Nimisha Priya: ભારતની મોટી જીત! યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાની સજાને લઈને આવ્યા ગૂડ ન્યૂઝ; ગ્રાન્ડ મુફ્તીની ઓફિસે કરી પુષ્ટિ
Nimisha Priya: ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનમાં આપવામાં આવેલી મૃત્યુદંડની સજાને પૂરી રીતે રદ કરી દેવામાં આવી છે. આ વાતની જાણકારી ભારતના ગ્રાન્ડ મુફ્તી કંથાપુરમ એપી અબુબકર મુસલિયરના કાર્યાલયે એક કથિત નિવેદન જાહેર કરીને આપી. જોકે, નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે યમન સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર લેખિત પુષ્ટિ મળી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજા, જે અગાઉ સ્થગિત કરવામાં આવી હતી, હવે તેને પૂરી રીતે રદ કરવામાં આવી છે.
સમાચાર એજન્સી ANI અનુસાર, ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે જણાવ્યું હતું કે આ નિર્ણય યમનની રાજધાની સનામાં એક ઉચ્ચ-સ્તરીય બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે. નિમિષા પ્રિયાનો કેસ વર્ષ 2018થી આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં છે. નિમિષા પર તેના વ્યવસાયિક ભાગીદારની હત્યા કરવાનો અને પછી શરીરના ટુકડા કરવાનો આરોપ છે. તેને માર્ચ 2018માં હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી અને 2020માં યમનની કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
કેરળની 34 વર્ષીય નર્સ નિમિષા પ્રિયા મૂળ પલક્કડ જિલ્લાની રહેવાસી છે. વર્ષ 2008માં નિમિષા નોકરીની શોધમાં યમન ગઈ હતી. તે એક ખ્રિસ્તી પરિવારની છે. યમનની રાજધાની સનામાં, તે એક સ્થાનિક નાગરિક તલાલ અબ્દો મહદીને મળી, જેની સાથે તેણે ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યું. થોડા સમય પછી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ. મીડિયા અહેવાલો અનુસાર, મહદીએ નિમિષાનું ઉત્પીડન કરવા લાગ્યો અને સાર્વજનિક રૂપે તેનો પતિ કહેવાનું લાગ્યો. એટલું જ નહીં, તેણે નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો જેથી તે ભારત પાછી ન ફરી શકે.
યમનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિમિષાએ કથિત રીતે 2017માં તેનો પાસપોર્ટ પાછો મેળવવા માટે મહદીને બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ જીવલેણ સાબિત થયો. કારણ કે મહદીનું મૃત્યુ સંભવિત ઓવરડોઝથી થયું હતું. ત્યારબાદ યમનના અધિકારીઓએ તેની ધરપકડ કરી. 2018માં તેને હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી અને 2020માં, યમનની એક કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. આ બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે લાઈમલાઇટ બની ગઈ હતી. માનવાધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ તેની સજા સામે ઝુંબેશ શરૂ કરી હતી.
ડિસેમ્બર 2024માં યમનના રાષ્ટ્રપતિ રશાદ અલ-અલીમીએ મૃત્યુદંડને મંજૂરી આપી ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી અને હુતિ બળવાખોર નેતા મહદી અલ-મશાતે પણ જાન્યુઆરી 2025માં તેની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ, ભારતમાં ધાર્મિક અને રાજદ્વારી સ્તરે તેના બચાવના પ્રયાસો તેજ થઈ ગયા. હવે ગ્રાન્ડ મુફ્તીના કાર્યાલયે માહિતી આપી છે કે યમનમાં ઉચ્ચ-સ્તરીય બેઠક બાદ, નિમિષાની મૃત્યુદંડની સજા રદ કરવામાં આવી છે, જોકે યમનની સરકાર તરફથી હજુ સુધી સત્તાવાર પુષ્ટિ આવવાની બાકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp