ઓ મારા ભગવાન.. બાવો તો પાછો આવ્યો!

ઓ મારા ભગવાન.. બાવો તો પાછો આવ્યો!

02/13/2021 Magazine

શિલ્પા દેસાઈ
અક્કરમીનો પડિયો કાણો
શિલ્પા દેસાઈ
કોલમિસ્ટ, હાસ્યલેખિકા

ઓ મારા ભગવાન.. બાવો તો પાછો આવ્યો!

ફૂરરરર ..ફૂરરરર.. આજે હમો ફિલીંગ રાજા મહારાજા ટાઈપ્સ. રાજારજવાડાં હતાં ત્યારે રાજા રોજ દિનચર્યા જોવા નીકળતા ને? એક્ઝેટલી એ જ રીતે હમો ય ગામમાં જોવા નીકળેલા કે ખરેખર શું કારણસર પેલો સમારંભ બંધ રહ્યો. આ તમે માણસજાત બહુ જ વિચિત્ર. કોઈ દિવસ બોલેલું પાળે નહીં. બોલવાનું આવે ત્યાં બધા શુરાપુરા. હવે આમ તમને કંઈ ખબર ન હોય એમ મોંઢુ વકાસીને ન જૂઓ ભાઈસાબ. અહીં હાથીગઢમાં સિનિયર સિટીજનનો સન્માન સમારંભ થવાની વાત તો યાદ છે ને ? કે તમારે પેલા ગજિની આમિર ખાનની માફક શોર્ટ ટર્મ મેમરી લોસની તકલીફ છે? હં, એ જ. એ જ સિનિયર સિટીજન  સન્માન સમારંભ બંધ રહ્યો,બોલો. કેટલાં સપનાં જોયેલાં કે સારું સારું ખાવાનું મળશે. રોજ એકનું એક ખાઈને કંટાળો આવે છે. હમોને જે હોટલનું મેનુ પસંદ છે તે આ તમારા કોરોના ફોરોનાના પાપે બંધ થઈ ગઈ. ભગવાન જાણે પાછી ક્યારે ખુલશે.  ખૂલશે ખરી કે નહીં એ ય ખબર નથી. રોજ રાત્રે જમીને એ તરફ ઉડવા જઈએ છીએ પણ હોટલના પાટિયા હજ્જુ સુધી પડેલાં જ છે. કંઈ નોટિસ બી નથી મુકતા કે ખબર પડે. અમારે ય અરમાનો ના હોય? અમને મન થાય કે નહીં સારુ સારુ ખાવાનું? બધા અભરખાઓ તમને જ થાય? અમે જીવ નથી? તમારે શું ફેર પડે છે કોઈને કેવું ફીલ થાય છે તે જાણીને? તમને તો બસ તમારી જ પડી છે. વોટ્ટેવર, સોનાની જાળ પાણીમાં નાંખવાનો અર્થ નથી. જે કરવું હોય તે કરો. હવે અહીં ચિંટુ મહારાજ પિંટુ મહારાજ શું કરે તે જોવાનું. ઓવર ટુ સીસીટીવી ડાળ.  જો છે હારા.. ગામ આખું ભેગું તો થયેલું છે તો પેલો સમારંભ કરી દેવાનો હતો. બધા મઝા કરતે ને ખાઈ પીને..  કોરોનાને લીધે ૧૦૦ માણસથી વધારે ભેગાં નહીં થવાનું એવું તૂત મોબાઈલમાં આવ્યું કે આપણા છગનલાલ, ધ ગ્રેટ વાંકદેખા પટમાં આવી ગયા. એણે જ ઉંબાડિયું કર્યું. હાથીગઢમાં તો એકેય કિસ્સો નથી આવ્યો પણ છગનલાલ હાથમાં આવેલી તક ચૂકે કે?  છગના.. આવતે જન્મે તું બળેલી ભાખરી થજે, જા. આ છગનથી બિચારા ચિંટુપિંટુને કોઈ સારી વાતનો જશ મળે એ સહન જ નથી થતું. એક તો એ બે જડબુધ્ધિ પેલી ઓરડીમાં જઈને આવે પછી જે લવારા કરે છે એ માંડમાંડ સમજાય છે. અલા.. પેલું કોણ આવે છે ને ? બાવો પાછો આવ્યો કે શું?  ઓહ એ જ છે આ તો. લે, આ તો સીધો મંદિરભેગો થઈ ગયો ને આરતી કરવા માંડ્યો.

બાપજી : અલખ નિરંજન....  જય આદ્યા સક્તિ મૈયા જય આદ્યા સક્તિ ..

ગામવાસી 1: ઓ બાપજી, કેસે હો?  હેં? ને આ તો મહાદેવજીનું મંદિર છે અહીં ક્યાં માતાજીની આરતી કરવા માંડ્યા ને? ભુલી ગયે લગતે હે થોડે દિવસ બહાર રહે તો..

બાપજી: ના ના બચ્ચા.. ભગવાન તો એક હી હૈ.. માદેવજી કહો કે માતાજી.. હર જીવ મેં શિવ હૈ.

ગામવાસી ૨: પ્રણામ બાપજી.. એકદમ સાચી વાત કહી હૈ આપ ને તો.
બાપજી : વો દોનો અવતારી બચ્ચે કહાં હૈ? દિખાઈ નહીં દે રહે આસપાસ મેં..

ગામવાસી ૧: કોન? ચિંટુભાઈ પિંટુભાઈ? અભી અભી ગામ મેં ગયે વો દોનો તો. આરતીટાણે વાપસ આયેંગે ઓર એં બાપજી આપ દેખના કેસે વો લોગ સત્સંગ મેં રંગ જમાતે હે.

ગામવાસી ૨: હા બાપજી.. કભી કભી તો ગામ કે ઉધ્ધાર તે લિયે વો ખૂદ કો આપ કી ઓરડી મેં બંધ કર દેતે હે ઓર ફિર ધ્યાન મેં સે બાહર આને કે બાદ કોઈ બી સમસ્યા કા ઉકેલ યું ચપટી વગાડતે આ જાતા હે, બોલો. બડી ચમત્કારી ઓર પાવન ઓરડી હે સચ્ચ હોં.

બાપજી : ક્યાઆઆઆ? વો ઓરડી મેં જા કે સમસ્યા કા હલ મિલ જાતા હે ઉન કો?

ગામવાસી ૨: હા વળી.. ખોટા ક્યું બોલને કા હમારે કો? બહાર આ કે ઉન મેં કોઈ આત્મા પરવેસ જાતા હે ઓર વો હાવેહાવ જૂદા જ  બોલતે હે.

બાપજી : અયસા ક્યા બોલતે હે દોનો? સુનના પડેગા. જાવ તો .. કિસી કો ભેજ કે બુલાવો તો સહી મેરે પ્યારે બચ્ચો કો..

ગામવાસી ૧ : બાપજી આપ તો ધન્ય હો હોં.. વો દેખો આપને બોલાને કો કહા ઓર વો જાત્તે હી આ રહે હે ઈધર. આપ કે મન કી બાત એમના તક પહોંચી ગઈ..

ચિંટુપિંટુ : બાપજીઈઈઈઈ..

બાપજી : આયુષ્યમાન ભવ: ..સદા ખૂશ રહો બચ્ચો..

ચિંટુ : બાપજી, હમ આપ કો બહોત યાદ કરતે થે. પૂછો પિંટુ કો.. હેં ને પિંટુ?

પિંટુ : હા બાપજી.. મુજે તો એક દો બાર રોના ય આયા થા..

ચિંટુ : તબિયત તો અચ્છી હૈ ના આપકી ? નબળે જેસે દિખ રહે હો. ખાનાવાના તો અચ્છા મિલ જાતા હે ને વહાં પર?

બાપજી : હાં.. વહાં કે લોગ બી તુમ લોગ કી તરાહ બહુત અચ્છે હૈ.  દો વક્ત ખાના, તીન વક્ત ચાય દે જાતે હે દયાલુ લોગ. તો અપની ગાડી ચલતી રહેતી હૈ. તુમ બતાવો. ક્યા હાલ હૈ? આવો ચલો હમ વો ઓરડી મેં આરામ સે બેઠકર બાતે કરતે હૈ. તબ તક યહાં આરતી કા સમય હો જાયેગા.

ચિંટુ : હા યે ઠીક રહેગા.

ઓ મારા ભગવાન.. બાવો તો પાછો આવ્યો. નક્કી ત્યાં કંઈક કારસ્તાન કરીને જ આવ્યો લાગે છે. જો કે થોડો સુકાયેલો તો દેખાય છે. આમ તો જરુર હતી જ એને વજન ઉતારવાની. પીપડા જેવો થયેલો અહીં હતો ત્યારે તો. છેલ્લે છેલ્લે તો કસરત કરવાની ય બંધ કરી દીધેલી. એ ય ને ખાઈ પી ને જલસા જ કરતો હતો. નસીબનો બળિયો તો ખરો જ. આ તમારી માણસજાતનું આ દુ:ખ. આવા બનીબેઠેલા બાપજીઓને બહુ જ  માથે ચડાવી મૂકે. એ કહે તે જ પૂર્વ દિશા. આટલો બધો આંધળો વિશ્વાસ જ ડૂબાડે. જે હોય તે.. હમો ય ક્યાં તમારી પંચાતમાં ચંચુપાત કરીએ છીએ ને.. એના કરતા ચાલો પેલી ઓરડીમાં. ફૂરરરર..

વાહ.. સિલિંડર ઉર્ફે બાપજી તો ખાટલે ઢળી પડવાના. થાકી ગયા હશે બિચારા. ને પેલા બે હાથ જોડીને  બેસી શું રહ્યા હશે ભગવાન જાણે. ઓહો.. રકાબીમાં કંઈક મુક્યું પિંટુડાએ.. અલા, ચિંટુડાએ એમાંથી જ ચમચી ભરીને  મોંઢામાં મુક્યું ને બીજી ચમચીમાં પિંટુડાને ય આપ્યું.  હમોને ચટપટી થાય છે કે આખિર બાત ક્યા હે? બાપજી ધીમું ધીમું મલક્યા કરે છે એટલે કૂછ તો ગરબડ હે. હવે આ લોકો નાટક બંધ કરીને બહાર આવે તો સારુ. બાપજી આવ્યાની ખબર આખા હાથીગઢમાં થઈ ગઇ છે એટલે બધી નવરી બજારો હૂડૂડૂહફફ કરતી આ તરફ આવવા જ માંડશે જોજો.

ચિંટુ : એ ય શ્લોબુધ્ધિ.. હોંભર..

પિંટુ : જી પ્રભુ.. હું કહેતા છે?

ચિંટુ : આ આપડે બાપજી આયા છ તો કોં, ચા-પોણીનો બંદોબશ્ત કર જોય.. ઠોયા જેવો મારી હોમે શુ તાકી રયો છે? તારા ઘરમોં મેમાન આવઅ તિયારે ઓમ તાક્યા કરઅ છઅ ઇમને?

પિંટુ : ની રે.. મારી એવી મજાલ છે કે ? મારી ઢરમપટ્ની જરીક આંખ જ ફેરવે કે મેં તો ફટ્ટદેતાંક સુરતી લોચો કે ઇદડાં કે એવું કંઈ લી આવું.

બાપજી : અરે બચ્ચો.. યે ક્યા બોલ રહે હો? ચિંટુ તુમ તો જેસે પિંટુ કે ભગવાન હો એસે બાત કરતે હો.. ઓર યે પિંટુ તુમારા ભગત હો એસે..

આ બાપજી, ભગવાન ને ભગત ગામમાં ઉધમ મચાવશે હવે. પણ બાવો ભગવાન ને ભગતવાળું તો સાવ નવું જ તિકડમ લાવ્યો. શું કહો છો?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top