રાજનાથસિંહ મોસ્કો માટે રવાના, ચીની નેતાઓ સાથે કોઈ વાતચીત નહીં.

મોસ્કોમાં યોજાનારી વિક્ટરી પરેડમાં ભાગ લેવા માટે રક્ષામંત્રી રાજનાથસિંહ રવાના, ચીની નેતાઓ સાથે કોઈ વાતચીત નહીં.

06/22/2020 World

SidhiKhabar

SidhiKhabar

રાજનાથસિંહ મોસ્કો માટે રવાના, ચીની નેતાઓ સાથે કોઈ વાતચીત નહીં.

નવી દિલ્હી/મોસ્કો : ચીન સાથે સરહદ પર ચાલતા તણાવ વચ્ચે રક્ષામંત્રી રાજનાથસિંહ આજે રશિયા જવા માટે રવાના થઇ ગયા છે. રાજનાથસિંહ ૨૪મી જૂને રશિયાની જર્મની પર જીતના ૭૫ વર્ષ પુરા થવા પર મોસ્કોમાં યોજાનારી વિક્ટરી ડે પરેડમાં ભાગ લેશે. સરહદ પર ચીન સાથેના તણાવની વચ્ચે રાજનાથસિંહની આ મોસ્કો યાત્રા મહત્વની માનવામાં આવી રહી છે.

રશિયાના રક્ષામંત્રી સર્ગેઈ શોઈગુએ રક્ષામંત્રી રાજનાથસિંહને વિક્ટરી ડે પરેડમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. પહેલા આ પરેડ ૯ મી મે ના રોજ યોજાનાર હતી પરંતુ કોવિદ-૧૯ મહામારીને કારણે કાર્યક્રમ પાછળથી સ્થગિત કરવામાં આવ્યો હતો.

ભારત અને ચીન વચ્ચે ચાલતા તણાવ વચ્ચે મોસ્કો અગત્યનો ભાગ ભજવી શકે છે. હકીકતમાં મોસ્કો અને નવી દિલ્હી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાતચીત ચાલતી રહી છે. ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલ હિંસક ઝપાઝપી બાદ રશિયામાં ભારતીય રાજદૂત વેંકટેશ શર્મા અને નાયબ વિદેશ મંત્રી ઇગોર મોર્ગુલોવ વચ્ચે ટેલીફોનીક વાતચીત થઇ હતી.

રશિયન વિદેશ મંત્રાલયે આ બાબતે આપેલા ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અધિકારીઓએ હિમાલયમાં ભારત અને ચીન વચ્ચેની સરહદ પરની વાસ્તવિક નિયંત્રણ રેખા અને પ્રાદેશિક સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી.’

ભારત અને ચીન વચ્ચે ૬ જૂને થયેલ લેફ્ટનન્ટ જનરલ સ્તરની વાતચીત પહેલા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ એલએસીની પરીસ્થિતિ અંગે રશિયન રાજદૂત નિકોલેને અવગત કર્યા હતા. ત્યારબાદ રશિયન રાજદૂતે ટ્વીટ કર્યું હતું કે, ‘અમે બંને દેશોના વિદેશમંત્રી વચ્ચે વાતચીત થાય અને મામલો હલ કરી શકાય એ માટેના તમામ પગલાંઓને આવકારીએ છીએ.’

રશિયન મીડિયાના અહેવાલ મુજબ રશિયન પ્રમુખપદના પ્રવક્તા પેસ્કોવે કહ્યું હતું કે, ‘તેઓ ભારત અને ચીન વચ્ચે ચાલતા તણાવ બાબતે ચિંતિત છે. પરંતુ તેઓ માને છે કે બંને દેશો આ મામલાને જાતે જ હલ કરી શકે છે.’ તેમણે જણાવ્યું હતું કે, ‘અમે ભારત અને ચીન વચ્ચે શું ચાલી રહ્યું છે તેની ઉપર નજર રાખી રહ્યા છીએ. તે ચિંતાજનક છે. પરંતુ બંને દેશો જરૂરી પગલા લઈને સ્થિતિ કાબૂમાં લાવવા માટે સક્ષમ છે.’


રાજનાથ ચીન નેતાઓ સાથે વાતચીત નહિ કરે...

રાજનાથ ચીન નેતાઓ સાથે વાતચીત નહિ કરે...

સૂત્રો અનુસાર મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પરેડમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે વડાપ્રધાનની મુલાકાત રદ કરી દેવામાં આવી હતી. એ જ પ્રમાણે આ પરેડમાં ભાગ લેવા માટે ચીની રાષ્ટ્રપતી શી જીનપિંગને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમના સ્થાને ચીનના સંરક્ષણ મંત્રાલયના અધિકારી ભાગ લેશે. ભારત તરફથી રક્ષામંત્રી રાજનાથસિંહ અને અન્ય અધિકારીઓ ભાગ લેવા માટે જઈ રહ્યા છે.

આ કાર્યક્રમમાં ચીની પ્રતિનિધિ પણ હાજર રહેવાના હોવા છતાં, ચીન સાથે સરહદ ઉપરની વર્તમાન પરીસ્થિતિના કારણે રાજનાથસિંહ કોઈ પણ શીર્ષ ચીની નેતા સાથે મુલાકાત કરશે નહીં તેવું જણાવવામાં આવી રહ્યું છે. રાજનાથસિંહ સાથે રક્ષાસચિવ અજયકુમાર અને સશસ્ત્રબળોના શીર્ષ અધિકારી પણ ભાગ લેશે. ભારત આતંરરાષ્ટ્રીય મંચ ઉપર ચીન સાથે કોઈ વાતચીત ન કરીને ચીનને ઘેરવાના પ્રયત્નો કરી રહ્યું છે. બંને દેશો વચ્ચે કૂટનીતિક વાટાઘાટો સતત ચાલી રહી છે પરંતુ ગલવાન ઘાટીની ઘટના પછી બંને દેશો વચ્ચે માહોલ તણાવપૂર્ણ રહ્યો છે.

મોસ્કોમાં યોજાનાર પરેડમાં ભારતીય અને ચીની સૈનિકો પણ ભાગ લેવા જઈ રહ્યા છે. ભારતની ત્રણેય સેનાના ૭૫ જવાનો પહેલેથી જ મોસ્કો પહોંચી ગયા છે. જેનું નેતૃત્વ શીખ બટાલિયનના મેજર રેન્કના ઓફિસર કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top