ચીન સામે ભારતની મદદે આવી શકે છે અમેરિકન લશ્કર

અમેરિકન વિદેશ મંત્રીએ કહ્યું કે ચીનના ખતરા સામે ભારતની મદદે આવી શકે છે અમેરિકન લશ્કર

06/26/2020 World

SidhiKhabar

SidhiKhabar

ચીન સામે ભારતની મદદે આવી શકે છે અમેરિકન લશ્કર

વોશિંગ્ટન : ચીનની વિસ્તારવાદી નીતિ અને લશ્કરી આક્રમકતાને કારણે એશિયાના દેશો ચીનથી ખતરો અનુભવી રહ્યા છે. બુધવારે અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે એશિયાના આ પ્રકારના સંજોગોને કારણે અમેરિકા દુનિયાભરમાં ફરજ બજાવી રહેલા અમેરિકન સૈન્યની ફેરગોઠવણી કરવા વિચારી રહ્યું છે.

જર્મન માર્શલ ફંડ દ્વારા આયોજિત બ્રસેલ્સ ફોર્મ ૨૦૨૦માં આવેલા અમેરિકન વિદેશમંત્રીએ એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, “અમેરિકન લશ્કરની ગોઠવણી એ પ્રકારની હોવી જોઈએ કે જો ચીની લશ્કર (પીપલ્સ લિબરેશન આર્મી - પીએલએ) એશિયામાં કંઈક મુશ્કેલી ઉભી કરે તો અમેરિકન લશ્કર એને જવાબ આપી શકે. અમે આ બાબતે ગંભીરપણે વિચારી રહ્યા છીએ. આ માટે અમેરિકન સેનાએ અત્યારથી જ પોતાના તમામ સંસાધનો યોગ્ય સ્થળે ઉપલબ્ધ કરાવવા પડશે.”

પોમ્પિઓએ વધુમાં ઉમેર્યું કે હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના નિર્દેશ મુજબ અમેરિકન સેનાની તૈનાતીની સમીક્ષા કરાઈ રહી છે. અમેરિકા જો એશિયામાં પોતાના સૈનિકો મૂકવા માંગતું હોય તો વધુ સૈનિકોની જરૂર પડશે. આ માટે હાલમાં જે સ્થળે અમેરિકન સેના ફરજ બજાવી રહી છે, ત્યાંથી અમુક સૈનિકોને પાછા બોલાવવા પડશે. જર્મનીમાં હાલ ૫૨,૦૦૦ અમેરિકન સૈનિકો ફરજ બજાવી રહ્યા છે. આમાં ઘટાડો કરીને માત્ર ૨૫,૦૦૦ સૈનિકો જ જર્મનીમાં રખાશે, બાકીના સૈનિકોને પાછા બોલાવી લેવામાં આવશે.

પોમ્પિઓએ ખૂલીને વાત કતા કયું હતું કે હાલમાં ચીનને કારણે ભારત સહિતના વિયેતનામ, મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોને ખતરો છે. આ સંજોગોમાં અમેરિકા પોતાના સૈન્ય સંસાધનોને યોગ્ય સ્થળે તૈનાત કરવા માંગે છે.

માઈકલ રિચાર્ડ પોમ્પિઓ ટ્રંપ સરકારના પાવરફુલ મિનિસ્ટર્સ પૈકીના એક ગણાય છે. હાલમાં પ્રેસિડેન્ટ ટ્રંપના ચીફ ફોરેન અફેર એડવાઈઝર તરીકેની ફરજ બજાવી રહેલ પોમ્પિઓ એક વકીલ અને રાજકારણી હોવાની સાથે જ લશ્કરમાં ઓફિસર પણ રહી ચૂક્યા છે અને જાન્યુઆરી ૨૦૧૭થી એપ્રિલ ૨૦૧૮ દરમિયાન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. હાલના સંજોગોમાં પોમ્પિઓ જેવા ટોચના સ્ટેટ્સમેન દ્વારા જે રીતે ખૂલીને ચીન સામે લશ્કર મૂકવાનું બયાન આપવામાં આવ્યું છે, એ જોતા સમજાય છે કે અમેરિકા હવે ચીન સામે નમતું જોખવાના મૂડમાં નથી.

બીજી તરફ ચીન જે રીતે ભારત સહિતના એશિયન દેશોને રંજાડી રહ્યું છે, એ જોતા આ તમામ દેશો પણ ચીન સામે ધરી રચે અને અમેરિકા એને સપોર્ટ કરે એવી શક્યતા પણ જોવાઈ રહી છે. અત્યારે તો એટલું કહી શકાય કે ચીન જો ભારત સાથેની સરહદે વધુ ઉંબાડીયા કરશે તો આમેરીકન લશ્કર ભારતની મદદે આવે એવી પૂરી સંભાવના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top