હવે પાસ વિના પણ જીલ્લાની સરહદ પસાર કરી શકાશે : ડે.સીએમ નીતિનભાઈ પટેલ
ગુજરાત સરકાર હવે ધડાધડ રાહત આપવાના મૂડમાં હોય એમ લાગે છે. સામે પક્ષે બે મહિનાના લોકડાઉન પછી કંટાળેલી પ્રજા પણ આવી રાહતોની રાહ જોઈને જ બેઠી છે. અત્યાર સુધી એક જિલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માટે જાણે વિઝા લેવાના હોય એટલી લાઈન લાગતી હતી. સ્વાભાવિક રીતે સરકાર અત્યાર સુધી એવું નહોતી ઈચ્છતી કે મુસાફરોને કારણે કોરોના સંક્રમણ જીલ્લાઓ વચ્ચે ફેલાય. પણ હવે સરકારે કન્ટેન્ટમેન્ટ ઝોનને આધારે પોતાનું વલણ બદલ્યું છે. ગુજરાતમાં ઘણા જીલ્લાઓ એવા છે, જેમાં કોરોનાની અસર બહુ જોવા મળી નથી. આ હકીકતને ધ્યાનમાં રાખીને આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે કે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય ગુજરાતના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કોઈ પાસ ની જરૂર નથી. હાલમાં અનેક લોકો એવા છે જે લોકડાઉન ૧.૦ લદાયું એ સમયે કોઈક કામ અર્થે બીજા જિલ્લાઓમાં ગયેલા. એમાંના ઘણા લોકો પછી ત્યાં જ ફસાઈ ગયા! નીતિન પટેલની જાહેરાત બાદ આ લોકોને મોટી રાહત મળશે. જો કે આ રાહતો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારો માટે જ છે, એ ખાસ યાદ રાખવું.
અહીં ઘણા બધા લોકોની એક બીજી સમસ્યા પણ છે. કેટલાય દિવસોથી ઘરમાં કેદ ગુજરાતની પ્રજાને આજથી હવે માંડ માંડ ઘરનો ઉંબરો ઓળંગવાની પરમિશન મળી છે. સંક્રમિત વિસ્તારો સિવાયના લોકો હવે પોતપોતાની ઓફીસ-દુકાનો-ફેક્ટરીઝ શરુ કરી શકશે. આ છૂટ મળવાથી મોટા ભાગના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. લગભગ બે મહિનાના લોકડાઉન બાદ આજે રાજકોટ સહિતના શહેરોમાં લોકોના ટોળા દેખાયા હતા. આ રીતે બજારોમાં ટોળાબંધ લોકોના ભેગા થવા માટે રાજકોટના કલેકટર રમ્યા મોહને ચેતવણી પણ ઉચ્ચારી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ પણ કરી છે. પરંતુ લોકોની પણ પોતીકી સમસ્યાઓ છે. આટઆટલા દિવસો સુધી બજારો બંધ રહ્યા હોવાને કારણે લોકોને ઘણી ચીજવસ્તુઓની તંગી પડી રહી છે. એટલે આવનારા થોડા દિવસો દરમિયાન સ્વાભાવિકપણે જ આ પ્રકારની ભીડ સુરત, વડોદરા, અમદાવાદ કે રાજકોટ જેવા શહેરોમાં ઉમટી પડવાની છે. એવા સંજોગોમાં લોકોએ પોતે જ પોતાનો ખ્યાલ રાખતા શીખવું પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp