જાણીતા ગુજરાતી પત્રકારની બે વેબ મુવીને ફિલ્મફેર એવોર્ડમાં છ નોમિનેશન

જાણીતા ગુજરાતી પત્રકારની બે વેબ મુવીને ફિલ્મફેર એવોર્ડમાં છ નોમિનેશન

11/30/2020 Glamour

મેઘલસિંહ પરમાર
Q and A
મેઘલસિંહ પરમાર
પત્રકાર

જાણીતા ગુજરાતી પત્રકારની બે વેબ મુવીને ફિલ્મફેર એવોર્ડમાં છ નોમિનેશન

મુંબઈ : ચારેક દાયકા જેટલા સમયથી ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલા વરિષ્ઠ પત્રકાર પ્રફુલ શાહનું નામ ગુજરાતી વાચકો માટે અજાણ્યું નથી. પત્રકારત્વની સાથે સાથે જ અખબારમાં એમનું કટારલેખન પણ ચાલતું રહ્યું છે. આ દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી એમણે નવલકથાઓ પર કલમ અજમાવી છે, અને બહુ ટૂંકા ગાળામાં એમના દ્વારા લખાયેલી કથાઓ-ડોક્યુનોવેલ્સ લોકપ્રિય થઇ છે.એમના દ્વારા લખાયેલી બે કથાઓ પરથી અનુક્રમે ‘બારોટ હાઉસ’ (Barot House) અને ‘પોષમ પા’ (Posham Pa)નામની થ્રિલર ફિલ્મો બની છે. અને ગુજરાતીઓને ગૌરવ થાય એવી બાબત એ છે કે આ બન્ને ફિલ્મોને ફિલ્મફેર એવોર્ડ માટેની વિવિધ કેટેગરીઝમાં કુલ છ નોમિનેશન મળ્યા છે.

આ નિમિત્તે પ્રસ્તુત છે સીધી ખબર માટે જાણીતા લેખક-પત્રકાર પ્રફુલ શાહનો ખાસ ઇન્ટરવ્યુ.

 

પ્રશ્ન : આ બંને ફિલ્મો વિશે જણાવો, અને આ વાર્તાઓને એક ફિલ્મમાં રૂપાંતરિત કરવા માટેની પ્રક્રિયા શું રહી ?

ઉત્તર : બારોટ હાઉસ અને પોષમ પા, આબંને ફિલ્મોમાં રિસર્ચ અને કન્સેપ્ટ મારા છે. વાર્તાના પ્લોટથી માંડીને રિસર્ચ બધું મેં કર્યું છે. જયારે ડાયલોગ અને સ્ક્રીન પ્લે બીજા લેખકોએ લખ્યા છે. બીજું, આ બંને વાર્તાઓ રિયલ લાઈફ સ્ટોરીઓ છે. બંને વાર્તાઓના મુખ્ય પાત્રો આજે પણ હયાત છે અને તેમની ઉપરથી જ મેં આ વાર્તાઓ લખી છે. જો કે ત્યારબાદ આખી વાર્તાના પ્લોટથી માંડીને પાત્રો બધું મારી કલ્પના છે.


પ્ર. : આ બંને ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી, અને જોવાઈ. આ પ્લેટફોર્મનો કોઈ ફાયદો થયો ખરો ?

ઉ. : મને લાગે છે કે હવેઓટીટી પ્લેટફોર્મ ઉપર લોકો ફિલ્મો વગેરે જોવાનું વધુ પસંદ કરે છે. વાચક હોય કે દર્શક, તેમની પાસે લાંબા લખાણો વાંચવા માટે કે લાંબી ફિલ્મો જોવાનો સમય હોતો નથી. ઓટીટી પ્લેટફોર્મ તમને એ સુવિધા આપે છે કે તમે તમારા સમયે ફિલ્મ કે સીરીઝ જોઈ શકો છો, તમારી પ્રાઈવસીમાં જોઈ શકો છો.

છતાં ફિલ્મમાં એ ઘટનાતત્વ હોવું જોઈએ જે દર્શકોને અંત સુધી જકડી રાખે. 90-90 મિનીટની આ ફિલ્મોમાં જે ઘટનાતત્વ છે, મને લાગે છે કે એ દર્શકોને જકડી રાખે છે. અને લોકોએ પસંદ કરવાનું પણ એ જ કારણ હશે. કારણ કે આજનો વાચક કે દર્શક વાર્તામાં ઘટનાતત્વ ન હોય તો એ પડતું મુકે છે, પછી ભલે એ વાર્તા હોય કે કોઈ ફિલ્મ કે સીરીઝ. કારણ કે હવે તેની પાસે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.

પ્ર. : આપણે ત્યાં થ્રિલર અને ક્રાઈમ જોનરમાં બહુ ઓછી વાર્તાઓ લખાય છે. લખાય એમાંથી બહુ ઓછી વંચાય છે. તમે આ જ જોનરમાં બે વાર્તાઓ ઉપરથી ફિલ્મ બનાવી અને એ હીટ પણ થઇ ખરી, આ પાછળ કયા કારણો જવાબદાર ગણો છો ?

ઉ. : ક્રાઈમ ક્યારેય આઉટ ઓફ ડેટ નથી થતું. આ એક એવો વિષય છે કે એ સતત ચાલતો રહે છે. છાપાંઓમાં આ વિષયના સમાચારો ન હોય એવું ન બને, રોજ કેટલીય ઘટનાઓ બનતી રહે છે. પણ એને કઈ રીતે વાચક સમક્ષ કે દર્શક સમક્ષ રજૂ કરવામાં આવે એ મહત્વનું છે. જો વાચક કે દર્શક સામે એ અસરકારક રીતે રજૂ કરવામાં આવે તો એ ચોક્કસ પસંદગી પામશે.


જો કે આપણે ત્યાં ક્રાઈમ ફિક્શનને સાહિત્યની કક્ષામાં ગણવામાં આવતું નથી. ગુજરાતીમાં હરકિસન મહેતા કે અશ્વિની ભટ્ટને ક્યારેય તેમની નવલકથાઓ માટે પારિતોષિક નથી મળ્યા કે ઇવન હિંદીમાં પણ સુરેન્દ્ર મોહન પાઠક અને વેદપ્રકાશ શર્મા જેવા લેખકો જેમણે કારકિર્દી દરમિયાન અનેક પુસ્તકો આપ્યા, એકએકથી ચડિયાતી નવલકથાઓ આપી, તેમના લખાણને ક્યારેય સાહિત્યમાં ગણવામાં નથી આવ્યું. પરંતુ સામે એ વાત પણ એટલી જ સાચી છે કે વાચકો તરફથી તેમને ભરપૂર પ્રેમ મળ્યો છે.

જયારે બીજી તરફ, અંગ્રેજીમાં ક્રાઈમ લેખનનું નામ આવે એટલે અનેક લેખકોના નામ સાથે જોડાય. અંગ્રેજીમાં અગાથા ક્રિસ્ટીનું લેખન જગવિખ્યાત છે. હવે તો તેમના પુસ્તકના ગુજરાતી અનુવાદો પણ થવા માંડ્યા છે.

પ્ર. : આપ ચારેક દાયકાથી પત્રકારત્વ સાથે સંકળાયેલા છો. નવલકથા લેખનની શરૂઆત કઈ રીતે થઇ?

ઉ. : લેખનની શરૂઆત ત્રણ વર્ષ પહેલા કરી. મારી એક નવલકથા ‘દ્રશ્યમ-અદ્ર્શ્યમ’ વર્તમાનપત્રમાં પ્રકાશિત થઇ. એનો અંગ્રેજી અને હિંદીમાં ‘ફાધર્સ ડે’ શીર્ષકથી અનુવાદ કરવામાં આવ્યો છે. એ એક ડોક્યુ નોવેલ છે, જે એક પુણેના વ્યક્તિ ઉપર આધારિત છે. જેનો પુત્ર કીડનેપ થઇ જાય છે અને ત્યારબાદ પ્રયત્નો કરવા છતાં પુત્ર નથી મળતો, તો એ વ્યક્તિ જાતે જ કેસની તપાસ કરે છે અને કેસ સોલ્વ કરે છે. આ આખી વાતને મેં વાર્તા તરીકે રજૂ કરી છે.


મજાની વાત અહીં તમને કહું, એ વ્યક્તિ આજે પોતે પુણેમાં ડિટેક્ટીવ એજન્સી ચલાવે છે. તેઓ પોતે બિલ્ડર છે પરંતુ સાથે એજન્સી પણ ચલાવે છે. અને બાળકો કિડનેપ થયાના કેસમાં એકેય પૈસો લીધા વગર પોલીસની મદદ કરે છે. એ આખી વાર્તા મેં નવલકથા સ્વરૂપે લખી.

ત્યારપછી બે ડોક્યુ નોવેલ ‘અગ્નિજા’ અને ‘આઈએમ પોસિબલ’ મેં લખી. અન્ય ત્રણ થ્રિલર પણ મેં આ લોકડાઉનના સમયમાં લખી. ઉપરાંત લોકડાઉન પહેલા જ મુંબઈ સમાચારમાં મારી એક ધારાવાહિક ‘દાદલો’ પૂરી થઈ.

