CM યોગી આદિત્યનાથે BCCI પાસે કરી આ ખાસ માગ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને મોટી અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 25 કરોડની વસ્તીવાળા રાજ્ય માટે એક રણજી ટીમ પૂરતી નથી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં માગ કરી હતી કે ઉત્તર પ્રદેશમાંથી ઓછામાં ઓછી 4 રણજી ટીમો બનાવવામાં આવે, જેથી રાજ્યની યુવા પ્રતિભાઓને વધુ તકો મળી શકે.
હકીકતમાં, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે એકાના સ્ટેડિયમ ખાતે આયોજિત UP T20 લીગની ફાઇનલ મેચમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ક્રિકેટ સંબંધિત મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને BCCIને ઉત્તર પ્રદેશની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે 4 ટીમો બનાવવા વિનંતી કરી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘25 કરોડની વસ્તીવાળા ઉત્તર પ્રદેશ જેવા રાજ્ય માટે માત્ર એક જ રણજી ટીમ હોવી વાજબી નથી. લાખો યુવાનો અહીં ક્રિકેટ રમે છે અને તેમાંથી ઘણાને યોગ્ય પ્લેટફોર્મ મળતું નથી. જો 4 ટીમો હોય, તો ખેલાડીઓને વધુ તકો મળશે અને ભારતીય ક્રિકેટને પણ ફાયદો થશે.’ મુખ્યમંત્રીની આ માગણીની ભાજપના નેતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી મોહસીન રઝાએ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, યોગી આદિત્યનાથે ખેલાડીઓના દિલની વાત કહી છે. યોગી સરકારમાં મંત્રી રહેલા મોહસીન રઝા લાંબા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કે ઉત્તર પ્રદેશ જેવા વિશાળ રાજ્યમાં ચાર રણજી ટીમો હોવી જોઈએ. તેમણે કહ્યું કે, ‘ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પહેલાથી જ 3-3 ટીમો છે. જ્યારે ત્યાં શક્ય છે તો ઉત્તર પ્રદેશમાં 4 ટીમો કેમ ન હોઈ શકે?’
BCCI પાસે મુખ્યમંત્રીની આ માગ પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જો તેને મંજૂરી આપવામાં આવે તો ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં ક્રિકેટનું સ્તર ઊંચું આવશે. નાના શહેરો અને નગરોમાં છુપાયેલી પ્રતિભાઓને પણ પ્લેટફોર્મ મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે 4 ટીમોની રચનાથી રાજ્યના ક્રિકેટ માળખામાં મોટો સુધારો થશે. ઘરેલુ ક્રિકેટમાં સ્પર્ધા વધશે, ખેલાડીઓની સંખ્યા વધશે અને પસંદગી પ્રક્રિયા પારદર્શક બનશે અને ક્રિકેટનો વ્યાપ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp