“આ બેય જણ બોલી જાણે છે એટલું જ. કામ કરવાનું આવે કે મિંદડી મ્યાઉં થઈ જાય!”

“આ બેય જણ બોલી જાણે છે એટલું જ. કામ કરવાનું આવે કે મિંદડી મ્યાઉં થઈ જાય!”

01/30/2021 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

“આ બેય જણ બોલી જાણે છે એટલું જ. કામ કરવાનું આવે કે મિંદડી મ્યાઉં થઈ જાય!”

ચા..લો... હમો નિજગૃહે પરત થઈ ગયેલ છે. હમો જલેબીના સહેજ પણ આશિક નથી એટલે માત્ર ઉંધિયુ ને પૂરીનું ટેઈક અવે પાર્સલ કરાવી લીધું. ટાઈમ ઓછો બગડે. ત્યાં બેસીને જમવામાં ય વાંધો નથી પણ પછી અહીં ચિંટુપિંટુવાળી ઇવેન્ટમાં જે મઝા છે એ લહાવો રહી જાય . બહુ ટાઈમ બગડે. એક તો ત્યાં ભીડ પણ બહુ હોય છે. પાછું સોશિયલ ડિસ્ટન્સીંગના નામે મીંડુ. ફટાફટ પેક કરાવી લીધું ને ઉડવા જ માંડ્યું. આ તમે માણસજાત ઘરે રાંધતી જ નથી કે શું હવે?કોરોનાએ ગામ આખાને ઘરે રાંધતું કરી દીધેલું. એય ને જાત જાતનું ને ભાત ભાતનું બનાવતી તી પબ્લિક. જરાક છૂટ મૂકી કે ખલાસ. દીઠુ ભાળ્યું ન હોય એમ તૂટી પડ્યા. ખૈર.. આપણે શું, હેં?  જેને જે કરવું હોય તે કરે. પંચાત કરવાનું ગમે જ નહીં આપણે તો. એ ચાલો ચાલો બહુ વાતો થઈ. હવે ચિંટુપિંટુ શું કરે છે તે જોઇએ. ચિંટુએ સિનિયર સિટીઝનને શાલ ઓઢાડવાનો આઈડિયા તો સારો આપ્યો પણ એ કાર્યક્રમ કરશે કેવી રીતે તે જાણવામાં જ આપણને ભારી રસ છે.

માણેક મુખી : એ ય છોકરાઓ, કાં આમ મૂંગા છો? મોંઢામાં મગ ભર્યાં છે? હવે આગળ શું કરવાનું ?

છગન : મેં કહેલું ને કાકા કે આ બેને માથે બેસાડવા જેવા નથી. બોલી જાણે છે એટલું જ. કામ કરવાનું આવે કે મિંદડી મ્યાઉં થઈ જાય. સિનિયર સિટીજનને સાલ ઓઢાડીએ એમ કહેવાથી જાણે અલ્લાદીનનો ચિરાગ સાલ ઓઢાડી જવાનો હોય એમ કૂદતા હતા. ક્યાં ગઈ બધી હોશિયારી? ક્યાં ગયા માદેવજી અને બાપજીના આસીરવાદ? ટાંયટાંયફીસ?

પિંટુ : છગન, તું ચૂપ રહે. ચિંટુભાઈએ બધું વિચારીને જ કહ્યું હોય. કેમ ને ચિંટુભાઈ? આ છગનને તમે ફડફડાવીને કહી દો એટલે એ મૂંગો રહે.

ચિંટુ : પિંટુ, ઘડીક શાંતિ રાખ. તમારા બધાની કચકચથી મારા મનમાં બધો પિલાન વેરવિખેર થઈ જાય છે. મને લાગે છે કે મારે થોડીવાર ધ્યાનમાં બેસવું પડશે. ભાઈ છગન, તું અહીં કોઈ ભજન કે એવું કંઇ ગવડાવ અથવા તારા મોબાઈલમાં કંઈ ચેનલ પર ભજન મૂક. અમે થોડીવારમાં આવીએ. બાપજીની ઓરડીમાં જવાથી અમને જ્ઞાન પ્રાપ્ત થાય છે.ચાલ પિંટુ.

 

ઓત્તારી.. આ પાછું શું નવું તૂત કાઢ્યું ચિંટુલાલે?  શાલ ઓઢાડવાની વાતે ભેરવાઈ ગયા લાગે છે. પણ આ બાપજીની ઓરડીમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે એ શું હશે?  બીજા માળેથી બરાબર દેખાય છે ઓરડી. ત્યાં જઇને જોઉં. પણ આ બે બારદાન જો ઓરડીનું બારણું બંધ કરી દેશે તો તકલીફ. હે મહાદેવજી, આ બારણું બંધ ન કરે એવું કરજો. તમને પાંચ દીવા કરીશ. હત્તેરી.. બંધ જ કરી દીધું બારણું.  હવે અહીં બેસીને બંધ બારણું તાક્યા કરવાનો અર્થ નથી. બેક ટુ મુખ્ય ઘટનાસ્થળ. ફૂરરર..

છગન : કાં અમથાકાકા, તમારા વાલીડાઓ તો ઓરડીમાં જંતરમંતર કરવા જતા ર્યા ને? એમ કંઈ માદેવજીના આસીરવાદ રેઢા નથી પડ્યા કે આ અક્કરમીઓને મળી જાય. એમ કંઈ રાતોરાત બુધ્ધિ ના આવી જાય કોઈનામાં . તમે બધાએ તો જમાનો જોયો છે તો ય આમની વાતોમાં આવી ગયા.

માણેક મુખી : આ છગનની વાત તો વિચારવા જેવી ખરી હોં અમથાભઈ.  મને સાલો વેમ તો ગ્યો જ છે કે આપડે આમને ખોટું પ્રોત્સાન આલીએ છીએ.

અમથાકાકા : તમે ખોટા વેમાવ છો મુખી. યાદ કરો આ જ છોકરાઓએ મારા પૈશા ચેવા પાછા અલાયા તા પેલા ભારાડી પોંહેથી? ને બાપજી મોંદા હતા તે ચેવા બેઠા કરી દીધા પટ્ટ લઈને.. કંઈક તો ખૂબી છ જ ચિંટુપિંટુમાં.. ઇમનીમ તો આવા ચમત્કાર નહી થ્યા હોય ને?

ભીખીડોશી : હા હોં.. બાપજીમાં શત તો હતું જ. મારું ડોબું ખોળી આલ્યું તું કે નય? એવા શંતમાત્માના આસીરવાદ ફોગટ ના જાય. પથ્થરમોંથી ય પોણી  કાઢી આલે એવું ઝગમગ શત હતું બાપજીનું. આપડે તો ભગવાનનો આભાર મોનવાનો કે એવો પુનશાળી આત્મા આપડા હાથીગઢનો મેમાન થયો.

લખીડોશી : હાચી વાત. જો ને મારી હેડકી ય બેહાડી દીધી તી કે નહી? આ છોકરાઓ ના હોત તો હું તો રામ બોલો ભઈ રામ જ થઈ જાત તે દિવસે.  ભજન મેલ તું ઇના કરતા. ક્યારનો ડહાપણ કરે છે તે. આ ગામવારા ય બચારા આપડી વાતો હોંભરીને તોબા પોકારી જશે.

 

ઓહોહો.. ચિંટુપિંટુનો તો વટ્ટ છે બાકી. ચૂંટણી લડે તો અબઘડી જીતી જાય. બધા ય વોટ એમને જ મળે એવો માહૌલ છે . કહેવું પડે. લો, નામ લેતાં જ પધાર્યા. સો વરસના થવાના. પણ કેમ આમ આંખો લાલ દેખાય છે? માર બેટા નોટંકી છે બે ય. ઓત્તારી, બાપજીવાળો ખાટલો પાથરીને પિંટુ નીચે બેઠો ને ચિંટુલાલ ખાટલે બિરાજ્યા.

 

છગન : એ ય ચિંટુડા.. આ વડીલો નીચે ભોંય પર બેઠા છે ને તું ખાટલે બેઠો છે? શરમા જરા શરમા.

પિંટુ : ઓ મિત્ર.. તમે જરીક ચૂપ રેહો કે? મારાજ ઢ્યાનમાંઠી ઉઠીને હીધ્ધા જ અહીં આવેલા છે તે દેખાય કે ની? મારાજ તમે તો ઓરખતા જ છે ને આ છગનને ..એને તો ટેવ પડી ગયલી છે કંઈ બી બોઇલા કરતો છે . તમે મન પર ની લેતા કંઈ હો. ગુસ્સે થેઈને કંઈ શ્રાપ ની આપી દેતા અમ અબૂધોને..

ચિંટુ : એ ય શર્કિટ્ટ.. ક્યા શમશ્યા હે?

પિંટુ : વ..વ..વો સિનિયર સિટીજન કો સાલ ઓઢાડને કી બાત હે મુન્નાભાઈ..કોઈ શમશ્યા નહીં હે.

ચિંટુ : બશ ઈતની શી બાત? ઈશશે બી કિતની બડી શમશ્યા ચપટી વગાડ કે શુલઝા દી હે હમને તો મુખીકાકા..

માણેકમુખી : ઇમ ? હવડે તો તું અમને આ સાલ ઓઢાડવાવાળું જ પાર લાય એટલે ઘણું.

ચિંટુ : જૂઓ કાકા.. પેહલાં તો આપડે છે ને બધી કમેટિ બનાઈ દઈએ. લિશ્ટ કમેટિ શાલ ઓઢાડવાની હોય તેના નામ લખી લાવશે.  પછી હારતોરા કમેટિ ,સ્વાગત કમેટિ,, ચાનાશ્તાપાણી કમેટિ, ને હવથી મહત્વની શાલ ઓઢાડો કમેટિ. હારતોરા કમેટિ હારતોરા લાવશે એનાથી સ્વાગત કમેટિ સ્ટેજ પર બેઠા હોય એ બધાયનું સ્વાગત કરશે. ચાનાશ્તાપાણી કમેટિ બધાય માટે ચા નાશ્તાની શગવડ કરશે. ને શાલ ઓઢાડો કમેટિ સિનિયર શિટીજનોને શાલ ઓઢાડશે.

પિંટુ : બોલો ચિંટુમારાજ કી જે..

ચિંટુ : એ ય..

છગન : એક મિનિટ.. તું કહે છે એમ કમેટિ બનાઈએ પણ બધું લાવવાનું કેવી રીતે? ખર્ચો કોણ કરશે?

ભીખીડોશી : છગન , આ પેલ્લી ફેરી હો ટચના હોનાની વાત કરી તેં. લખી, તારો છોકરો હુશિયાર તો છે હોં.. તો ય કેમ એનું કશે ગોઠવાતું નહીં?

લખી : ઇને તો અંબેરિકાનું ઘેલું લાગ્યું છે તે શુ થાય કો જોય.. ગોટપીટવારી જ જોઈએ છે લાટશાહેબને..

અમથાકાકા : ભીખી, તું મોંઢું બંધ રાખવાનું શું લઈસ?  તારાથી તો કંટારી જ્યા બાપા .. અહીં આપડે વાત શુ ચાલે છે ને તું ડપકા હાના મેલે  છે..

ભીખીડોશી  : અમે જ વધારાના છીએ એમ કહોને ભઈ.. અમારે અહીં ટેકો કરનાર કોય નહે એટલે બધા કહી જાવ ને..

માણેકમુખી : કહું છું શાંતિ રાખો. વાત હાવ આડે પાટે જતી રહી. ભીખીમાસી, અમથાભઈ બે હાથ ને ત્રીજું માથું જોડું.. સાંભળો તો ખરા ..ભઈ ચિંટુ.. કહે તું..

ચિંટુ : જેને ત્યાં શિનિયર શિટિજન હોય એ બધા કમેટિમાં હારતોરા, શાલનો ખર્ચો માથાદીઠ આલી દે. ને ચા નાસ્તામાં તો આપડે બધા પોતપોતાને ઘેરથી લઇ આઇશુ ને ભેગા બેહીને ખઈશુ. બોલો માદેવ હરરરરરર.....

ઓ મારા ભગવાન.. જબરો ખેલ પાડ્યો. પેલી કહેવત યાદ આવી ગઇ . નાત નાતનું જમે છે, મુસાભાઈના વા પાણી.. શાલ ઓઢાડવાનો કાર્યક્રમ  થશે?  કે પછી સુરસુરિયું?  છગન શું કરશે? ને ચિંટુ પિંટુ? ઓરડીમાં જઈ આવે પછી તેવર બદલાયેલા લાગ્યા.. તમને લાગ્યું એવું?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top