‘તે સમયે દેવી-દેવતાઓ શું કરી રહ્યા હતા?’, મંદિર પર વિવાદાસ્પદ નિવેદન બાદ હવે આ શું બોલી ગયા સપાના ધારાસભ્ય
Indrajeet Saroj Statement: સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમનના ‘બાબર’ અને ‘DNA’ વાળા નિવેદન બાદ, સપાના નેતાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના મંઝનપુરના ધારાસભ્ય ઇન્દ્રજીત સરોજે મંદિરો પરના વિવાદાસ્પદ નિવેદન બાદ ફરી એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે.
ઇન્દ્રજીત સરોજે પોતાના જૂના નિવેદન પર સ્પષ્ટતા આપતા એક નવું વિવાદાસ્પદ નિવેદન આપી દીધું છે. તેમણે કહ્યું કે ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે લૂંટારા આવ્યા હતા અને લૂંટી લઇ ગયા. તે સમયે ભગવાન શ્રાપ આપી દેતા તો મુસ્લિમો ભસ્મ થઈ જતા. તે સમયે દેવી-દેવતાઓ શું કરી રહ્યા હતા? એટલે કે કંઇક ને કંઇક તો ખામી છે આપણા દેવી-દેવતાઓમાં. દેવી-દેવતાઓ શક્તિશાળી નહોતા. આપણા ભગવાન તો આંબેડકર છે.
આ અગાઉ, ઇન્દ્રજીત સરોજે કહ્યું હતું કે, જો ભારતના મંદિરોમાં શક્તિ હોત, તો મોહમ્મદ બિન કાસિમ, મોહમ્મદ ગઝનવી અને મોહમ્મદ ઘોરી જેવા લૂંટારા દેશમાં ન આવ્યા હોત. જો તાકત હોય તો સત્તાના મંદિરમાં છે, બાબા પોતાનું મંદિર છોડીને સત્તાના મંદિરમાં બિરાજમાન છે. હેલિકોપ્ટરમાં મુસાફરી કરવાનું કામ કરે છે.
ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સમાજવાદી પાર્ટી કાર્યાલયમાં આંબેડકર જયંતિ કાર્યક્રમ દરમિયાન ઇન્દ્રજીત સરોજે કહ્યું હતું કે, રામના નારા લગાવવાથી કંઈ નહીં થાય, જો તમે જય ભીમના નારા લગાવશો તો આગળ વધશો. પોતાને જય ભીમના સાચા અનુયાયી ગણાવતા ધારાસભ્ય ઇન્દ્રજીત સરોજે કહ્યું હતું કે, આ નારાને કારણે તેઓ 5 વખત ધારાસભ્ય અને એક વખત મંત્રી બન્યા.
તેમણે રામચરિત માનસના રચયિતા તુલસીદાસ અંગે પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તુલસીદાસે લખ્યું હતું કે જો નીચી જાતિની વ્યક્તિ ભણી-ગણી લે તો તે સાંપના દૂધ પીવા જેવું છે. ધારાસભ્ય સરોજ અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું કે તુલસીદાસે આપણા માટે ઘણું લખ્યું છે, પરંતુ અકબરના સમયમાં મુસ્લિમો વિરુદ્ધ કંઈ ન લખ્યું. કદાચ તેનામાં હિંમત નહોતી.
આ અગાઉ સપાના સાંસદ રામજી લાલ સુમને રાણા સાંગાને ગદ્દાર ગણાવ્યા હતા અને તેમની વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાણા સાંગાએ બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. આ મુદ્દા પર દેશમાં ઘણા દિવસો સુધી ચર્ચા થતી રહી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp