આવી બેરહેમ જીવનસંગિની કોઈને ન મળે! પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો
Meerut Merder: મેરઠમાં મર્ચંટ નેવી ઓફિસર સૌરભ રાજપૂતની ક્રૂર હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. તેમના પરિવારે સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના કથિત પ્રેમી સાહિલ શુક્લા માટે મૃત્યુદંડની માગ કરી છે. સૌરભની માતા રેણુ દેવીનો આરોપ છે કે, મુસ્કાને તેના પતિની હત્યા કરી દીધી, ત્યારબાદ તેના મૃતદેહને એક રૂમમાં બંધ કરી દીધો અને જાણે કંઈ જ ન બન્યું હોય તેમ ફરવા જતી રહી.
સૌરભ 4 માર્ચથી ગુમ હતો. મુસ્કાનના ભાડાના ઘરમાંથી ભારે ડ્રમ્સ હટાવવા માટે મજૂરોને બોલાવવામાં આવ્યા ત્યારે આ ભયાનક ગુનો પ્રકાશમાં આવ્યો. જ્યારે કામદારોને ખબર પડી કે ડ્રમ વજનમાં ભારે છે, ત્યારે તેમણે મુસ્કાનને તેના વિશે પૂછ્યું. તેમણે સહજતાથી કહ્યું કે તેમાં ઘરનો કચરો હતો, પરંતુ જ્યારે કામદારોએ ડ્રમ ખસેડવાનો પ્રયાસ કર્યો ત્યારે ઢાંકણ ખુલી ગયું અને અંદરથી દુર્ગંધ આવવા લાગી અને તેમને શંકા ગઈ. કામદારોએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
તપાસમાં જાણવા મળ્યું કે મુસ્કાન અને સાહિલે સાથે મળીને સૌરભની છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી, ત્યારબાદ મૃતદેહના ટુકડા કરી સિમેન્ટથી ભરેલા ડ્રમમાં છુપાવી દીધો હતો. મકાનમાલિકે મુસ્કાનને ઘર ખાલી કરવાનું કહ્યું હતું, અને ત્યારે જ તેણે મૃતદેહનો નિકાલ કરવાની યોજના બનાવી હતી. રેણુ દેવીએ કહ્યું કે, કદાચ સૌરભની નાની પુત્રીને પણ તેની બાબતે ખબર હતી. પડોશીઓએ કહ્યું કે તે કહી રહી હતી કે, 'પપ્પાને ડ્રમમાં રાખવામાં આવ્યા છે'. આ સાંભળીને પરિવાર વધુ ચોંકી ગયો.
લાશ મળ્યા બાદ, મુસ્કાન તેના માતા-પિતાના ઘરે ભાગી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આખી ઘટના તેના માતા-પિતાને પહેલાથી જ કહી દીધી હતી. સૌરભની માતા કહે છે કે મુસ્કાનનો પરિવાર આ હત્યા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડી લીધા. મંગળવારે પોલીસે મુસ્કાન અને સાહિલની ધરપકડ કરી હતી અને બુધવારે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સૌરભનો પરિવાર ઘેરા આઘાતમાં છે. તેના માતા-પિતા કહે છે કે તેણે પોતાનું આખું જીવન મુસ્કાન માટે સમર્પિત કરી દીધું હતું, પરંતુ સૌથી મોટો દગો મુસ્કાને જ આપ્યો. રેણુ દેવીએ રડતા રડતા કહ્યું કે, 'મારા દીકરાએ નોકરી અને પરિવાર છોડી દીધો, પણ એ જ પત્નીએ તેને મારી નાખ્યો.' બીજી તરફ, મુસ્કાનના માતા-પિતાએ સૌરભના પરિવાર માટે સંપૂર્ણ ન્યાયની માગ કરી અને કહ્યું કે તેઓ પણ આ ગુના માટે કડક સજા ઇચ્છે છે.
દરમિયાન, મુસ્કાનના માતા-પિતાએ પણ તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો છે. તેની માતા કવિતા રસ્તોગીએ કહ્યું કે, "એવું લાગે છે કે જો તે જન્મી ન હોત તો સારું થાત. પિતા પ્રમોદ રસ્તોગીએ પણ કડક સજાની માગ કરતા કહ્યું કે, 'મુસ્કાનને જીવવાનો કોઈ અધિકાર નથી, સાહિલે તેને બરબાદ કરી દીધી.' તે નશાને આદી થઇ ગઈ હતી અને તેનું વજન પણ ઘટી ગયું હતું, પણ એનો અર્થ એ નથી કે તેણે આટલો મોટો ગુનો કરી દીધો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp