એ વિકલાંગ વ્યક્તિ પોલીસનું આવું સ્વરૂપ ક્યારેય ભૂલી નહિ શકે!
લોકડાઉનની સાથે સાથે જનજીવન સાથે જોડાયેલી અનેક વાતો બહાર આવી રહી છે. ક્યાંક કોરોના વોરિયર્સ પર હુમલો કરી બેસતા લોકોની વાતો છે તો ક્યાંક લોકોએ આપેલા અદભૂત સહકારની વાતો છે... ક્યાંક વળી પોલીસના જુલ્મોસિતમની વાતો છે તો ક્યાંક એ જ ખાખી વર્દી પહેરેલા માણસો દેવદૂત બનીને ઉતરી આવ્યાની વાતો ય છે. ભલગામના કૌશિકભાઈને ખાખી વર્દીનો એવો અનુભવ થયો કે તેઓ જીવનભર એ ભૂલી નહિ શકે! લોકડાઉન દરમિયાન જ્યારે બજાર બંધ હતા ત્યારે રોજીંદી કમાણી કરીને પેટીયું રળનારા અનેક લોકોની આવક સદંતર બંધ થઇ ગઈ. આવક ભલે બંધ થાય, પણ જાવકનું શું? તમે એક્સ્ટ્રા ખર્ચ ઉપર કાપ મૂકી શકો, પરંતુ ખાવા-પીવાના ખર્ચા અને દવા-ઇલાજનો ખર્ચામાં મૂકી મૂકીને કેટલોક કાપ મૂકો? એમાંય જો ઘરનું કોઈ સદસ્ય ગંભીર બીમારીથી પીડાતું હોય એને માથે તો દુઃખ અને ચિંતાના ડુંગર જ ખડકાઈ જાય! બીલખાના ભલગામ ગામે રહેતા અને સિંગ ભજીયા, મમરા, ભાખરવડી, ચાવાણું, દાળિયા, વિગેરે નાસ્તાની ફેરી કરતા કૌશિક ખીમજીભાઈ ગોહેલે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને વોટ્સ એપ મેસેજથી જાણ કરી હતી કે, પોતે વિકલાંગ છે અને બહેનને કેન્સરની બીમારી છે. એટલું જ નહિ પણ માતા ય બહેરા મૂંગા અને વિકલાંગ છે! આજુબાજુના ગામમાં નાસ્તાની ફેરી કરી ગુજરાન ચલાવે છે. હાલમાં લોક ડાઉન ચાલુ હોવાથી આજુબાજુના ગામલોકોએ પોતાને ગામમાં આવવાની મનાઈ ફરમાવી છે. પોતાની પાસે રૂ. 90,000નો માલ પડયો છે અને જો બીલખા ખાતે નાસ્તો વેચવાની મંજૂરી આપવામાં આવે તો બધો માલ વેચાય જાય અને પરિવારને આર્થિક મદદ મળી રહે! આ મેસેજ વાંચીને પરિસ્થિતિ પામી ગયેલા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ કૌશિકભાઈ ગોહેલને બીલખા પીએસઆઇ એસ.કે.માલમ અને સંજયભાઈ પાસે મોકલી મદદ કરવા જાણ કરી હતી. બીલખા પોલીસ દ્વારા લોક ડાઉનમાં છૂટછાટ મળતા કૌશિકભાઈને પોતાનો નાસ્તો વેચવા દુકાન ભાડે રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસની આવી મદદને કારણે વખાના મારેલા કૌશિકભાઈ દુકાન માંડી શક્યા હતા. જેને કારણે તેનો બધો સામાન વેચાઈ ગયો હતો. કપરા સમયમાં દેવદૂત બનીને આવેલા ખાખી વર્દીધારીઓનો આ માનવીય ચહેરો કૌશિકભાઈ ક્યારેય ભૂલી નહિ શકે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp