નવી દિલ્હી : રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને કારણે દિલ્હી સરકારે રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં વિદ્યાર્થીઓની અંતિમ વર્ષ સહિત તમામ પ્રકારની પરીક્ષાઓ રદ કરી દીધી છે. વિદ્યાર્થીઓને યુનિવર્સીટી દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડના આધારે ડીગ્રી આપવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા દ્વારા શનિવારે આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
પરીક્ષાઓને લઈને યુજીસી અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયની નવી ગાઈડલાઈન્સ જાહેર થયા બાદ કેજરીવાલ સરકારનો આ નિર્ણય ચોંકાવનારો છે. થોડા દિવસો પહેલા યુજીસીએ ગાઈડલાઈન્સ જાહેર કરી હતી કે દેશની તમામ યુનિવર્સીટીઓમાં સપ્ટેમ્બર ૨૦૨૦ના અંત સુધીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ યોજવામાં આવે. પરંતુ દિલ્હી સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં પરીક્ષાઓ રદ કરવામાં આવે.
આ જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, ‘યુનિવર્સીટીઓની પરીક્ષાઓ બાબતે નિર્ણય લેવાનો મામલો ઘણો પેચીદો હતો. જે સેમેસ્ટરની પરીક્ષાઓ લેવાની છે તે લોકડાઉનને કારણે ભણાવવામાં જ નથી આવ્યા. અને જે ભણાવવામાં જ નથી આવ્યું તેની પરીક્ષાઓ લેવી સંભવ નથી.’ તેમણે જણાવ્યું હતું કે દિલ્હી રાજ્યની તમામ યુનિવર્સીટીઓમાં અગામી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવશે. અંતિમ વર્ષ સહિત ટર્મિનલ પરીક્ષાઓ અને સેમેસ્ટર પરીક્ષાઓ પણ રદ થશે. તમામ યુનિવર્સીટીઓને આદેશ આપવામાં આવ્યો છે કે કોઈ પણ જાતની લેખિત પરીક્ષાઓ વગર વિદ્યાર્થીઓને પાછલા વર્ષના મૂલ્યાંકન માપદંડોને આધારે પાસ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનો પગપેસારો વધતા માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી આખા દેશના તમામ રાજ્યોની યુનિવર્સીટીઓ, શાળા-કોલેજો બંધ છે. આથી આ કોલેજોમાં પરીક્ષાઓ લેવા મામલે સતત પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા. અગાઉ યુજીસી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તમામ યુનિવર્સીટીઓમાંઅંતિમ વર્ષની પરીક્ષાઓ જુલાઈમાંલેવામાં આવશે. પરંતુ ત્યારબાદ ગાઈડલાઈન્સમાં ફેરફાર કરીને નવી ગાઈડલાઈન્સ જાહેર કરતા કહ્યું હતું કે યુનિવર્સીટીઓ સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષની પરીક્ષાઓ પૂર્ણ કરે. જયારે ઈન્ટરમીડીયેટના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકન અને પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે માર્ક્સ આપવામાં આવશે.
જોકે યુજીસી અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના આ નિર્ણય બાદ દેશભરમાંથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. દેશની વર્તમાન પરિસ્થિતિઓને જોતા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવી એ જોખમી સાબિત થઇ શકે છે, એવું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાંથી આ બાબતે કેન્દ્રને પત્રો લખવામાં આવી રહ્યા છે.