રીતે ધીમે ધીમે લોકડાઉનમાંથી બહાર આવવાના સંકેતો આપી રહી છે, એ જ પ્રમાણે યુરોપ પણ પોતાના લોકડાઉન્સ હળવા કરી રહ્યું છે. વીતેલા દિવસો દરમિયાન તળિયે બેઠેલા ક્રુડ ઓઈલની માંગ પણ નીકળી છે. થોડા કલાકો પહેલા અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વિટ કર્યું કે "Oil (energy) is back!!!!" બીજી તરફ સેન્ટ્રલ બેન્કના ચેરમેન જેરોમ પોવેલે એકાદ દિવસ પહેલા જ ચેતવણી આપેલી કે યુએસ ઇકોનોમીને રિકવર થવામાં ૨૦૨૧નું વર્ષ આવી જશે. પરંતુ હવે પોવેલનું બીજું પણ એક સ્ટેટમેન્ટ પબ્લિશ થયું છે, જેમાં પોવેલે યુએસ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે સેન્ટ્રલ બેંક પાસે સારું એવું રીઝર્વ ફંડ હોવાની વાત કરી છે. કોવીડ-૧૯ વેક્સિનને મળેલી સફળતા સહિતની આ બધી બાબતોની કલેકટીવ ઇફેક્ટ તરીકે સોમવારના ફર્સ્ટ હાફ દરમિયાન જ યુએસ બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. અત્યારે ઇન્વેસ્ટર્સ પ્રાર્થના કરી રહ્યા હશે કે આ તેજી ટકી રહે ! અત્યાર સુધી રિકવરીની રાહ જોઈ રહેલા ખેલાડીઓ હવે ૨૦૨૧ને કમાણીનું વર્ષ ગણાવવા માંડ્યા છે. હાલમાં વિશ્વાસનો અભાવ ધરાવતા ભારતીય સહિતના શેર બજારોમાં આ બધાની કેવીક અસર પડે છે એ જોવું રસપ્રદ બનશે. અત્યારે તો વેક્સિનના સમાચાર જાણીને ઘોર અંધારામાં આશાનું એક કિરણ પ્રગટ્યું હોવાનું અનુભવાઈ રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp