‘ભારત પૂરી તૈયારી સાથે આવ્યું, 80 ફાઇટર જેટથી..’, પાકિસ્તાની PMએ રાષ્ટ્રને સંબોધતા જાણો શું કહ્યું
ભારતે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાઓને તબાહ કર્યા બાદ પાકિસ્તાન ગભરાયું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કર્યું. તો, ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનને થયેલા નુકસાનનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ગઈકાલે રાત્રે અમને દરેક ક્ષણે અપડેટ્સ મળી રહ્યા હતા. ગઈકાલે રાત્રે ભારત પૂરી રીતે તૈયાર થઈને આવ્યું અને 80 ફાઈટર જેટથી પાકિસ્તાનના 6 સ્થળોને નિશાન બનાવ્યા.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે કહ્યું કે, ગઈકાલે રાત્રે આપણાં 'દુશ્મને રાત્રિના અંધારામાં આપણાં પર હુમલો કર્યો, પરંતુ અલ્લાહની દુવાથી આપણી સેના જડબાતોડ જવાબ આપવામાં સક્ષમ રહી. આ હુમલામાં બાળકો સહિત ઘણા નાગરિકો માર્યા ગયા છે. અલ્લાહ તેમને માફ કરે અને સ્વર્ગમાં સ્થાન આપે. 22 એપ્રિલે પહેલગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની, ભારતે ઉતાવળમાં કાર્યવાહી કરી અને ભારતીય મીડિયાએ પાકિસ્તાન પર પાયાવિહોણા આરોપો લગાવવાનું ચાલુ કર્યું કે, આપણે આ હુમલા માટે જવાબદાર છીએ.
પાકિસ્તાની સંસદને સંબોધિત કરતા શાહબાઝ શરીફે કહ્યું કે, અમે ઘણા દેશોના રાષ્ટ્રપ્રમુખો સાથે વાત કરી છે, જ્યારે અમને પહેલગામ હુમલાના સમાચાર મળ્યા ત્યારે હું પોતે તુર્કીની મુલાકાતે હતો. અમે ત્યારે જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ હુમલા સાથે અમારો કોઈ સંબંધ નથી. અમે કહ્યું હતું કે અમે પણ સહયોગ કરવા તૈયાર છીએ, પરંતુ ભારતે અમારી રજૂઆત ન સ્વીકારી.
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે 22 એપ્રિલથી, લગભગ દરરોજ અમને માહિતી મળી રહી હતી કે હુમલો થવાનો છે. તેમણે ધમકી આપી કે 'જ્યારે પણ કોઈ ઉશ્કેરણી થશે, ત્યારે અમારા દળો બદલો લેવા માટે 24 કલાક તૈયાર રહેશે.’
ભારતના હવાઈ હુમલા બાદ તરત જ, શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનની ધરતી પર 5 સ્થળોએ ‘કાયર હુમલા’ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનને આ યુદ્ધ થોપનાર કૃત્યનો સખત જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે જવાબ આપવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની સેના અને લોકો સંપૂર્ણપણે એકજૂથ છે અને દેશનું મનોબળ ઊંચું છે. આખો દેશ પાકિસ્તાની સશસ્ત્ર દળો સાથે ઉભો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp