અગાઉ બે વખત રદ થયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા ફરી મોકૂફ! જાણો ફરી ક્યારે લેવાશે
ગાંધીનગર: અગાઉ રદ થયેલી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી ૧૩ મી ફેબ્રુઆરીના રોજ યોજવા માટે સરકારે તારીખ જાહેર કરી હતી અને આ માટે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી પણ કરી રહ્યા હતા. પરંતુ ગઈકાલે સાંજે અચાનક સરકારે મન ફેરવી નાંખ્યું અને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.
ગૌણ સેવા પસંદગી મંડળે આ માટે વહીવટી કારણ આપ્યા છે. જોકે, આ ચોક્કસ કયા કારણો છે તે અંગે ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ આ પાછળનું કારણ પૂર્વ ચેરમેન આસિત વોરાનું રાજીનામુ માનવામાં આવે છે. કારણ કે પરીક્ષાનું સમગ્ર આયોજન તેમણે કર્યું હતું અને હવે તેઓ પદ પરથી દૂર થતા સરકાર અને મંડળના નવા પદાધિકારીઓ મૂંઝાયા છે. જેથી પરીક્ષા મોકૂફ રાખવી પડી છે.
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી આસિત વોરાના રાજીનામા બાદ અમુક પ્રક્રિયાઓ નવેસરથી કરવી પડે તેમ હોઈ અને તે માટે સમય ઓછો હોઈ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હોવાનું જણાવતા ગૌણ સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ ચેરમેન એ.કે રાકેશે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અગાઉના ચેરમેને રાજીનામુ આપ્યું છે અને નવા ચેરમેન તરીકે મેં ચાર્જ લીધો છે, એટલે અમુક પ્રક્રિયા એમાં નવેસરથી કરવી પડે અને તે માટે સમય લાગી શકે તેમ છે. અમે ટૂંક સમયમાં આ મામલે નવી તારીખો જાહેર કરી દેવામાં આવશે. તેમણે અગત્યની જાણકારી આપતા કહ્યું કે નવી તારીખ એક કે બે અઠવાડિયાની અંદર જાહેર કરવામાં આવશે. જાણવા મળ્યા અનુસાર, આગામી બે મહિનામાં પરીક્ષા ફરી યોજાઈ શકે છે.
આ પરીક્ષા અગાઉ બે વખત મોકૂફ થઈ ચૂકી હતી અને હવે ચાર વર્ષમાં ત્રીજી વખત મોકૂફ રાખવામાં આવી છે. પહેલી વખત ધોરણ ૧૨ પાસને પરીક્ષામાં ન બેસવા દેવા મામલે પરીક્ષા રદ કરવી પડી હતી તો બીજી વખત પેપર ફૂટવાના કારણે અંતિમ ક્ષણે પરીક્ષા રદ થઈ હતી. હવે ત્રીજી વખત પણ રદ થઈ છે. જેના કારણે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે.
ગઈકાલે પરીક્ષા રદ થયાની જાહેરાત થયા બાદથી જ સોશિયલ મીડિયા ઉપર યુવાનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે કે આખરે આ પરીક્ષા ક્યારે લેવાશે? જોકે, સરકારે ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરીશું તેમ કહીને તેમણે ધરપત આપી છે. હવે નવી તારીખ જ્યારે જાહેર થાય તે મામલે સૌની નજર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp