વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય : ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ સાયન્સમાં ગ્રુપ B માં પ

વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય : ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ સાયન્સમાં ગ્રુપ B માં પ્રવેશ મેળવી શકશે

11/22/2021 Education

SidhiKhabar

SidhiKhabar

વિદ્યાર્થીઓ માટે સરકારનો નિર્ણય : ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ સાયન્સમાં ગ્રુપ B માં પ

ગાંધીનગર: રાજ્ય સરકારના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે મહત્વના નિર્ણયનું એલાન કરતા કહ્યું કે, ધોરણ-૧૦માં ગણિત બેઝિક વિષય રાખનાર વિદ્યાર્થીઓ પણ હવે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ બી-ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.

મંત્રીએ ઉમેર્યું કે, આજથી ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું કાર્ય શરૂ થઇ ગયું છે ત્યારે ધોરણ-૧૦ના ગણિત બેઝિકના વિદ્યાર્થીઓ ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકે તે માટેનો જરૂરી નિર્ણય લેવામાં આવ્યો છે. હાલની જોગવાઈ મુજબ જે વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦માં ગણિત બેઝિક રાખ્યું હોય તે વિદ્યાર્થીઓ ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકતા ન હતા જેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે.

જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતર માટેનો નવો વળાંક મળશે. એટલું જ નહીં, ધોરણ-૧૦ ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમિયાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી વિદ્યાર્થી ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં A અથવા AB ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે.

આ પહેલા શું જોગવાઈઓ હતી?

ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે જુલાઈ 2021 માં ઠરાવ કર્યો હતો કે બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધોરણ 10 ની પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે વિકલ્પો આપવામાં આવશે. જોકે, ધોરણ દસનું ગણિતનું પાઠ્યપુસ્તક સરખું જ રહેશે. માત્ર બંને પ્રશ્નપત્રોના પરીરૂપ અલગ રહેશે. 

આ પહેલા જોગવાઈ એવી હતી કે જે વિદ્યાર્થી ધોરણ 10 માં બેઝિક ગણિત રાખે તેને ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળી શકતો ન હતો. હવે તેમાં સુધારો કરીને ધોરણ દસમાં બેઝિક ગણિત લેનારા વિદ્યાર્થીને ધોરણ 11 માં બી ગ્રુપમાં પ્રવેશ આપી શકાશે. જોકે, તે A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. 

શું હોય છે ગ્રુપ A,B અને AB?

નોંધવું જોઈએ કે, ધોરણ દસ બાદ 11મા અને 12 મા ધોરણ માટે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ત્રણ ગૂપ અને મુખ્ય બે ગ્રુપના વિકલ્પો મળે છે. જેમાંથી, 

ગ્રુપ A માં ફિજીક્સ, કેમેસ્ટ્રી અને ગણિત વિષયોનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં એન્જિનિયરીંગ ક્ષેત્ર પસંદ કરી શકે છે 

ગ્રુપ B માં ફિજીક્સ અને કેમેસ્ટ્રી વિષયો યથાવત રહે છે પરંતુ ગણિતને સ્થાને બાયોલોજી આવે છે. જેઓ આગળ જતા મેડિકલ ક્ષેત્ર  પસંદ કરી શકે છે. 

અને ગ્રૂપ AB માં ઉપરોક્ત તમામ વિષયો આવે છે. જે ભણ્યા બાદ કોઈ પણ ક્ષેત્રમાં જઈ શકાય છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top