ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટ 2025ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પૂજારા ઘણા વર્ષો સુધી ભારતીય ટેસ્ટ ટીમનો મહત્ત્વપૂર્ણ સભ્ય રહ્યો અને ટીમની સફળતામાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. 2018-19 અને 2020-21માં ઓસ્ટ્રેલિયન ધરતી પર ભારતીય ટીમની સતત શ્રેણી જીતના હીરો પૂજારા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેતેશ્વર પૂજારાને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. પૂજારાએ વડાપ્રધાન મોદી તરફથી મળેલો પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
પૂજારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર શેર કરતા લખ્યું છે કે, ‘મને મારી નિવૃત્તિ પર માનનીય વડાપ્રધાન તરફથી પ્રશંસા પત્ર મળ્યો છે, જેથી હું સન્માનિત અનુભવું છું. હું તેમના દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીઓ માટે ખૂબ આભારી છું. હું મારા જીવનની બીજી ઇનિંગમાં પગ રાખતા હું મેદાન પર વિતાવેલી દરેક ક્ષણ અને ચાહકો તરફથી મળેલા પ્રેમને યાદ કરીશ.’
વડાપ્રધાને આ પત્રમાં લખ્યું છે કે, ‘તેમને ચેતેશ્વર પૂજારાના નિવૃત્તિ લેવાના નિર્ણયની જાણકારી મળી, ત્યારબાદ ચાહકો અને ક્રિકેટ જગતે તેમના પર પ્રશંસાનો વરસાદ વરસાવ્યો. વડાપ્રધાને પૂજારાને તેમની શાનદાર ક્રિકેટ કારકિર્દી માટે અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ટૂંકા ફોર્મેટના યુગમાં પૂજારા લાંબા ફોર્મેટની સુંદરતાનું પ્રતીક રહ્યા. વડાપ્રધાનનું માનવું છે કે પૂજારાની ધીરજ, એકાગ્રતા અને લાંબા સમય સુધી બેટિંગ કરવાની ક્ષમતાએ તેમને ભારતીય બેટિંગનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ બનાવતી હતી.
વડાપ્રધાન મોદીએ પૂજારાને લખેલા પત્રમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર 2018-19ની ઐતિહાસિક ટેસ્ટ શ્રેણીમાં તેમના યોગદાનનો પણ ઉલ્લેખ છે. પ્રધાનમંત્રીએ લખ્યું છે કે, પૂજારાની હાજરી હંમેશા ચાહકોને ખાતરી આપે છે કે ટીમ સુરક્ષિત હાથમાં છે. વડાપ્રધાને ઘરેલુ ક્રિકેટમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજકોટને ક્રિકેટના નકશા પર લાવવામાં તેમનું યોગદાન યુવાનો માટે ગર્વની વાત છે.
વડાપ્રધાને લખ્યું, ‘મને ખાતરી છે કે પૂજારાના પિતા તેમના પર ગર્વ અનુભવતા હશે, જે તેમના પુત્રના માર્ગદર્શક પણ રહ્યા છે. પૂજા (પૂજારાની પત્ની) અને અદિતિ (પૂજારાની પુત્રી) પણ ખુશ થશે કે હવે તેમને પૂજારા સાથે વધુ સમય વિતાવવાની તક મળશે. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે ચેતેશ્વર પૂજારાના કારકિર્દીમાં પરિવારે મોટું યોગદાન અને બલિદાન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ મેદાનની બહાર કોમેન્ટેટર તરીકે ચેતેશ્વર પૂજારાની ઊંડી ક્રિકેટ સમજની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ક્રિકેટ પ્રેમીઓ માટે પૂજારાનું વિશ્લેષણ ખૂબ જ મૂલ્યવાન છે અને લોકો હંમેશા તેમના વિચારો સાંભળવા માટે ઉત્સુક રહે છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે પૂજારા ક્રિકેટ સાથે સંકળાયેલા રહેશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. અંતે, તેમણે પૂજારાને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.
37 વર્ષીય ચેતેશ્વર પૂજારાએ ભારતીય ટીમ માટે 103 ટેસ્ટ મેચમાં 7195 રન બનાવ્યા. ટેસ્ટમાં પૂજારાની સરેરાશ 43.60 રહી અને તેમણે 19 સદી ઉપરાંત 35 અડધી સદી ફટકારી હતી. પૂજારાએ 5 ODI મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પૂજારાએ ODI મેચોમાં 51 રન બનાવ્યા હતા. 2018-19માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીતી હતી. ત્યારે ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 521 રન બનાવ્યા હતા.