Mitchell Marsh out of Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર આવ્યા છે. ટીમનો ખતરનાક ઓલરાઉન્ડર મિશેલ માર્શ કમરની ઇજાને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઇ ગયો છે. ઉપરાંત, હવે તેના માટે IPL 2025માં પણ રમવું ખૂબ મુશ્કેલ છે. મિશેલ માર્શ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતો જોવા મળ્યો હતો, પરંતુ તેના સતત ફ્લોપ પ્રદર્શનને કારણે તેને અંતિમ ટેસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, માર્શે બિગ બેશ લીગ (BBL)માં એક મેચ રમી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્શ IPL 2025ની કેટલીક મેચોમાંથી પણ બહાર થઇ શકે છે. IPL 2025ની શરૂઆત 23 માર્ચથી થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી રમાશે.
ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, "મિશેલ માર્શને કમરની નીચેના ભાગમાં દુઃખાવો અને પરેશાનીને કારણે આગામી ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પસંદગી પેનલ અને ઓસ્ટ્રેલિયન મેન્સ મેડિકલ ટીમે ઇજાને કારણે માર્શને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "તાજેતરના અઠવાડિયામાં તેમની કમરના નીચેના ભાગમાં દુઃખાવો વધ્યો છે, જેને કારણે માર્શ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી નહીં શકે. તેમના રિહેબમાં સમય લાગશે."
અત્યાર સુધી માર્શના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કોઇ ઓલરાઉન્ડર નહીં, પરંતુ વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્કને તેમની જગ્યાએ તક મળી શકે છે. તો, ટેસ્ટમાં માર્શનું સ્થાન લેનાર બ્યૂ વેબસ્ટર પણ એક સારો દાવેદાર છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજુ સુધી માર્શના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં, મિશેલ માર્શનું સ્થાન કોણ લેશે તે જોવું રસપ્રદ રહેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ઓસ્ટ્રેલિયન ટીમ:
પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, આરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ શૉર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝામ્પા.