કોણ છે વિગ્નેશ પુથુર, જેણે CSK સામેની ડેબ્યૂ મેચમાં ચટકાવી 3 વિકેટ
Who Is Vignesh Puthur: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચોંકાવનારો નિર્ણય લીધો છે. CSK સામેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ મેચમાં, મુંબઈએ IPLમાં કેરળના યુવા સ્પિનર વિગ્નેશ પુથુરનું ડેબ્યૂ કરાવ્યું. આ કલાઈના સ્પિન બોલરને સ્ટાર બેટ્સમેન રોહિત શર્માની જગ્યાએ ઈમ્પેક્ટ સબ તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. રોહિત બેટિંગમાં કંઈ કરી શક્યો નહોતો. ત્યારબાદ બોલિંગમાં તેની જગ્યાએ પુથુરને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. પુથુરનું ડેબ્યુ શાનદાર રહ્યું હતું. તેણે IPLની પોતાની પ્રથમ મેચમાં 3 વિકેટ ઝડપી હતી. પુથુરે સીનિયર લેવલ પર કોઈ પણ ડોમેસ્ટિક મેચ રમ્યા વિના IPLમાં ડેબ્યૂ કર્યું હતું.
વિગ્નેશ પુથુરને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના કાર્યકારી કેપ્ટન સૂર્યકુમાર યાદવે આઠમી ઓવરમાં બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. ત્યારે મુંબઈ પોતાના 155 રનનો બચાવ કરી રહ્યું હતું. પુથુરે પોતાની પ્રથમ ઓવરમાં CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને 53 રન પર આઉટ કર્યો હતો. ગાયકવાડે પુથુરનો બોલ લોંગ ઓફ પર માર્યો, જ્યાં ફિલ્ડર પહેલેથી જ હાજર હતો. તેણે પોતાની બીજી ઓવરમાં ગુગલી વડે શિવમ દુબેને ચકમો આપ્યો અને તિલક વર્માના હાથે કેચ થયો. ત્યારબાદ તેણે દીપક હુડ્ડાની વિકેટ લીધી, હુડ્ડાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને લોંગ ઓન પર કેચ આઉટ થયો. પુથુરે હુડ્ડાના રૂપમાં તેની ત્રીજી વિકેટ લીધી.
23 વર્ષીય વિગ્નેશ પુથુર કેરળના મલપ્પુરમનો રહેવાસી છે અને તેના પિતા ઓટો ડ્રાઈવર છે. આ યુવા સ્પિનર કેરળ માટે અંડર-14 અને અંડર-19 સ્તરે રમી ચૂક્યો છે. સ્કાઉટ્સમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સૌપ્રથમ તેને જોવામાં આવ્યો હતો. ગયા વર્ષે જ્યારે તે કેરળ ક્રિકેટ લીગમાં એલેપ્પી રિપલ્સ તરફથી રમ્યો હતો ત્યારે તેણે 3 મેચમાં બે વિકેટ ઝડપી હતી. પુથુરે તમિલનાડુ પ્રીમિયર લીગમાં પણ ભાગ લીધો હતો.
પેરીન્થલમન્નામાં પોતાની જોલી રોવર્સ ક્રિકેટ ક્લબ માટે શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેણે KCL T20 ટુર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું. ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે નવેમ્બર 2024માં IPL મેગા ઓક્શનમાં તેને સાઈન કર્યો હતો. વિગ્નેશ પુથુરે પોતાની પહેલી મેચમાં 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 4 વિકેટે હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. આ રીતે છેલ્લા 13 વર્ષથી ચાલતી મુંબઈની હારવાની કહાની પણ અકબંધ રહી. મુંબઈ છેલ્લા 13 વર્ષમાં તેની પ્રથમ મેચ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. આ વખતે તેને CSK સામે પરાજય મળ્યો હતો. મુંબઈએ આપેલા 156 રનના લક્ષ્યનો પીછો કરતા CSKએ 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવી લીધા હતા. રચિન રવિન્દ્રએ 45 બોલમાં અણનમ 65 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન ગાયકવાડે 53 રનની ઇનિંગ રમી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp