શું સચિન તેંદુલકર બનશે BCCIના આગામી ચીફ? આ નિવેદનથી બધુ સ્પષ્ટ થઈ ગયું
BCCIના ચીફ રોજર બિન્નીએ 70 વર્ષના થયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. BCCIનું બંધારણ કોઈપણ અધિકારીને 70 વર્ષની ઉંમર બાદ કોઈપણ પદ સંભાળવાની મંજૂરી આપતું નથી. બિન્નીએ રાજીનામું આપ્યું ત્યારથી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકર BCCIના નવા ચીફ બનવાને લઈને અટકળો ચાલી રહી છે, પરંતુ હવે તેમની ટીમ તરફથી એક નિવેદન જાહેર કરીને આ અફવાઓને નકારી કાઢી છે.
સચિન રમેશ તેંદુલકર (SRT) સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે સચિન તેંદુલકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પદ માટે વિચારણા અથવા નામાંકિત કરવા અંગે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આવું કંઈ થયું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે તમામ સંબંધિત પક્ષોને પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરીએ છીએ.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 28 સપ્ટેમ્બરે તેની વાર્ષિક સામાન્ય સભા કરવા જઈ રહ્યું છે. આમાં નવા BCCIના ચીફ અને IPL ચેરમેનની પસંદગી થઈ શકે છે. IPL ચેરમેન અરુણ કુમાર ધુમલ 6 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ અનિવાર્ય બ્રેક (કૂલ-ઓફ પીરિયડ) પર જાય તેવી શક્યતા છે. બીજી તરફ, એવું પણ માનવામાં આવે છે કે વર્તમાન સેક્રેટરી દેવજીત સૈકિયા, સંયુક્ત સેક્રેટરી રોહન ગૌંસ દેસાઈ અને ખજાનચી પ્રભતેજ સિંહ ભાટી તેમના પદ પર બન્યા રહેશે. રાજીવ શુક્લા હાલમાં BCCIના ઉપપ્રમુખ છે અને એવી શક્યતા છે કે તેઓ કોઈને કોઈ સ્વરૂપમાં BCCI સાથે જોડાયેલા રહેશે.
સચિન તેંદુલકરની ગણતરી ક્રિકેટની દુનિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે. તેઓ ટેસ્ટ અને ODIમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ ઉપરાંત તેઓ એકમાત્ર બેટ્સમેન છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે. તેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન અને ODI ક્રિકેટમાં 18426 રન છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp