જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન, 3 લોકોના મોત, 50 ગુજરાતી ફસાયા
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. રામબનમાં ફ્લેશ ફ્લડથી 3 લોકોના મોત થઈ ગયા છે અને 100 કરતા વધુ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું છે. કિશ્તવાડમાં ભૂસ્ખલન થયું છે જેના કારણે હાઇવે બંધ કરવા પડ્યા છે અને ઘણી ગાડીઓ ફસાઈ છે.
તો જમ્મૂ કશ્મીરમાં રામબનમાં ભૂસ્ખલન થતા 50 ગુજરાતીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બનાસકાંઠાના 20 અને ગાંધીનગરના 30 લોકો સામેલ છે. બનાસકાંઠા કલેક્ટરે રામબનના કલેક્ટરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ત્યાના કલેક્ટરે ગુજરાતીઓની મદદ માટે ટીમ મોકલી છે તેમજ તમામને સુરક્ષિત સ્થળે ખસેડવાનો ભરોસો આપ્યો છે. બનાસકાંઠાના કલેક્ટરે રામબનના કલેક્ટર તેમજ બસમાં સવાર એક કેતન નામના યુવક સાથે વ્યક્તિગત વાતચીત કરીને તેમના હાલચાલ જાણ્યા હતા.
આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને જરૂરી પગલા લેવા સૂચના આપી છે. ગુજરાત પોલીસે તાત્કાલિક જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન SSP સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી હતી. તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે. પ્રવાસીઓ માટે જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ગુજરાત પોલીસ સેન્ટ્રલ IB સહિત જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહી ગુજરાતના પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરી છે.
ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરના રામબનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે એક ઓપરેશન શરૂ કર્યું છે. રસ્તો સાફ કરવામાં અને ફરી ચાલું કરવામાં 48 કલાક જેટલો સમય લાગી શકે છે. ફસાયેલા મુસાફરોને રાહત પહોંચાડવા માટે બનિહાલ, કરાચીયલ, ડિગદૌલ, મૈત્રા અને ચંદ્રકોટથી ક્વિક રિએક્શન ટીમો (QRTs) ઝડપથી તૈનાત કરવામાં આવી હતી. જરૂર પડ્યે વધુ સહાય પૂરી પાડવા માટે મુખ્ય સ્થળોએ 8 આર્મીની ટીમો હાલમાં સ્ટેન્ડબાય પર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp