વુહાનમાં પાંચ વર્ષ સુધી જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ

વુહાનમાં પાંચ વર્ષ સુધી જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ

05/21/2020 World

SidhiKhabar

SidhiKhabar

વુહાનમાં પાંચ વર્ષ સુધી જંગલી જાનવરો ખાવા પર પ્રતિબંધ

વુહાન માટે કહી શકાય કે આખિર દેર આયે, દુરસ્ત આયે. પોતાની ખાણી-પીણીની વિચિત્ર અને જુગુપ્સાપ્રેરક આદતો બદલ ચીનાઓ આખા વિશ્વમાં વગોવાયેલા છે. કહેવાય છે કે કોરોના પણ ચામાચીડીયા દ્વારા જ ફેલાયો છે. ચીની લોકો ચામાચીડિયાને પણ એક 'વાનગી' ગણે છે, એટલે એમની જીભના પાપે આજે આખી દુનિયા મહામારીમાં ફસાઈ પડી છે.

પણ મોડે મોડે હવે ચીની સત્તાવાળાઓને અક્કલ આવી હોય એમ લાગે છે. વુહાનના સરકારી તંત્રની એક વેબસાઈટ મુજબ હાલમાં જંગલી પ્રાણીઓના શિકાર કરવા અને આરોગવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહિ પણ આ પ્રાણીઓમાંથી મેળવાતા બીજા ઉત્પાદનો ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. આ હુકમને પ્રતાપે હવેથી વુહાનમાં શિયાળ, મગર, વરુ, સાપ, ઉંદર, મોર જેવા અનેક પ્રાણીઓનો શિકાર નહિ થઇ શકે. કોઈ રેસ્ટોરન્ટ પણ આ પ્રાણીઓમાંથી બનાવાયેલી વાનગી પીરસી નહિ શકે. કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને આ પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતા ઉત્પાદનોના પ્રોસેસ કે વેચાણની છૂટ આપવામાં નહિ આવે.

આ પહેલા ચીની સત્તાવાળાઓએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં જ વન્ય પ્રાણીઓને ખાદ્ય સામગ્રી તરીકે વેચતા વુહાન વેટ માર્કેટ ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો. ભારત સહિતના અનેક દેશોમાં તો એ સમયે કોરોનાના કોઈ આસાર સુધ્ધાં નહોતા. એવું માનવામાં આવતું હતું કે વુહાનનું એ વેટ માર્કેટ જ કોરોનાની જડ છે. તમે કલ્પના પણ નહિ કરી હોય એવા પ્રાણીઓને ચીનાઓ ઓહિયા કરી જાય છે. તમને જાણીને કદાચ ચીતરી ચઢી શકે છે, પરંતુ અહીંની વેટ માર્કેટમાં અજગર, કાચબા, કાચિંડો, ઉંદર, ચિત્તો, ચામાચીડિયા, પેંગોલિન, શિયાળ, જંગલી બિલાડીઓ, મગર જેવા પ્રાણીઓનું માંસ પણ વેચાતું!

 

જો કે સરકાર પોતે 'શિકાર' કરી શકશે!

વુહાનને 'વાઈલ્ડ લાઇફ સેન્કચ્યુરી' જાહેર કર્યા બાદ ચીની સત્તાવાળાઓ પોતાના માટે તો છૂટછાટ રાખી જ છે. વૈજ્ઞાનિક રિસર્ચ માટે, જાનવરોની વસ્તી નિયંત્રણ માટે, એપિડેમિક ડિઝીસના મોનિટરિંગ માટે કે પછી કોઈક વિશિષ્ટ સંજોગો ઉભા થાય તો ચીની સત્તાવાળાઓ ગમે એ પ્રાણીનો શિકાર કરી જ શકશે!

હાલમાં તો આ બધું સાંભળવાનું સારું લાગી રહ્યું છે. પણ ચીની સત્તાવાળાઓ આ બધા નિયમોનું ખરેખર કડકાઈથી પાલન કરાવે એ અત્યંત જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top