ત્રણ વર્ષ પહેલા હાથ ગુમાવનાર મહિલાને મળ્યું નવજીવન, કહ્યું- હવે હું સંતાનોને વ્હાલ કરી શકીશ

ત્રણ વર્ષ પહેલા હાથ ગુમાવનાર મહિલાને મળ્યું નવજીવન, કહ્યું- હવે હું સંતાનોને વ્હાલ કરી શકીશ

02/17/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ત્રણ વર્ષ પહેલા હાથ ગુમાવનાર મહિલાને મળ્યું નવજીવન, કહ્યું- હવે હું સંતાનોને વ્હાલ કરી શકીશ

અંગદાન થકી ઘણા વ્યક્તિઓને નવજીવન મળ્યાના દાખલા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ત્રણ વર્ષ પહેલા બંને હાથ ગુમાવનાર મહિલાને જાણે ફરીથી નવો જન્મ મળ્યો હતો.

ત્રણ વર્ષ પહેલા મહારાષ્ટ્રના બુલધાનાના રહેવાસી 35 વર્ષીય મહિલાના કપડાં સૂકવતી વેળા વીજ કરન્ટ લાગવાના કારણે બંને હાથ કપાઈ ગયા હતા. તેમને સાત અને નવ વર્ષની એમ બે દીકરીઓ અને એક ચાર વર્ષનો દીકરો છે. તેમજ તેમના પતિ કરિયાણાની દુકાનમાં કામ કરે છે.


67 વર્ષીય કનુભાઈના હાથોનું દાન કરાયું

દરમ્યાન, જાન્યુઆરી મહિનામાં સુરતની કિરણ હોસ્પીટલમાં બ્રેઈનડેડ જાહેર કરાયેલા કનુભાઈ વશરામભાઈ પટેલના (ઉ.વ. ૬૭) બંને હાથોનું દાન ‘ડોનેટ લાઈફ’ સંસ્થાના માધ્યમથી કરાવવામાં આવ્યું હતું. કનુભાઈના પરિવારે બંને હાથો ઉપરાંત તેમના કિડની, લિવર, ચક્ષુઓનું પણ દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

દાન કરાયેલા કનુભાઈના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્ર બુલધાનાની રહેવાસી 35 વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં ડૉ. નિલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું.


ડોનેટ લાઈફની ટીમને મહિલાએ કહ્યું..

ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાળા અને ડોનેટ લાઈફની ટીમે મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં સુરતના અંગદાતા સ્વ.કનુભાઈ વશરામભાઈ પટેલના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ જે મહિલામાં કરવામાં આવ્યું હતું તે મહિલા અને તેમના પરિવારની મુલાકાત લઈ તેને મળેલ નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી.

નીલેશ માંડલેવાલાએ મહિલાને ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ‘ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે મેં બંને હાથ ગુમાવી દીધા હતા. તે સમયે બાળકો ખૂબ જ નાના હતા, મારા કપાયેલા હાથ જોઈને મારો ચાર વર્ષનો દીકરો મારી પાસે આવતો નહોતો. બાળકોની સારસંભાળ લઇ શકતી ન હોવાને કારણે ખૂબ જ દુઃખી હતી અને જીવનથી હતાશ થઇ ગઈ હતી.’


‘હવે બાળકોની સારસંભાળ લઇ શકીશ’

ટ્રાન્સપ્લાન્ટ પછી પોતે ખૂબ જ ખુશ છે અને જાણે સર્વસ્વ મળી ગયું હોય તેવી લાગણી થાય છે તેમ કહેતા તેઓ ઉમેરે છે કે, ‘હવે હું મારા બાળકોની સંભાળ લઈ સારી રીતે તેમનો ઉછેર કરી શકીશ, વ્હાલ કરી શકીશ, પ્રેમ કરી શકીશ.’ તેઓ કહે છે કે, ‘મારા બાળકો અમારા ગામ છે. હું તેમની સાથે વિડીયો કોલ પર વાત કરું ત્યારે તેઓ મને કહે છે કે મમ્મી તારા હાથ બતાવ. મારા હાથ જોઇને તેઓ ખૂબ જ ખુશ થાય છે.   


કનુભાઈના પરિવાર અને ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો

ડોનેટ લાઈફની ટીમ સાથેની વાતચીતમાં આ મહિલાએ સ્વ.કનુભાઈના પરિવારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારે મને નવો જન્મ આપ્યો છે, તેઓ મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છે.

ડોનેટ લાઈફ સંસ્થાનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે, અંગદાનને લઈને સંસ્થા ખૂબ સારું કામ કરી રહી છે. તેમના કાર્યને લીધે અમારા જેવા દર્દીઓને નવું જીવન મળે છે. મારા જેવા નવજીવન પામેલા અસંખ્ય દર્દીઓના આશીર્વાદ તમને મળતા રહેશે. સંસ્થા આ જ રીતે અંગદાન કરાવવાનું કાર્ય કરતી રહે અને વધુને વધુ દર્દીઓને નવજીવન આપતી તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top