સરોજીની નાયડુ પુણ્યતિથિ: જાણો સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર "કોકિલ કંઠી"ના સંઘર

સરોજીની નાયડુ પુણ્યતિથિ: જાણો સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર "કોકિલ કંઠી"ના સંઘર્ષ વિશેની વાત

03/02/2022 Specials

SidhiKhabar

SidhiKhabar

સરોજીની નાયડુ પુણ્યતિથિ: જાણો સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર

ભારતીય સમાજમાં આજે મહિલા સશક્તિકરણની લહેર ચાલી રહી છે. બધા જ ક્ષેત્રમાં મહિલાવર્ગનો ખૂબ મોટો ફાળો રહેલો છે. વર્ષોથી મહિલા પોતાનાથી બને તેટલું યોગદાન દરેક ક્ષેત્રમાં આપતી રહે છે, એ પછી યુદ્ધ, આઝાદીની ચળવળ હોય કે ઘર સંભાળવાનું હોય. જોકે મહિલા સશક્તિકરણની આ લહેર આજની નથી લાંબા સમયથી ભારતીય સમાજનો એક ભાગ છે. આઝાદીની લડાઈમાં ઘણી ભારતીય મહિલાઓએ પણ યોગદાન આપ્યું અને સાબિત કર્યું કે તેઓ પણ આ સમાજનો એક મજબૂત સ્થાન ધરાવે છે. "ભારત કોકિલા" નામથી જાણીતા સરોજીની નાયડુ તે સમયની બાહોશ મહિલાઓમાં એક વિશેષ સ્થાન ધરાવે છે, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ચાલો નજર કરીએ 73મી પુણ્યતિથિએ સરોજીની નાયડુના જીવનની પ્રભાવી વાતો.


સરોજીની નાયડુ

સરોજીની નાયડુ

સરોજીની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી, 1879ના રોજ થયો હતો. તેમની માતા વરદા સુંદરી અને પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય હતા. જેઓ નિઝામ કોલેજના સ્થાપક અને એક રસાયણશાસ્ત્રી હતા. સરોજીનીના પિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રી પણ વૈજ્ઞાનિક બને, પરંતુ એવું થઈ શક્યું નહીં. સરોજીનીને કવિતાઓ સાથે ખૂબ પ્રેમ હતો જે છૂટી શકે તેમ નહોતો. સરોજીની ભારતના પ્રખ્યાત કવિ અને શ્રેષ્ઠ રાષ્ટ્રીય નેતાઓમાંના એક હતા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં તે હંમેશા આગળ રહેતા અને ગાંધીજી સાથે દરેક ચળવળમાં જોવા મળતા.


13 વર્ષની ઉંમરે પ્રથમ કવિતા અને નાટક

13 વર્ષની ઉંમરે પ્રથમ કવિતા અને નાટક

સરોજીની નાયડુએ માત્ર 13 વર્ષની ઉંમરે 1300 છંદોની 'ધ ક્વીન ઓફ ધ લેક'  નામની કવિતા અને લગભગ 2000 પંક્તિઓનું વિસ્તૃત નાટક લખીને અંગ્રેજી ભાષા પરની તેમની પકડ મજબૂત બનાવી હતી. સરોજીનીને શબ્દોના જાદુગર કહેવાતા. સરોજીનીનો પ્રથમ કાવ્યસંગ્રહ 'ધ ગોલ્ડન થ્રેશોલ્ડ' ઇ.સ 1905 માં પ્રકાશિત થયો હતો, જે હજી પણ વાચકોમાં ખૂબ જ લોકપ્રિય છે. સરોજીની એક સ્વતંત્ર કવિયિત્રી હતા. આઝાદીની ચળવળમાં તેમના વિચારો હંમેશા મુક્ત હતા.


આઝાદીની ચળવળમાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન

આઝાદીની ચળવળમાં આપ્યું મહત્વપૂર્ણ યોગદાન

સરોજીની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા. તેઓ મહાત્મા ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ જોવા મળ્યા હતા. દાંડીકૂચ દરમિયાન ગુજરાતના આણંદ જિલ્લાના 'રાસ' ગામે ગાંધીજીની અને અબ્બાસજી તૈયબજીની ધરપકડ થયા બાદ દાંડીકૂચને સરોજીનીએ જ આગળ ધપાવ્યું હતું. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાં પણ બંધારણસભામાં 15 મહિલાઓમાંના એક સરોજીની નાયડુએ ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આઝાદી પછી તેમની ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ વિસ્તરણ અને વસ્તીની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો પ્રાંત હતો. તે પદ સ્વીકારતા તેમણે કહ્યું હતું કે, "મને જંગલમાં કેદ કરેલા પક્ષી જેવો અનુભવ થાય છે." પરંતુ તેઓને જવાહરલાલ નેહરુ માટે ખૂબ જ આદર હતો તેથી તેમને આ પદને લઈને કોઈ આનાકાની ન કરી.


ગાંધીજીની સાથે સાંનિધ્ય

ગાંધીજીની સાથે સાંનિધ્ય

સરોજીની નાયડુ 1914માં લંડનમાં ગાંધીજીને મળ્યા હતા. આ પછી તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અને તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું. દાંડીકૂચ દરમિયાન ગાંધીજી સાથે આગળની હરોળમાં ચાલનારાઓમાં સરોજીની નાયડુ જ હતા. તેમણે જીવનભર ગાંધીજીના વિચારો અને તેમના માર્ગને અનુસર્યો. સ્વાતંત્ર્ય સંગ્રામના યોગદાન સિવાય, તેમણે ભારતીય સમાજમાં જાતિવાદ અને લિંગ-ભેદને નાબૂદ કરવા માટે ઘણા કાર્યો કર્યા હતા.

સરોજીની નાયડુનું મૃત્યુ 02 માર્ચ, 1949ના રોજ લખનૌમાં થયું હતું. આજે સરોજીની નાયડુ ભારતીય સમાજમાં મહિલા સશક્તિકરણનો ચહેરો છે જેનાથી દરેક લોકો પરિચિત છે. સરોજીની નાયડુ તેમની કવિતાઓ ખૂબ જ મધુર અવાજમાં પઠન કરતાં જેને લઈને ગાંધીજીએ તેમને "ભારત નાઇટિંગલ (કોકિલા)"નું બિરુદ આપ્યું હતું.

 

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top