Operation Sindoor: ચીન પણ ગભરાયું કે શું? પાકિસ્તાનમાં ભારતીય એરસ્ટ્રાઈક બાદ ચીનના સૂર બદલાયા, બોલ્યું- ‘અમે પણ આતંકવાદ વિરુદ્ધ, પરંતુ..’
પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના હવાઈ હુમલાથી પાડોશી દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધેલા તણાવ વચ્ચે, ચીન સતત પાકિસ્તાનને સમર્થન આપી રહ્યું હતું. પરંતુ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ, ચીનના સૂર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર બાદ, ચીને કહ્યું કે ભારત અને પાકિસ્તાને ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તણાવ ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવાથી તણાવ ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકાય છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા એકબીજાના પડોશી રહેશે. આ બંને ચીનના પડોશી પણ છે. ચીન દરેક સ્વરૂપમાં આતંકવાદનો વિરોધ કરે છે, પરંતુ અમે બંને પક્ષોને શાંતિ જાળવવા અને પ્રદેશમાં સ્થિરતા માટે કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. જોકે, ચીને એમ પણ કહ્યું કે અમને ભારતની લશ્કરી કાર્યવાહી પર ખેદ વ્યક્ત કરીએ છીએ.
આતંકવાદની કમર તોડવા માટે, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને PoKમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચાક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુદિરકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન સિંદૂર’ રાખ્યું હતું. વડાપ્રધાન મોદીએ છેલ્લા એક અઠવાડિયાથી સતત યોજાયેલી બેઠકોમાં સ્પષ્ટ કર્યું હતું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે તેમની પત્નીઓ વિધવા બની હતી.એવામાં, ભારતે એક કડક સંદેશ આપવો પડ્યો કે આતંકવાદીઓને આ રીતે ભાગી જવા દેવા નહીં. ભારતીય ગુપ્તચર એજન્સી RAWએ હવાઈ હુમલા માટેના બધા લક્ષ્યોને ઓળખી કાઢ્યા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp