હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમના સ્ટેન્ડ પરથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ દૂર કરવામાં આવશે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ને નોર્થ પેવેલિયન સ્ટેન્ડ પરથી અઝહરુદ્દીનનું નામ દૂર કરવાનો આદેશ મળ્યો છે. આ ઉપરાંત, HCAને મોહમ્મદ અઝહરુદ્દીનના નામે ટિકિટ ન આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશ HCAના લોકપાલ ન્યાયાધીશ (સેવાનિવૃત્ત) વી. ઈશ્વરૈયા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. મોહમ્મદ અઝહરુદ્દીન આ નિર્ણયથી નારાજ છે. તેમણે કહ્યું કે તેઓ આ નિર્ણય સામે કોર્ટમાં જશે. હિતોના ટકરાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2019માં, અઝહરુદ્દીન HCAના પ્રમુખ હતા અને તે જ વર્ષે સર્વોચ્ચ પરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે નોર્થ પેવેલિયન સ્ટેન્ડનું નામ તેમના નામ પર રાખવામાં આવશે.
મોહમ્મદ અઝહરુદ્દીને સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, ‘હું ચોક્કસપણે કાયદાકીય મદદ લઈશ અને આ આદેશ પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અપીલ કરીશ. આ શરમજનક વાત છે કે એક ભારતીય કેપ્ટનનું નામ હટાવવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એક એવું એસોસિએશન છે જે ખેલાડીઓનું સન્માન કરતું નથી. લોકપાલ કોની અરજી પર કાર્યવાહી કરી રહ્યા છે?’
મોહમ્મદ અઝહરુદ્દીન કહે છે કે, 'એ ક્લબ (લોર્ડ્સ ક્રિકેટ ક્લબ) જ્યાં વાસ્તવિક માલિક કોણ છે અને કોણ તેનું સંચાલન કરે છે તે અંગે કોઈ પારદર્શિતા નથી. શું હું મૂર્ખ છું કે લક્ષ્મણ જેવા દિગ્ગજ ખેલાડીનું નામ સ્ટેન્ડમાંથી હટાવી દઉં?, જે આપણા પ્રદેશનો એકમાત્ર ખેલાડી છે જેણે 100થી વધુ ટેસ્ટ મેચ રમી છે. નોર્થ સ્ટેન્ડ્સમાં પેવેલિયનનું નામ લક્ષ્મણના નામ પરથી રાખવામાં આવ્યું છે, તમે ચકાસી શકો છો.
પોતાના 25 પાનાંના ચૂકાદામાં, એશ્વરૈયાએ કહ્યું કે, 'સામાન્ય સભાએ આ નિર્ણયનું કોઈ અનુસમર્થન/સંશોધન કર્યું નથી, જે પ્રતિવાદી સંખ્યા 1 (અઝહરુદ્દીન) સામેના કેસને વધુ મજબૂત બનાવે છે.' પ્રતિવાદી નંબર 1એ પોતાને લાભ પહોંચાડવા માટે પોતાના અધિકારનું અતિક્રમણ કર્યું છે. આ સ્પષ્ટપણે હિતોના સંઘર્ષનો મામલો છે.
આ વર્ષે 28 ફેબ્રુઆરીએ, હૈદરાબાદના લોર્ડ્સ ક્રિકેટ ક્લબ (LCC)એ સ્ટેન્ડ પરથી અઝહરુદ્દીનનું નામ દૂર કરવાની માગ કરતી ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે આ હિતોનો ટકરાવ છે કારણ કે નિયમ-38 મુજબ, સર્વોચ્ચ પરિષદનો કોઈપણ સભ્ય પોતાના પક્ષમાં કોઈ નિર્ણય નહીં લઈ શકે. લોર્ડ્સ ક્રિકેટ ક્લબે લોકપાલને અઝહરુદ્દીનના પગલાને નકારી કાઢવા વિનંતી કરી. ઉપરાંત, વ્યવહારિક હેતુઓ માટે, સ્ટેન્ડનું નામ 'VVS લક્ષ્મણ સ્ટેન્ડ' રાખવામાં આવે.
62 વર્ષીય મોહમ્મદ અઝહરુદ્દીને ભારતીય ટીમ માટે 334 વન-ડેમાં 36.92ની સરેરાશથી 9378 રન બનાવ્યા હતા. અઝહરુદ્દીને વન-ડેમાં 7 સદી અને 58 અડધી સદી ફટકારી હતી. 99 ટેસ્ટ મેચોમાં તેમણે 45.03ની સરેરાશથી 6215 રન બનાવ્યા, જેમાં 22 સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે.