આજથી બે દિવસ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે, આજે અમદાવાદને કરોડોની લહાણી! જાણો વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી બે દિવસ 25 અને 26 ઓગસ્ટના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગ્યે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી નિકોલ પહોંચશે. જ્યાં તેઓ લોકાર્પણ અને જાહેરસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી પીએમ રોડ શો કરવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ માટે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યને વિકાસની નવી ભેટો આપશે. પીએમ મોદી 25મી ઓગસ્ટે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સાંજે 4:30 વાગ્યે 5,477 કરોડ રૂપિયાના કુલ 22 જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ વિશાળ કાર્યક્રમમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં રેલવે, રોડ અને બિલ્ડિંગ, અર્બન ડેવલપમેન્ટ તથા રેવન્યૂ વિભાગોના પ્રોજેક્ટો સામેલ છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન જાહેરસભાને પણ સંબોધન કરશે, જેને લઈને નિકોલ વિસ્તારને વિશેષ રીતે શણગારવામાં આવ્યો છે.
અમદાવાદ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન (110 કરોડ), વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો (50 કરોડ) અને AUDA દ્વારા 1,500 કરોડથી વધુના ખર્ચે રોડને સિક્સલેન બનાવવા જેવા અર્બન ડેવલપમેન્ટના કામોનો પણ સમાવેશ છે. અમદાવાદના વાડજના રામાપીર ટેકરા વિસ્તારમાં 133 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો અને 130 દુકાનોનું લોકાર્પણ પણ કરવામાં આવશે. સી.જી. રોડ અને લો ગાર્ડન વિસ્તારમાં 100 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન અને પ્લેસમેકિંગ પ્રોજેક્ટ શરૂ થશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ગુજરાતના ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરશે pic.twitter.com/oE6QF8jDGo — BJP Gujarat (@BJP4Gujarat) August 23, 2025
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ગુજરાતના ₹1,400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કરશે pic.twitter.com/oE6QF8jDGo
મહેસાણા-પાલનપુર વચ્ચે 65 કિમીની રેલલાઈન ડબલિંગ, બેચરાજીથી રણુજ સુધી 40 કિમીના ગેજ કન્વર્ઝન તેમજ વિરમગામ નજીક 70 કરોડના રેલવે અંડરબ્રિજના કામોનો પણ સમાવેશ થાય છે. ચાંદખેડામાં 66 kV સબસ્ટેશનનું લોકાર્પણ પણ PM મોદી કરશે. આ તમામ કામો દેશના પરિવહન માળખાને મજબૂત બનાવશે.
આ સાથે અસારવા વિસ્તારમાં અમરસિંહ ચૌધરી રેલવે ઓવરબ્રિજ (કુલ ખર્ચ 66 કરોડ) માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવા બ્રિજથી આશરે 1.5 લાખ વાહનચાલકોને લાભ મળશે, ખાસ કરીને ગિરધરનગર વિસ્તારમાં બુલેટ ટ્રેનના કામથી થતા ટ્રાફિકને દુર કરવામાં મદદ મળશે. આ સાથે કડી અને સાબરમતી વચ્ચે પહેલી મેમુ યાત્રિ ટ્રેન સેવા શરૂ થશે. 2017માં બંધ થયેલા કડી-કટોસણ મીટરગેજ વિભાગ હવે બ્રોડગેજમાં રૂપાંતર બાદ ફરીથી કાર્યરત થશે. આ ટ્રેન સેવા વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવીને શરૂ કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp