ગાંધીનગર : શિક્ષણ વિભાગ દ્વારારાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ ૩ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે ૨૯ અને ૩૦ જુલાઈની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે સરકારે સ્કૂલોને આ એકમ કસોટી ૧૦ ઓગસ્ટ સુધી લેવાની છૂટ આપી છે તેમજ શિક્ષકોને વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા માટે પણ વિકલ્પો આપવામાં આવશે તેવી જાહેરાત થઇ હતી.
સરકાર દ્વારા અગાઉ થયેલ જાહેરાત બાબતે શિક્ષકો તેમજ વાલીઓ દ્વારા વિરોધ થયો હતો, તેમજ શિક્ષકોને વિદ્યાર્થીઓના ઘરે-ઘરે પેપર પહોંચાડવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ હવે ડિજીટલ વિકલ્પ આપવાની જાહેરાત કરવામાં આવી છે જેથી શિક્ષકોને પણ ઘરે-ઘરે પેપરો પહોંચાડવામાંથી મુક્તિ મળશે.
નોંધનીય છે કે રાજ્યની તમામ ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ તેમજ સરકારી શાળાઓમાં એકસાથે એકમ કસોટી લેવાનાર છે. જેમાં ધોરણ ૩ થી ૮ની એકમકસોટી પ્રાથમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને ધોરણ ૯ થી ૧૨ માં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં તમામ જિલ્લાઓમાંથી પેપરો તૈયાર કરી વિદ્યાર્થીઓને પહોંચાડવા માટેનું આયોજન આગાઉ કરવામાં આવ્યું હતું. તારીખ ૨૯ અને ૩૦ જુલાઈ દરમિયાન મુખ્ય વિષયોની પરીક્ષા લેવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.
હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધીરહ્યું છે તેમજ વધુ કેસ હોય એવા કેટલાક વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તે સંજોગોમાં શિક્ષકોએ ઘરે-ઘરે જઈને પેપર પહોંચાડવાનું જોખમી હોઈ શિક્ષક મંડળ અને શાળાઓ દ્વારા આ બાબતને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
ત્યારબાદ આજે શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે કે રાજ્યની તમામ શાળાઓમાં જે એકમ કસોટી ૨૯ અને ૩૦ જુલાઈએ લેવાનાર હતી એ તારીખ લંબાવીને ૧૦ ઓગસ્ટ સુધીની કરી દેવામાં આવી છે. એટલે કે શાળાઓ અને શિક્ષકોને અનુકૂળતા અનુસાર પરીક્ષા લેવા અને ડિજીટલ વિકલ્પ પણ આપવામાં આવશે. જેથી શિક્ષકો કોઈ વિસ્તારમાં જઈ શકે એમ ન હોય તો તેમણે ડિજીટલ પદ્ધતિથી કે અન્ય વિકલ્પજેવા કે વોટ્સએપ કે ઈ-મેઈલ દ્વારા વિદ્યાર્થીને પ્રશ્નપત્ર પહોચાડવાનું રહેશે.