નિઃસંતાન હિન્દુ વિધવાના મોત બાદ તેની મિલકત વારસામાં કોને મળે છે? સુપ્રીમ કોર્ટે આપ્યો ચૂકાદો
બુધવારે સુપ્રીમ કોર્ટે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (HSA)ની એ ધારા પર સુનાવણી દરમિયાન એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી, જેમાં કહેવામા આવ્યું છે કે નિઃસંતાન હિન્દુ વિધવાના મોત બાદ, તેની મિલકત તેના માતા-પિતાને બદલે તેના સાસરિયાઓને મળે છે. કોર્ટે કહ્યું કે હિન્દુ લગ્નોમાં, જ્યારે સ્ત્રી લગ્ન કરે છે, ત્યારે તેનું ગોત્ર બદલાય છે, જે પરંપરા હજારો વર્ષોથી પ્રચલિત છે. ન્યાયાધીશ બી.વી. નાગરત્નાએ જણાવ્યું હતું કે, હિન્દુ સમાજમાં ‘કન્યાદાન’ની વિભાવના છે, જેના હેઠળ લગ્ન સમયે સ્ત્રીનું ગોત્ર તેના પતિના ગોત્રમાં બદલાઈ જાય છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સદીઓથી ચાલતી આવતી પરંપરાને તોડવા માગતા નથી.
આ કેસ એક નિઃસંતાન હિન્દુ વિધવાની મિલકતના વારસાને લગતો છે જે વસિયતનામા વિના મૃત્યુ પામે છે. હાલના કાયદા હેઠળ, આવી સ્થિતિમાં, મિલકત માતા-પિતાને બદલે સાસરિયાઓને આપવામાં આવે છે. કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવે છે, જેમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું આ જોગવાઈ વાજબી છે.
એક કિસ્સામાં કોવિડ-19ને કારણે એક યુવાન દંપતીનું મૃત્યુ થયું હતું, અને હવે પુરુષની માતા અને મહિલાની માતા વચ્ચે મિલકતને લઈને કાયદાકીય લડાઈ શરૂ થઈ ગઈ છે. પુરુષની માતાનો દાવો છે કે તેને સમગ્ર મિલકતનો વારસો મળવો જોઈએ, જ્યારે મહિલાની માતા તેની પુત્રીની કમાણી અને મિલકત પર દાવો કરે છે. બીજા કિસ્સામાં, નિઃસંતાન દંપતીના મૃત્યુ પછી, પુરુષની બહેન મિલકત પર દાવો કરી રહી છે. અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે આ જનહિતનો મામલો છે અને તેમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની જરૂર છે.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે અરજદારના વકીલને આકરા પ્રશ્નો પૂછ્યા. જસ્ટિસ નાગરત્નાએ જણાવ્યું હતું કે હિન્દુ લગ્નમાં 'કન્યાદાન' અને 'ગોત્ર-દાન'ની પરંપરા હેઠળ, સ્ત્રી તેના પતિ અને તેના પરિવારની જવાબદારીમાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિણીત સ્ત્રી તેના ભાઈ સામે ભરણપોષણનો દાવો નહીં કરી શકે. લગ્નના રિવાજો, ખાસ કરીને દક્ષિણ ભારતમાં સ્પષ્ટપણે જણાવે છે કે સ્ત્રી એક ગોત્રથી બીજા ગોત્રમાં જાય છે.
જસ્ટિસ નાગરત્નાએ એમ પણ કહ્યું હતું કે જો કોઈ સ્ત્રી ઈચ્છે, તો તે પોતાની મિલકત વસિયતનામા દ્વારા વહેંચી શકે છે અથવા ફરીથી લગ્ન પણ કરી શકે છે. જોકે, વર્તમાન કાયદા (HSAની કલમ 15(1)(b) હેઠળ, જો કોઈ નિઃસંતાન વિધવા વસિયતનામા વિના મૃત્યુ પામે છે અને તેણે ફરીથી લગ્ન કર્યા નથી, તો તેની મિલકત તેના પતિના વારસદારોને જાય છે, તેના માતાપિતાને નહીં. સુપ્રીમ કોર્ટે મિલકત વિવાદના કેસને મધ્યસ્થી માટે મોકલતા કલમની માન્યતા પર સુનાવણી નવેમ્બર સુધી મુલતવી રાખી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp