ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો પનારો એક 'ડોક્ટર' સાથે પડી ગયો

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો પનારો એક 'ડોક્ટર' સાથે પડી ગયો!

05/22/2020 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો પનારો એક 'ડોક્ટર' સાથે પડી ગયો

લોકડાઉન દરમિયાન કેટલીક કરુણ રમુજી ઘટનાઓ બની રહી છે. આ સમયગાળા દરમિયાન જુદાજુદા અનેક કારણોસર ઘરમાં પુરાયેલા લોકો તાણ, હતાશા, ડિપ્રેશન જેવી નકારાત્મક લાગણીઓથી ઘેરાયેલા હોય એ સ્વાભાવિક છે.

પરંતુ આ બધા વચ્ચે અમુક બનાવો એવા ય બની જાય છે કે એના પર હસવું કે દયા ખાવી એ જ નક્કી ન થઇ શકે! આમ તો પોલીસના નામથી સામાન્ય માણસો ધ્રૂજી ઉઠે છે. પણ પોલીસે ય ઘણીવાર એવું કામ કરતી હોય છે કે પ્રશંસા કરવી પડે. તાજો જ દાખલો સાબલપુર ચોકડીનો છે.

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનને લઈને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.યુ. સોલંકી, એચ.ડી.વાઢેર સહિતનો પોલીસ સ્ટાફ સાબલપુર ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન એક યુવાન ફરતો દેખાયો હતો. આશ્ચર્યની વાત એ હતી કે આ યુવાન ડોક્ટર્સ પહેરે એવું એપરન પહેરીને ફરતો હતો. સ્વાભાવિક રીતે જ પોલીસને આ દ્રશ્ય જોઈને નવાઈ લાગી, કેમકે કોઈ ડોક્ટર આ રીતે રસ્તા ઉપર એપરન પહેરીને ન જ ફરતો હોય.

ખરેખર કોઈ ડોક્ટર કોઈક સમસ્યાને કારણે આ રીતે રોડ પર ફરતો હોય તો મદદ કરી શકાય એ હેતુસર પોલીસે વડાલ આરોગ્યકેન્દ્રમાં ફરજ બજાવતા સ્મિત જેઠવાને આ અંગે તપાસ કરવા જણાવ્યું. સ્મિત જેઠવાએ પેલા યુવાનની પૂછપરછ કરતા એણે ચોંકાવનારી વાત જણાવી. એપરન પહેરીને ફરતા એ યુવાનનું નામ ભૂપત જગદીશભાઈ કનારા છે. એનું ગામ વધાવી છે. યુવાનના કહેવા મુજબ એ મુંબઈથી પોતાને ગામ આવ્યો હતો. અને હવે ડોક્ટરની પરીક્ષા આપવા માટે ફરી મુંબઈ જવા નીકળ્યો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મુંબઈ જવા માટેની કોઈ મંજૂરી લીધી છે કે નહિ, એ વિષે ભૂપતને પૂછવામાં આવ્યું ત્યારે ભૂપતે પોતાનો 'આઈડિયા' રજૂ કરતા કહ્યું કે પોતે વાહનો બદલાવતા બદલાવતા - એટલે હીચ હાઈકિંગ દ્વારા મહારાષ્ટ્ર સુધી પહોંચી જશે!

 

પોલીસે દાખવ્યો માનવીય અભિગમ

ભૂપતની આવી વાતો સાંભળીને પોલીસને ખ્યાલ આવી ગયો કે ભૂપતને કોઈક માનસિક સમસ્યા છે. તરત જ એના પિતાનો સંપર્ક કરવામાં આવ્યો. પિતાએ કહ્યું કે ભૂપતની માનસિક સ્થિતિ હાલમાં બગડી ગઈ છે. એ બે દિવસ પહેલા ઘરેથી કોઈને કશું કહ્યા વિના નીકળી ગયો હતો.

પોલીસે આ આખા મામલાને માનવીય અભિગમ રાખીને હેન્ડલ કર્યો હતો. પોલીસ દ્વારા આ યુવાનનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું, અને એને પ્રેમથી સમજાવવામાં આવ્યો કે પિતા કહે એ મુજબ જ કરવું અને ઘરના સભ્યોને પૂછ્યા વિના ક્યાંય બહાર નીકળવું નહિ. છેવટે ભૂપતના કાકા અશોકભાઈ કનારા સાબલપુર ચોકડી ચેક પોસ્ટ પર લેવા આવતા જ પોલીસે ભૂપતને કાકાને હવાલે કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top