સટ્ટાબાજીને ડામવા BCCI ‘સ્પોર્ટરડાર’ સાથે મળીને ભ્રષ્ટ ગતિવિધિઓને અંકુશમાં લાવશે

IPL 2020 : સટ્ટાબાજીને ડામવા BCCIએ ‘સ્પોર્ટરડાર’ સાથે હાથ મિલાવ્યા, સાથે મળીને ભ્રષ્ટ ગતિવિધિઓને અંકુશમાં લાવશે

09/17/2020 Sports

SidhiKhabar

SidhiKhabar

સટ્ટાબાજીને ડામવા BCCI ‘સ્પોર્ટરડાર’ સાથે મળીને ભ્રષ્ટ ગતિવિધિઓને અંકુશમાં લાવશે

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયમ લીગ (IPL) શરૂ થવા આડે હવે બે જ દિવસ રહ્યા છે ત્યારે ક્રિકેટની દુનિયામાં થતી સટ્ટાબાજીને ડામવા ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI)એ નવો ઉપાય શોધી કાઢ્યો છે. ક્રિકેટ મેચ દરમિયાન થતી સટ્ટાબાજી ઉપરાંતની અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓને રોકવા BCCIએ બ્રિટન સ્થિત કંપની ‘સ્પોર્ટરડાર’ સાથે કરાર કર્યા છે. ‘સ્પોર્ટરડાર’ પોતાની ફ્રોડ ડીટેક્શન સીસ્ટમ (FDS) દ્વારા પોતાની સેવાઓ આપશે.

આ વર્ષે કોરોનાની મહામારીને કારણે IPLની બધી મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન અજીત સિંહના નેતૃત્વ હેઠળની BCCIની એન્ટી કરપ્શન યુનિટ (ACU) સામે એક અલગ પ્રકારનો પડકાર હશે, કારણ કે રાજ્યસ્તરની લીગ દરમિયાન સટ્ટાબાજીનો ભ્રષ્ટાચાર વધ્યો છે, એટલે શક્ય છે કે આ લલચામણી IPL શ્રેણી દરમિયાન પણ આવી ભ્રષ્ટ ગતિવિધિઓ વધે. IPL સાથે જોડાયેલા એક સૂત્ર એ ન્યૂઝ એજન્સી PTIને કહ્યું હતું કે, BCCIએ આ વર્ષે IPL શ્રેણી માટે ‘સ્પોર્ટરડાર’ સાથે કરાર કર્યા છે. તેઓ ACU સાથે મળીને કામ કરશે અને તેમની સેવાઓ આપશે.

સૂત્રએ આગળ જણાવ્યું હતું કે, સ્પોર્ટરડારે હાલમાં જ ગોવા ફૂટબોલ લીગના અડધા ડઝનથી વધુ મેચોને શંકાના ઘેરામાં મૂક્યા હતા. સ્પોર્ટરડાર FIFA (વિશ્વ ફૂટબોલ સંસ્થા) સહિત વિશ્વભરની જુદી જુદી લીગ સાથે કામ કર્યું છે.

તાજેતરમાં જ ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટ (ACU)એ તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) સહિતની અન્ય રાજ્યકક્ષાની ટી-20 લીગ દરમિયાન સટ્ટાબાજીના અલગ પ્રકારના નમૂનાઓની ભાળ મેળવી હતી. સામાન્ય કરતાં અલગ પ્રકારના દાવ લગાવવાને કારણે એક પ્રમુખ સટ્ટાબાજ કંપનીએ દાવ લગાવવા બંધ કરી દીધા હતા. ‘સ્પોર્ટરડાર’ કહે છે કે, ફ્રોડ ડીટેક્શન સીસ્ટમ (FDS) એક વિશિષ્ટ પ્રકારની સેવા છે જે રમતો દરમિયાન થતી સટ્ટાબાજીની હેરાફેરીનો પત્તો લગાવવાનું કામ કરે છે. સટ્ટાબાજીની આવી ભાળ મેળવવાનું FDS માટે એટલા માટે સંભવ છે કે તેની પાસે મેચ ફિક્સિંગના હેતુથી લગાવવામાં આવતી બોલીઓને સમજવા માટે ખાસ પ્રકારની પ્રણાલી છે.

આગામી 19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (UAE)માં યોજાવા જઈ રહેલી IPLની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. કોરોના મહામારીના સમયે દરેક મેચ ખાલી સ્ટેડીયમમાં, પૂરતી કાળજી લઈને જ રમાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top