પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના : મોટી જાનહાની!

પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના : મોટી જાનહાની!

05/22/2020 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના : મોટી જાનહાની!

ઇસ્લામાબાદ : પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું એક પેસેન્જર પ્લેન આજે ક્રેશ થઇ ગયું છે. લાહોરથી કરાંચી જઈ રહેલું આ વિમાન જીન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ વિમાનમાં કુલ ૧૦૭ યાત્રીઓ સવાર હતા. આ પૈકી હજી સુધીમાં ૯૮ યાત્રીઓના મૃત્યુની પુષ્ટિ થઇ ચૂકી છે. આ મામલે સૌથી વધુ આંચકો આપનારી બાબત એ હતી કે લેન્ડિંગની થોડી ક્ષણો પહેલા ક્રેશ થયેલું વિમાન એરપોર્ટથી થોડે દૂરના રહેણાક વિસ્તાર ઉપર ખાબક્યું હતું. મોડેલ ટાઉન નામના આ વિસ્તારમાં અચાનક પ્લેન તૂટી પડવાને કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડેલ ટાઉનના અનેક મકાનોમાં આગ લાગી હતી અને સાત જેટલા ઘર સંપૂર્ણપણે નષ્ટ થઇ ગયા હતા! પ્લેન ક્રેશની ખબર મળતાની સાથે જ પાકિસ્તાની સેના ઘટના સ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરુ કરી દીધા હતા!

પીઆઈએના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું હતું કે વિમાનમાં ૯૯ યાત્રીઓ સવાર હતા. અને બાકીના ક્રૂ મેમ્બર્સ હતા. ક્રેશ થયું એની પહેલા જ મુખ્ય પાઈલટ સજ્જાદ ગુલે એર ટ્રાફિક ટાવરને સૂચના આપી હતી કે તેના પ્લેનના લેન્ડિંગ ગિયરમાં કંઈક ટેકનિકલ ગરબડ જણાઈ રહી છે. પાઈલટનો આ મેસેજ આવ્યા બાદ કંટ્રોલ ટાવર જવાબ આપે કે આગળનું કશું વિચારે એ પહેલા અચાનક જ પ્લેન રડાર પરથી ગાયબ થઇ ગયું! અને ત્યાર બાદ ખબર પડી કે એ એરપોર્ટ નજીકની જ એક સોસાયટી ઉપર ક્રેશ થયું છે.

આ ઘટનાનું વધુ કરુણ પાસુ એ છે કે વિમાનના યાત્રીઓ સહિત જ્યાં ક્રેશ થયું એ સોસાયટીના રહીશોએ પણ જાનોમાલનું ભારે નુકસાન વેઠવું પડ્યું છે. કેટલીક કારને નુકસાન થયું છે, અનેક લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. તબાહ થઇ ગયેલા મકાનોના કાટમાળમાંથી હજી સુધીમાં ઓછામાં ઓછા ચાર રહીશોના મૃતદેહ બહાર કાઢી શકાયા છે. અનેક ઘાયલોને હોસ્પિટલ લઇ જવાયા છે.


પીએમ ઈમરાનની ટ્વિટ

પીએમ ઈમરાનની ટ્વિટ

આ ઘટના અંગે પાકિસ્તાની પ્રાઈમ મિનિસ્ટર ઈમરાન ખાને ટ્વિટ કરીને શોક જાહેર કર્યો છે. ઈમરાન લખે છે કે આ દુર્ઘટના અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. હું પીઆઈએના સીઈઓ અરશદ મલિક સાથે સતત સંપર્કમાં છું. અરશદ મલિક કરાચી આવવા નીકળી ગયા છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીએ આ ઘટના સંદર્ભે તરત જ ઇન્ક્વાયરી કમિશન બેસાડવાની વાત પણ કરી હતી. બીજી તરફ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનમાં ઘટેલી આ દુર્ઘટના અન્વયે ટ્વિટ કરીને શોક જાહેર કર્યો હતો.


પાકિસ્તાની સેનાનું રેસ્ક્યુ ઓપરેશન શરુ

પાકિસ્તાની સેનાનું રેસ્ક્યુ ઓપરેશન શરુ

સ્થળ પર હાજર લોકોના કહેવા મુજબ સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું છે પણ ચારે તરફ ધુમાડો જ ધુમાડો દેખાય છે. ધારણા કરતા ઘણા વધારે લોકોના મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાના કામને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઘાયલોને બનતી ઝડપે હોસ્પિટલ પહોંચાડાઇ રહ્યા છે અને કરાંચીની તમામ હોસ્પિટલ્સમાં ઈમરજન્સી ઘોષિત કરી દેવામાં આવી છે.

પાકિસ્તાન માટે તાજેતરના ભૂતકાળમાં આ પ્રકારનો બીજો બનાવ છે જેમાં પીઆઈએનું પ્લેન ક્રેશ થયું હોય. આ અગાઉ ૭ ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે ચિત્રાલથી ઇસ્લામાબાદ જઈ રહેલું પીઆઈએ એટીઆર-૪૨ વિમાન પોતાની યાત્રા દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડેલું. એમાં સવાર તમામ ૪૮ લોકો મોતને ભેટેલા. એ વિમાનમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચારક અને જાણીતા ગાયક જુનેદ જમશેદનું પણ નિધન થયેલું.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top