બેકરીમાં ઘૂસીને એક પાકિસ્તાનીએ 3 ભારતીયો પર તલવારથી કર્યો હુમલો, 2ના મોત, પરિવારે સરકાર પાસે માગી મદદ
દુબઈમાં કામ કરવા ગયેલા તેલંગાણાના 3 ભારતીય નાગરિકો પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 2 લોકોના મોત થઇ ગયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ દુ:ખદ ઘટના 11 એપ્રિલના રોજ દુબઈની એક બેકરીમાં બની હતી, જ્યાં ત્રણેય યુવાનો કામ કરતા હતા. પરિવારનો આરોપ છે કે, આ હુમલો એક પાકિસ્તાની નાગરિક દ્વારા કરવામાં આવ્યો હતો, જે ધાર્મિક નારા લગાવતો બેકરીમાં ઘૂસ્યો હતો. આ દરમિયાન તેણે તલવારથી હુમલો કરી દીધો.
એજન્સીના જણાવ્યા અનુસાર, નિર્મલ જિલ્લાના સૌન ગામના રહેવાસી 35 વર્ષીય અશ્તાપુ પ્રેમસાગરનું આ હુમલામાં મોત થઇ ગયું હતું. તેના કાકા એ. પોશેટ્ટીએ જણાવ્યું કે, પ્રેમસાગર છેલ્લા 5-6 વર્ષથી દુબઈમાં એક બેકરીમાં કામ કરતો હતો. 2 વર્ષ અગાઉ ભારત આવ્યો હતો. તે ફરજ પર હતો. ત્યારે આરોપીએ તેના પર તલવારથી હુમલો કર્યો, જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, પ્રેમસાગર તેની પત્ની અને 2 નાના બાળકો સાથે રહે છે. પરિવારે સરકારને અપીલ કરી છે કે, પાર્થિવ દેહને ભારત લાવવામાં આવે અને પરિવારને આર્થિક સહાયતા આપવામાં આવે. આ હુમલામાં માર્યા ગયેલા બીજા વ્યક્તિની ઓળખ નિઝામાબાદ જિલ્લાના રહેવાસી શ્રીનિવાસ તરીકે થઈ છે.
આ માહિતીની પુષ્ટિ કેન્દ્રીય મંત્રી. કિશન રેડ્ડીએ કરી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રીજા વ્યક્તિનું નામ સાગર છે, જે હોસ્પિટલમાં દાખલ છે. સાગરની પત્ની ભવાનીએ નિઝામાબાદમાં વાત કરતા આ ઘટનાની પુષ્ટિ કરી અને સરકારને મદદ માટે અપીલ કરી. આ ઘટનાને કારણે સમગ્ર તેલંગાણામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, દુબઈમાં તેલંગાણાના 2 યુવાનો, અશ્તાપુ પ્રેમસાગર અને શ્રીનિવાસની બર્બર હત્યાથી તેમને ખૂબ જ આઘાત પહોંચ્યો છે. મેં વિદેશ મંત્રી જયશંકર સાથે વાત કરી છે અને તેમણે શોકમગ્ન પરિવારોને શક્ય તેટલી મદદ કરવાની અને પાર્થિવદેહોને વહેલી તકે ભારત લાવવાની ખાતરી આપી છે.
તો, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બાંદી સંજય કુમારે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ગૃહ મંત્રાલય આ મામલે વિદેશ મંત્રાલયના સંપર્કમાં છે. અમે આ મામલે દુબઈ પોલીસ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માગ કરી રહ્યા છીએ અને પીડિત પરિવારોને શક્ય તેટલી મદદ પૂરી પાડવામાં આવી રહી છે.
પ્રેમસાગરનો પરિવાર ખૂબ જ આઘાતમાં છે. તેમના કાકા પોશેટ્ટીએ કહ્યું કે, અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે મૃતદેહને ભારત લાવવા આવે. પીડિત પરિવારને આર્થિક મદદ આપવી જોઈએ. દુબઈમાં ભારતીય દૂતાવાસના માધ્યમથી સ્થાનિક પોલીસને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય નજર રાખી રહ્યું છે. પીડિત પરિવારોને ઝડપી ન્યાયની ખાતરી આપવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp