INDIA ગઠબંધનની સરકાર બનશે તો અખિલેશ યાદવ હશે PM', દિગ્ગજ નેતાએ કર્યો દાવો
2024ની લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષો કમર કસી લીધી છે. INDIA ગઠબંધન પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યું છે. પરંતુ વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તે અંગે શંકા યથાવત છે. આ દરમિયાન સપા નેતા કાશીનાથ યાદવે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, જો INDIA ગઠબંધન સરકાર બનશે તો સપા સુપ્રીમો અખિલેશ યાદવ વડાપ્રધાન હશે.
24 સપ્ટેમ્બરના રોજ સમાજવાદી પાર્ટીના નવનિયુક્ત રાજ્ય સચિવના સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ MLC અને સંસ્કૃતિ સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ કાશીનાથ યાદવ 'બિરહિયા' ગાઝીપુર પહોંચ્યા હતા. ત્યાં તેમણે મંચ પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, જો 2024માં INDIA ગઠબંધન સરકાર બનશે તો વડાપ્રધાન તો આપણા અખિલેશ યાદવ પણ બની શકે છે.
કાશીનાથ યાદવે આગળ કહ્યું કે, અત્યાર સુધીમાં INDIA ગઠબંધનની કુલ 3 બેઠકો થઈ ચૂકી છે. પટના અને મુંબઈની બે બેઠકોમાં તેઓ સામેલ પણ રહ્યા છે. જેટલું ભવ્ય સ્વાગત આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું થયું એટલું અન્ય કોઈ પૂર્વ મુખ્યમંત્રીનું નથી થયું. આદરણીય નેતા દિવંગત મુલાયમ સિંહ તો કોઈ કારણોસર વડાપ્રધાન બનતા બનતા રહી ગયા પરંતુ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ INDIA ગઠબંધનની સરકાર બનતા વડાપ્રધાન બનશે.
કાશીનાથ યાદવ પૂર્વાંચલના પ્રખ્યાત બિરહા ગાયક છે. તેઓ બે વખત MLC રહી ચૂક્યા છે. કાશી રામ સાથે બસપા સાથે રાજકીય જીવનની શરૂઆત કરનારા કાશીનાથ પોતાના ગીતોના માધ્યમથી અખિલેશ યાદવની પાર્ટીમાં ચાલીસા પાઠ કરીને પણ ચર્ચામાં આવી ચૂક્યા છે. હાલમાં તેમના તાજેતરના નિવેદન બાદ રાજકારણ ગરમાયુ છે.
તેમણે ગાઝીપુરમાં પોતાના અડધા કલાકના સંબોધનમાં કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ હતું. કાશીનાથે સરકારને ઘેરીને મોંઘવારી, ભ્રષ્ટાચાર અને રોજગારી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ દાવો કર્યો હતો કે, આગામી સરકાર INDIA ગઠબંધનના નેતૃત્વ વાળી જ બનશે અને અખિલેશ યાદવ વડાપ્રધાન હશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp