સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રોફેસર્સની 'ઇનડિસન્ટ પ્રપોઝલ' : ગોલ્ડ મેડલના બદલામાં વિદ્યાર્થીની પાસે જાતીય સુખની માગણી!
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.ના વધુ એક વખત પ્રોફેસરોને લઇને વધુ એક વાર વિવાદ છેડાયો છે. રાજકોટ ખાતેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ કુલપતિને જે ફરિયાદ કરી છે એનાથી આખી શિક્ષણ આલમને નીચાજોણું થયું છે.
જાણવા મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના બે પ્રોફેસર્સે વિદ્યાર્થીનીને કહ્યું હતું કે, "મારી વાત માનીશ તો ગોલ્ડ મેડલ અપાવીશ!" આ બાબતની ફરિયાદ કુલપતિને મળતા બન્ને પ્રોફેસરોને 15 દિવસ સુધી કેમ્પસમાં આવવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે અને આ ફરિયાદ અંગે તપાસ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને ઇ-મેઇલથી ફરિયાદ કરી છે, જેમાં યુનિવર્સિટીના M.P.ed ભવનના પ્રોફેસર ડો.વિક્રમ વંકાણી અને ભગીરથસિંહ રાઠોડ સામે શરમજનક આક્ષેપ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીની લખે છે કે, "હું ભુતપૂર્વ વિદ્યાર્થીની છું બન્ને પ્રોફેસરો દ્વારા શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હતો તથા અમારા સાહેબ દ્વારા મને રાત્રે 10 વાગ્યા પછી મેસેજ કરીને હેરાન કરવામાં આવતી હતી. જો તેમની વાત હું માનુ તો મને M.P.edમાં ગોલ્ડ મેડલ અપાવશે તેવી લાલચ આપવામાં આવતી હતી. જેના કારણે મે ગયા વર્ષે 2019-20માં મારૂ M.P.ed અધૂરું મુક્યું હતું. મને એમ લાગતું હતું કે, સાહેબના ડરથી કોઇ મને સાથ નહીં આપે, તેથી મેં આ વાત કોઇની સાથે શેર કરી નહોતી અને મારો અભ્યાસ ટૂંકાવ્યો હતો. પરંતુ હાલ સમાચાર જોઇ મારામાં હિંમત આવી હોય આ અરજી કરૂ છું." જો કે સમગ્ર મામલે અરજી કરનાર વિદ્યાર્થીનીનો કોઈ સંપર્ક સાધી શકાયો નહોતો.
આ મામલે ફરિયાદ ખોટી છે કે, સાચી તે અંગે તપાસ શરૂ કરાઇ છે અને બન્ને પ્રોફેસરોને 15 દિવસ સુધી કેમ્પસમાં આવવા દેવાની મનાઇ કરવામાં આવી છે. હવે પછી આંતરિક ફરિયાદ નિવારણ કમિટી વિદ્યાર્થીનીને લઇને નિવેદન લેશે. જેથી યુનિવર્સિટી દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
રાજકોટમાં પ્રોફેસર દ્વારા યુવતીઓની છેડતી અને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવા બાબતે ગુજરાત મહિલા આયોગ આક્રમક મૂડમાં આવી ગયું છે. મહિલા આયોગે આ સમગ્ર પ્રકરણમાં તપાસના આદેશ આપ્યા છે અને મહિલા આયોગે પોલીસ કમિશ્નર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.
જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માટે આ પ્રકારની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ વિદ્યાર્થીનીઓ પાસે બીજા પ્રોફેસરોએ બિભત્સ સહિતની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં સમાજશાસ્ત્ર ભવનના પ્રોફેસર દ્વારા શરીર સુખની માંગણી કરતા યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરાયા હતા તેમજ અર્થશાસ્ત્ર ભવનમાં Ph.D નો કોર્સ કરતી વિદ્યાર્થીનીને કિસ કરવાના મુદ્દે ડો.રાકેશ જોશીને સસ્પેન્ડ કરાયા હતા. Ph.D કરતી અન્ય એક વિદ્યાર્થીનીની જાતિય સતામણીના કેસમાં બાયો સાયન્સ ભવનના પ્રોફેસરને ડિસમિસ કરાયા હતા.
શિક્ષણ જગતમાં આવી ઘટના બને ત્યારે પ્રબુદ્ધ અને સંવેદનશીલ નાગરિકોને ચિંતા થાય એ સ્વાભાવિક છે. ગુરુને પિતાતુલ્ય ગણતા અને ગુરુ-શિષ્યના સંબંધોને અતિ પવિત્ર માનતા ભારતીય સમાજમાં આવી ઘટના બને ત્યારે સમગ્ર શિક્ષણ જગતને લાંછન લાગતું હોય છે.
એક તરફ દેશમાં 'બેટી પઢાઓ'ની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઉચ્ચ શિક્ષણનું ધમ ગણાતી યુનિવર્સીટીના શિક્ષકો ઉપર જ આવું લાંછન લાગે ત્યારે માતા-પિતા કોણે ભરોસે પોતાની દીકરીને શિક્ષણ આપવા રાજી થાય?!
હાલમાં પ્રબળ લોકલાગણી એવી છે કે ગુનેગાર શિક્ષકો સામે તાત્કાલિક અસરથી કડક પગલા લેવાય. જેથી કરીને યુનિવર્સીટીમાં ભણતી અન્ય છાત્રાઓ અને એમના વાલીઓને દીકરીઓની સુરક્ષા અંગે ધરપત થાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp