‘શું તમે મને નૈતિકતા શીખવશો?’ લોકસભામાં અમિત શાહ અને કેસી વેણુગોપાલ વચ્ચે તીખી બહેસ
બુધવારે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ જોવા મળ્યું. કેન્દ્ર સરકારે 3 બિલ રજૂ કર્યા ત્યારે મામલો ગરમાયો, જેમાં એવી જોગવાઈ છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી ગંભીર કેસમાં 30 દિવસ સુધી જેલમાં રહે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે.
સંસદમાં રાજકીય તાપમાન વધતા, કેસી વેણુગોપાલે અમિત શાહ પર વ્યક્તિગત હુમલો કર્યો અને 2010ના સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડનો ઉલ્લેખ કર્યો. વેણુગોપાલે પૂછ્યું કે જ્યારે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. શું તેમણે તે સમયે નૈતિકતાનું પાલન કર્યું? ત્યારબાદ ગૃહમાં હોબાળો થયો.
અમિત શાહે તરત જ તેના પર વળતો હુમલો કર્યો. તેમણે ગરાજતા કહ્યું હતું કે, નકલી કેસમાં ફસાયેલા હોવા છતા મેં રાજીનામું આપી દીધું હતું અને નિર્દોષ જાહેર થયા પહેલાં મેં કોઈ બંધારણીય પદ સંભાનહોતું. તેમણે વેણુગોપાલને પૂછ્યું- શું તમે મને નૈતિકતા શીખવશો? જેના પર NDAના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, 2010માં CBI દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ અમિત શાહે ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ 3 મહિના જેલમાં રહ્યા અને બાદમાં જામીન પર બહાર આવ્યા. વર્ષ 2014માં, CBI સ્પેશિયલ કોર્ટે તેમને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા.
અમિત શાહ લોકસભામાં બંધારણ (130મો સંશોધન) બિલ, કેન્દ્રશાસિત પ્રદેશ શાસન (સંશોધન) બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સંશોધન) બિલને સંયુક્ત સમિતિમાં મોકલવાની વાત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષના સાંસદો વેલમાં પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો. TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ બિલની નકલો ફાડીને અમિત શાહ તરફ ફેંકી દીધી. જોકે, બાદમાં તેમણે તેનો ઇનકાર કર્યો.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો કે સરકાર દેશને પોલીસ સ્ટેટમાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે. તે એજન્સીઓ ન્યાયાધીશ અને જલ્લાદ બનવાની છૂટ આપશે. આ ચૂંટાયેલી સરકારો પર હુમલો છે. ઓવૈસીએ તેની તુલના હિટલરની ગુપ્તચર એજન્સી 'ગેસ્ટાપો' સાથે કરી. તો, કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ આ બિલોને બંધારણના મૂળભૂત માળખા પર હુમલો ગણાવ્યો. તેમણે ચેતવણી આપી હતી કે આ કાયદો એજન્સીઓના રાજકીય દુરુપયોગને વધુ પ્રોત્સાહન આપશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp