પિંક, ગ્રે કે પછી બ્લુ : રંગો અને જાતીયતા વચ્ચે ખરેખર કોઈ કનેક્શન છે ખરું?

પિંક, ગ્રે કે પછી બ્લુ : રંગો અને જાતીયતા વચ્ચે ખરેખર કોઈ કનેક્શન છે ખરું?

02/04/2021 Magazine

રાજુલ ભાનુશાલી
સખળ ડખળ
રાજુલ ભાનુશાલી

પિંક, ગ્રે કે પછી બ્લુ : રંગો અને જાતીયતા વચ્ચે ખરેખર કોઈ કનેક્શન છે ખરું?

ગઈકાલે સંકેત મળી ગયો. અમે સ્ટેશન પાસે એક ટપરી પર કટિંગ પીધી. ટપરીવાળો છોકરો જ્યારે પૈસા લેવા આવ્યો ત્યારે એણે  એને પૈસા સાથે એક થેલી આપી. છોકરાએ પહેલા તો અચરજથી સંકેત સામે જોયું પછી થેલીમાં હાથ નાખીને એમાંની વસ્તુ કાઢી. થેલીમાંથી જે વસ્તુ બહાર આવી એ જોઈને મારી અને ટપરીવાળા છોકરાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એ લિવાઇસનું  ટી શર્ટ હતું. ચારેક દિવસ પહેલાં જ સંકેતે ઇન્સ્ટા પર જે સ્ટોરી અપલોડ કરેલી, એમાં એણે આ જ ટી શર્ટ પહેર્યું હતું. નવું નક્કોર ટી શર્ટ  મેળવીને એ છોકરો રાજીનો રેડ થઈ ગયો. અમે ત્યાંથી નીકળ્યા. મને હજુ સમજાઈ નહોતું રહ્યું કે એણે આવું કેમ કર્યું. પેલા ટી શર્ટમાં એ ખાસ્સો હેન્ડસમ લાગી રહ્યો હતો અને એની આર્થિક સ્થિતિ એવી જરાય નહોતી કે એ એકાદ વખત પહેરીને જ કોઈ શર્ટ કાઢી નાખે. એને પણ મને થઈ રહેલી અવઢવ કદાચ સમજાઈ રહી હતી. પછી આગળની જે વાત એણે કહી એ એના જ શબ્દોમાં સાંભળીએ :

અમારી ઓફિસમાં શુક્રવારે ફોર્મલ ડ્રેસ કૉડમાંથી છુટ્ટી હોય. ગયા શુક્રવારે હું ઓફિસે પેલા છોકરાને આપ્યું એ ટી શર્ટ પહેરીને ગયો હતો. એ બ્રાઇટ રંગનું ટી શર્ટ મારા પર ખૂબ શોભી રહ્યું છે એવું અરીસાએ મને સવારના જ  કહી દીધું હતું. ઇન્સ્ટા સ્ટોરીમાં ઘણા વ્યુઝ અને વખાણના મેસેજીસ પણ હતાં. મને ઓફિસમાં પણ ફેસ ટુ ફેસ વખાણ સાંભળવાની તાલાવેલી હતી. ઓફિસે પહોંચ્યો ત્યારે મુખ્ય દરવાજા પર ઊભા રહેતા સિક્યુરિટી ગાર્ડે ગુડ મોર્નિંગ કહ્યું અને કડક સલામ ઠોકી. રિસેપ્શનમાં મેનકા તેની જગ્યાએ નહોતી. મને એના મોઢે વખાણના બે શબ્દ સાંભળવાની લાલચ હતી. એ સવારના એક સ્માઇલ પણ આપી દે તો આખો દિવસ સરસ વીતે. વાંધો નહીં, લંચ પછી મળી લઈશ એ વિચારીને હું અમારા વિભાગ તરફ વળ્યો. રસ્તામાં અન્ય વિભાગના બે મિત્રો સામા મળ્યા. એમણે 'આજે તો બહુ હેન્ડસમ દેખાય છે' એ મતલબનો ઈશારો કર્યો. સામે જ સેક્શન મેનેજરની કેબીન હતી. મેનેજર દરવાજામાં જ ઊભા હતા. એમણે પણ અચરજના બે શબ્દ કહ્યા.

અહીં સુધી બધું બરાબર હતું, પણ જેવો હું અમારા ડીપાર્ટમેન્ટમાં પહોંચ્યો, મને જોઈને અચાનક બધી છોકરીઓ હસવા લાગી. હું  ગભરાટમાં તાત્કાલિક ઊંધો ફરી ગયો અને મારા પેન્ટની ઝીપ તપાસી કે ક્યાંક એ ખુલ્લી તો નથી રહી ગઈને!  પણ તે બરાબર હતી. મારી તર્કશક્તિ ત્યાં જ પૂરી થઈ ગઈ. તેઓ હંમેશની જેમ સ્વાભાવિક રીતે જ હસતી હશે એમ મેં વિચાર્યું મેં એમને સ્માઇલ આપ્યું અને મારી ડેસ્ક પર બેઠો.

પરંતુ હજી મારા મનમાં સવાલ તો હતો જ કે એક સાથે બધી જ કેમ હસી પડી. બપોર સુધી મારી તરફ જોઈ જોઈને એમની ગુસપુસ અને હસવાનું ચાલુ જ હતું. અડધો દિવસ છેક પૂરો થઈ ગયો ત્યારે મને એમના હસવાનું કારણ મારું ગુલાબી ટી શર્ટ છે એ સમજાયું. એ પણ ત્યારે જ્યારે તેમાંની એકે કહ્યું, "તને બીજો કોઈ રંગ ન મળ્યો તે આ છોકરીઓનો રંગ પહેરીને આવ્યો છે! આ તો ઠીક કે દાઢી છે, નહીંતર સાવ 'એવો' લાગત." અને એ ફરી મોટેથી હસી પડી. 'એવો' શબ્દ બોલતી વખતે એણે પોતાના હાથને ઝટકો આપ્યો. એનો અર્થ હું ન સમજું એવો ભોળોય નથી. પછી ત્રીજી એની સાથે કૉલેજમાં ભણતો એક છોકરો ગુલાબી શર્ટ પહેરીને આવતો ત્યારે બધી છોકરીઓ કેવી રીતે એને ચીડવતી એ સ્ટોરી રસાળ શૈલીમાં સંભળાવવા લાગી. હું તરત ત્યાંથી નીકળી ગયો કે ક્યાંક બધી ભેગી થઈને આજે મારો પણ  વારો ન  પાડી દે.

સવારના અરીસા સામે ઊભા રહીને ‘આ તો ખૂબ શોભી રહ્યું છે’ એવું લાગ્યું હતું એ ટી શર્ટ ઊતારીને ફેંકી દેવાનું મન થઈ ગયું. ટેગ કાઢીને પહેરી લીધેલું એટલે રીટર્ન પણ કરી શકાય એમ નહોતું. ટૂંકમાં પૈસા ડૂબી ગયા હતા. પણ મને એ વાત વધુ પજવી રહી હતી કે જે શર્ટ મને ગમતો હતો, શોભતો પણ હતો એનો ઉપયોગ હું કરી શકવાનો નહોતો!

મહદ્દ અંશે એ વાત સાચી છે કે આપણે ત્યાં ગુલાબી જેવા રંગો પહેરનાર પુરુષ ઠેકડીનો શિકાર બનતા હોય છે. ‘પીંક’ છોકરીઓનો અને ‘ગ્રે કે બ્લુ’ છોકરાઓનો. છોકરીઓ માટે બાર્બી ડોલ અને ટેડીઝ ને છોકરાઓ માટે ડાયનોસોર્સ અને ટ્રાન્સફોર્મર્સ. આવી તો કેટલીય બાબતો વણલખ્યા નિયમોની જેમ પળાતી. હજુય ક્યાંક ક્યાંક પળાય છે.

જોકે અમેરિકામામાં ઓગણીસમી સદીના મધ્યમાં આ બાબતે બદલાવ આવવાની શરુઆત થઈ. કેટલાક જર્મન કેથોલિક વિસ્તારોમાં ૧૯૮૦ના દાયકાના અંતમાં છોકરીઓ માટે બ્લુનો અને છોકરાઓ માટે પીંકનો છૂટથી ઉપયોગ થવા લાગ્યો. ધીમે ધીમે સ્ત્રીત્વ સાથે મજબુતીથી જોડાઈ ગયેલો આ રંગ જ્યારે કોઈ પુરુષ પહેરે ત્યારે તે ફક્ત 'રંગ' ગણાવાનું મટીને વ્યક્તિગત અભિવ્યક્તિનું માધ્યમ ગણાવા લાગ્યું. આ રંગ પહેરનારની અવજ્ઞા થતી પણ લગભગ બંધ થઈ. ‘પીંક’ પહેરવું ક્લાસિક અને સ્ટાઇલિશ ગણાવા લાગ્યું. આ બદલાવ હવે આખી દુનિયામાં આવી ચૂક્યો છે.

એક મનોવૈજ્ઞાનિક સંશોધન મુજબ ગુલાબી રંગ આંખોને ઠંડક આપે છે. મગજ શાંત થાય એવા તરંગો ઉત્ત્પન્ન કરે છે.  વ્યવસાયિક મીટિંગ્સમાં પહેરવામાં આવે ત્યારે સહકાર્યકર્તાઓ ઊપર  ખૂબ પોઝિટીવ અસર ઉત્ત્પન્ન કરે છે અને પરસ્પર વિશ્વાસ સ્થાપિત થવાની શક્યતાઓ પ્રબળ થાય છે. એ પુરુષો કે જેઓ માત્ર બ્લુ કે વાઇટ જેવા પરંપરાગત રંગો પહેરે છે એમના કરતાં પીંક સહિત અન્ય રંગ પહેરતાં પુરુષોમાં કર્યદક્ષતા વધુ હોય છે, તેમ જ એ કમાણી પણ વધુ કરતાં હોય છે. સંશોધનકારોએ એ પણ  શોધી કાઢ્યું છે કે પીંક પહેરતાં પુરુષોને એમની મહિલા સહકાર્યકર્તા પાસેથી વધુ કોંપ્લીમેન્ટ્સ મળતી હોય છે.

જાપાનમાં ગુલાબી રંગને પુરૂષવાચી રંગ તરીકે જોવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુલાબી રિબન કેન્સર સામે લડવાના સમર્થનમાં પહેરવામાં આવે છે, જે આશાને રજૂ કરે છે. આ રંગને સમલૈંગિકતાના પ્રતિક તરીકે પણ ન જોવું જોઈએ. ગુલાબીથી પહેલાં આસમાની રંગને એ રીતે જોવામાં આવતું. આવતીકાલે બીજો કોઈ રંગ આવી શકે! ઇન્ફેક્ટ મેઘધનુષ્યના કોઈ પણ રંગને જાતીયતા સાથે જોડવો ન જોઈએ.

ટૂંકમાં, આ બધી અર્થહિન માન્યતાઓથી દૂર રહેવું.

તાજેતરમાં ગુલાબી રંગ વધુ ને વધુ પુરુષો પહેરતાં થયા છે. તેઓ આવા બ્રાઇટ રંગોનો પ્રયોગ કરવામાં ડરતા નથી. દરેક ચારમાંથી એક પુરુષ ગુલાબી શર્ટમાં વધુ આકર્ષક લાગે છે જ્યારે કાપડની વાત આવે ત્યારે તેઓ કૉટન પ્રત્યે વધારે ઢળેલા દેખાય છે, પરંતુ વસ્ત્રોનાં રંગો અને ડિઝાઇન સાથે મહિલાઓ જેટલાં જ પ્રયોગ કરી રહ્યા છે.

ગુલાબી એક સુંદર રંગ છે અને દરેક જણ પહેરી શકે છે.

 

મિયાઉં :

પીંક ઇઝ નોટ જસ્ટ અ કલર, ઇટ્સ એન એટીટ્યુડ!

- માઇલી સાયરસ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top