વાલીઓ પોતાની અપેક્ષાઓ બાળકો પર ન થોપે, ઈશ્વર દરેક બાળકને વિશેષ શક્તિ સાથે મોકલે છે : પીએમ મોદી

વાલીઓ પોતાની અપેક્ષાઓ બાળકો પર ન થોપે, ઈશ્વર દરેક બાળકને વિશેષ શક્તિ સાથે મોકલે છે : પીએમ મોદી

04/01/2022 Education

SidhiKhabar

SidhiKhabar

વાલીઓ પોતાની અપેક્ષાઓ બાળકો પર ન થોપે, ઈશ્વર દરેક બાળકને વિશેષ શક્તિ સાથે મોકલે છે : પીએમ મોદી

નેશનલ ડેસ્ક: દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી સંવાદ કરે છે. આ વર્ષે પણ વડાપ્રધાને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં હજારો વિદ્યાર્થીઓને સંબોધતા વડાપ્રધાને પરીક્ષા અને અભ્યાસને લગતી ઘણી વાતો કરી હતી.


વડાપ્રધાને સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, “આ મારો ખૂબ પ્રિય કાર્યક્રમ છે પરંતુ કોરોનાના કારણે વચ્ચે હું આપને મળી ન શક્યો. પરંતુ આજનો કાર્યક્રમ મારા માટે આનંદનો અવસર છે કારણ કે એક લાંબા સમય બાદ તમને સૌને મળવાની તક મળી રહી છે.” તેમણે ઉમેર્યું, “તહેવારો વચ્ચે પરીક્ષાઓ હોય છે. જેથી તહેવારોની મજા લઇ શકાતી નથી. પરંતુ તમે (વિદ્યાર્થીઓ) પરીક્ષાને જ તહેવાર બનાવી દો તો તેમાં અનેક રંગો ઉમેરાઈ જાય છે.”


પરીક્ષા જીવનનો મહત્વપૂર્ણ ભાગ, એને તહેવાર તરીકે ઉજવો : વડાપ્રધાન

પરીક્ષા જીવનનો મહત્વપૂર્ણ ભાગ, એને તહેવાર તરીકે ઉજવો : વડાપ્રધાન

પરીક્ષામાં ગુણ અને પ્રદર્શનને લઈને વડાપ્રધાને કહ્યું કે, “પરીક્ષા આપણા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જીવનના દરેક તબક્કે આપણે કોઈકને કોઈક પરીક્ષામાંથી પસાર થઈએ છીએ. પરીક્ષાને પણ એક દૈનિક દિનચર્યા તરીકે લો, તહેવાર ઉજવતા હોઈએ તેમ પરીક્ષા આપો તો તમે ચોક્કસપણે સફળ થઈને જ રહેશો.”

પરીક્ષાને લઈને વડાપ્રધાને કહ્યું, “મનમાં નક્કી કરી લો કે પરીક્ષા જીવનનો સહજ હિસ્સો છે અને આ વિકાસયાત્રાના નાના-મોટા પડાવ છે. આવા પડાવ પહેલાં પણ પાર કરી ચૂક્યા છીએ અને પહેલાં પણ આવી ઘણી પરીક્ષા આપી ચૂક્યા છીએ તેવો વિશ્વાસ આવી જાય તો પરીક્ષા માટે આ જ અનુભવ તમારી શક્તિ બની શકે છે.


ઓનલાઈન અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવા માટે શું કરવું?

ઓનલાઈન અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરવા માટે શું કરવું?

ચર્ચા દરમિયાન વિદ્યાર્થીએ વડાપ્રધાનને પ્રશ્ન કર્યો કે, ઓનલાઈન અભ્યાસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત નથી રહેતું અને ભટકી જાય છે. જેની પર વડાપ્રધાને પહેલાં મજાકના સ્વરમાં પૂછ્યું કે તમે ઓનલાઈન અભ્યાસ દરમિયાન સાચે જ ભણો છો કે રીલ જુઓ છો? જે બાદ આખા સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

જોકે, પછી વડાપ્રધાને કહ્યું કે, સમસ્યા માધ્યમ નથી પરંતુ મન છે. જો મન પર કાબૂ હોય તો ઓનલાઈન અભ્યાસ પણ ધ્યાન કેન્દ્રિત કરીને કરી શકાય છે.

બાળકોએ સોશિયલ મીડિયા અને ગેમિંગની લતથી કઈ રીતે બચવું જોઈએ તે અંગે વાત કરતા વડાપ્રધાને કહ્યું કે, જેટલી મજા મોબાઈલ કે લેપટોપમાં ઓનલાઈન રહેવાની આવે છે એટલી જ મજા ખુદની અંદર એટલે કે ઇનરલાઈન રહેવાની પણ છે. વિદ્યાર્થીઓ ઓફલાઈન કે ઓનલાઈન નહીં પરંતુ ઇનરલાઈન રહે તેવું પણ વડાપ્રધાને કહ્યું હતું.


ઓનલાઈન શીખવા માટે છે, ઓફલાઈન શીખેલું સાકાર કરવા

ઓનલાઈન શીખવા માટે છે, ઓફલાઈન શીખેલું સાકાર કરવા

ઓનલાઈન માધ્યમથી તમે કોઈ પણ મુદ્દે જ્ઞાન મેળવી શકો છો પરંતુ તેનો અમલ કરવા માટે કે શીખેલું સાકાર કરવા માટે ઓફલાઈન માધ્યમની જરૂર પડે છે તેમ કહેતા વડાપ્રધાને ઢોસાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ઓનલાઈન માધ્યમથી તમે સારા ઢોસા બનાવતા શીખી શકો છો પરંતુ તે ખાવા માટે તમારે વાસ્તવિક જીવનમાં બનાવવો પડશે. જેથી ઓનલાઈન શીખવા માટે છે જ્યારે ઓફલાઈન શીખેલું સાકાર કરવા માટે છે.


તમારી અપેક્ષાઓ અને સપનાંઓ બાળકો પર ન થોપો, તમે તેના સપનાંઓ સમજી નથી શકતા એ તમારી નબળાઈ છે : પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું પરિજનો અને શિક્ષકોને અપીલ કરું છું કે જે સપનાંઓ તમે પૂરાં નથી કરી શક્યા તેને સંતાનો પર થોપવાના પ્રયાસો ન કરો. બાળકોના વિકાસમાં આ બહુ ચિંતાજનક બાબત છે.

આગળ વડાપ્રધાન કહે છે, “દરેક બાળકનું આગવું સામર્થ્ય હોય છે. પરિજનો, શિક્ષકોના ત્રાજવાંમાં એ કદાચ ન પણ બંધબેસે પરંતુ ઈશ્વરે એને કોઈકને કોઈક વિશેષ શક્તિ સાથે મોકલ્યું હોય છે. તમે તેના સપનાંઓને સમજી નથી શકતા તો એ તમારી નબળાઈ છે. જેનાથી તમારા અને બાળકો વચ્ચેનું અંતર વધવા લાગે છે. બાળકોની શક્તિઓ કે રસ-રૂચિ અને તેની અપેક્ષાઓને જાણવાનો પ્રયાસ નહીં કરીએ તો એ નાસીપાસ થઇ જાય છે. જેથી દરેક શિક્ષક-વાલીને કહેવા માંગીશ કે તમે પોતાની આશા-અપેક્ષાઓ અનુસાર બાળકો પર બોજો પડવા ન દો. તેનાથી શક્ય બને તેટલા બચવાના પ્રયાસ કરો.”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top