 

પ્ર. : પત્રકાર દુનિયાને - ખાસ કરીને ચોક્કસ ઘટનાઓને - જરા જુદી નજરે જોતો હોય છે. તમે પણ એ જ રીતે કામ કર્યું હશે.એ બધા અનુભવો તમને ફિક્શન લેખનમાં કેટલા કામ આવ્યા?

ઉ. : પત્રકાર હોવું બેશક મને ઘણું ઉપયોગી થઇ પડ્યું છે. મારા પાછલા ચાર દાયકાના અનુભવો મને ફિક્શન લખવામાં પણ બહુ કામ આવ્યા છે. નવલકથા કે વાર્તા લખતો લેખક તેની કલ્પનાને આધારે લખતો હોય છે. પણ વાર્તામાં સત્યતા લાવવા માટે પુરતું રિસર્ચ કે જે તે ક્ષેત્રના જાણકારો પાસેથી માહિતી મેળવીને લખવું પડતું હોય છે.

તમે જયારે એક પત્રકાર હોવ છો ત્યારે દરરોજ તમે કેટલાય લોકોના સંપર્કમાં આવો છો. હું સતત લોકોના લાઈવ ટચમાં રહેતો હોઉં છું. જેના કારણે પસંદ કરેલા વિષય ઉપર વાર્તા લખતો હોઉં ત્યારે જે-તે વ્યક્તિઓ સાથે સતત સંપર્કમાં રહીને પ્લોટ લખું છું. કોઈ ચોક્કસ માહિતી જોઈતી હોય તો હું મારા સંપર્કોથી અહીંથી નહીં તો ત્યાંથી, અને તેમની પાસેથી અન્ય વ્યક્તિનો સંપર્ક કરીને મેળવી લેતો હોઉં છું.

 

પ્ર. : ડોક્યુ નવલકથાઓ લખવા માટે કેટલું અને કેવું રિસર્ચ કરવું પડ્યું ?

ઉ. : આ જે ડોક્યુ નવલકથા લખાઈ છે એમાં મેં સતત જે તે મુખ્ય પાત્રો સાથે ચર્ચા કરી છે. દ્રશ્યમ-અદ્ર્શ્યમ ક્રાઈમ બેઝ્ડ સ્ટોરી છે એટલે મને પોલીસ પાસેથી કે કોર્ટના ચુકાદામાંથી ઘણી બધી માહિતી મળી રહી. તોય હું પ્રકરણો લખતો હોઉં ત્યારે પેલા ભાઈને ફોન કરું, અમે બંને વાત કરીએ, હું ગુજરાતીમાં લખું, તેઓ મરાઠી હતા એટલે એ પ્રકરણ મરાઠીમાં ટ્રાન્સલેટ થાય અને ત્યારબાદ તેઓ વાંચે. આ રીતે આખી નવલકથા પૂરી થઇ.


દ્રશ્યમ-અદ્રશ્યમ અને દાદલો, એ બન્ને તો મુંબઈ સમાચારમાં ધારાવાહિક તરીકે છપાઈ હતી. એ સિવાયની અન્ય નવલકથાઓમાં પણ મેં આજ રીતે ચર્ચા કરીને લખ્યું છે. તેમ છતાં વાર્તાબીજ મને સત્યઘટનાઓ ઉપરથી મળ્યું છે. બાકીની આખી વાર્તા, ઘટનાઓ, પાત્રોથી માંડીને એમ કહોને કે આખી વાર્તા જ મેં મારી કલ્પનાશક્તિથી લખી છે.

 

પ્ર. : હવે પછીના તમારા ભવિષ્યના પ્રોજેક્ટ્સ વિશે થોડું કહો

ઉ. : હાલ, અન્ય ઘણાં પ્રોજેક્ટસ ઉપર કામ ચાલી રહ્યું છે. જાણીતા ગાયક હિમેશ રેશમિયા મારી જ એક વાર્તા ઉપરથી ફિલ્મ બનાવી રહ્યા છે, જેમાં એક ગુરખા સૈનિકની વાત છે.


એ સિવાય મારી કથા-પટકથા ધરાવતી, ગુજરાતના નાના રણના અગરિયાઓની વેદના-શોષણ પર આધારિત  'ધ વ્હાઇટ લેન્ડ' રિલીઝ માટે તૈયાર છે.  એમની નવલકથા પરથી ફિલ્મ  'ફાધર્સ ડે' પર કામ ચાલી રહ્યું છે.  આ સાથે એમના અમુક પુસ્તકો પરથી  ફિલ્મ અને વેબ સીરિઝ બનાવવા મંત્રણા ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top