સૌરાષ્ટ્રના જાણીતા પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા, કારણ ચોંકાવનારું
ગુજરાત ડેસ્ક : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતા પાટીદાર અગ્રણી તેમજ યુવી ક્લબ સંસ્થાના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તેમણે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી રહી હતી અને તે દરેક મીડિયામાં મોકલવામાં આવી હતી.
મહેન્દ્ર ફળદુએ પોતાની ઓફિસમાં ઝેરી દવા પીધા પછી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. જેની જાણ થતાં જ તેમના મિત્ર વર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે સુસાઈડ નોટમાં ઓઝોન ગ્રુપ પર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકે ઓઝોન ગ્રુપ પર 33 કરોડ રુપિયાની પ્રોપર્ટીના દસ્તાવેજ ન કરી આપતા તેમજ પોતાને યેન-કેન પ્રકારે હેરાન-પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ મૂકીને મોતને વ્હાલું કર્યું છે. પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા લખેલા પત્રમાં અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા તેમજ અમદાવાદના કેટલાક લોકો સામે પોતાને હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે. આ ઘટના બાદ હાલ પોલીસ પણ એક્શનમાં આવી છે. તેમના પાર્થિવ દેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે તેમણે જે પત્ર લખ્યો હતો તેની પણ વિગતો મેળવી છે અને તેના આધારે તપાસ પણ શરુ કરી છે.
મહેન્દ્ર ફળદુ સરદાર ધામ સહિતની પાટીદારોની ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેમના આપઘાતના સમાચાર આવતા જ પાટીદારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમના મોતની માહિતી મળતા જ મોટી સંખ્યામાં કડવા પાટીદારો અને ભાજપના અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સંસ્થાઓ સાથે જોડાયેલા ફળદુ પોતે પણ જાણીતા વકીલ હતા તેમ છતાંય તેમને કેટલાક તત્વો હેરાન કરી રહ્યા હતા. તેમણે લખેલા પત્ર અનુસાર, અમદાવાદ જિલ્લાની બાવળા તાલુકાની 'ધ તસ્કની બીચ સીટી' નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ આશરે 48000 ચોરસ વાર જગ્યા ખરીદીને વર્ષ 2007માં કરોડોનું રોકાણ કર્યું હતું. મહેન્દ્ર ફળદુ (Mahendra Faldu) મારફતે તેમનાં સગાવ્હાલાઓએ એક લાખ વાર જગ્યા બુક કરાવી હતી. તેનું પેમેન્ટ પણ વર્ષ 2007માં કરી આપ્યું હતું. આ પેમેન્ટ આશરે ત્રણ કરોડથી વધારે રૂપિયાનું હતું. આમ ઓઝોન ગ્રુપમાં તેમના મારફતે તેમનું અને તેમના સગા-વ્હાલનું કરોડો રૂપિયાનું રોકાણ કરાયુ હતું. જોકે, પેમેન્ટ થઈ ગયું હોવા છતાં ઓઝોન ગ્રુપના બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ પટેલ, દિપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા.
આ બાબતે કંપની અને કંપનીના ભાગીદારો સાથે ઘણા સમયથી વાદ-વિવાદ ચાલતો હતો. કંપની વતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા. તેમણે સુસાઈડ નોટ એવું પણ લખ્યું છે કે તેમના 70 કરોડના દસ્તાવેજ છે. ઓઝોન ગ્રુપ તેમજ રોકાણકારો દ્રારા મહેન્દ્ગ ફળદુને ધમકી અપાતી હતી. અમુક રોકાણકારોને મહેન્દ્ર ફળદુએ કંપની વતી નાણા ચૂકવ્યા હતા, જે રકમ પણ કંપનીએ ફલ્દુને આપી ન હતી. દસ્તાવેજ પણ ન થયા અને પૈસા પણ ન મળતાં ફળદુની નાણાકીય સ્થિતિ લથડી ગઈ હતી. આથી તેમણે આ અંતિમ પગલું ભર્યું હતું. આ સમગ્ર મામલે જો પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મહેન્દ્ર ફળદુને આપઘાત કરવા મજબૂર કરનારાઓમાં કોનો હાથ હતો તેની સમગ્ર વિગતો બહાર આવી શકે તેમ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp