'કોરોના વોરિયર્સ'. આ શબ્દસમૂહને આજે લોકો બહુ માનપૂર્વક જુએ છે. પ્રથમ ત્રણ લોકડાઉન દરમિયાન અને હાલના અંશત: લોકડાઉન સમયે મોટા ભાગના લોકો જ્યારે પોતાના ઘરોમાં સુરક્ષિત છે, ત્યારે લોકોની સુરક્ષા સાથે નિસ્બત રાખનારા અનેક કોરોના વોરિયર્સ જાનના જોખમે પોતાની ડ્યુટી કરી રહ્યા છે. આપણે ડોક્ટર્સ સહિતના મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ અને પોલીસને કોરોના વોરિયર્સ ગણીએ છીએ એ સાચું જ છે. પરંતુ એક ઓર કોમ છે જે પોતાના ઘર-પરિવારને છોડીને પ્રજાકીય નિસ્બત ખાતર જીવના જોખમે કામ કરી રહી છે. આ કોમ એટલે પત્રકારો સહિતનો મીડિયા જગતનો બેક-એન્ડ સ્ટાફ. પત્રકાર આખા ગામની ખબર લોકો સુધી પહોંચાડે, પણ એના પોતાના સુખ-દુઃખ વિષે કદાચ લોકોને ભાગ્યે જ ખબર પડે છે. સવારની ચા સાથે જ્યારે આપણે અખબાર વાંચતા હોઈએ છીએ ત્યારે એ અખબાર છાપવા માટે અનેક અજાણ્યા લોકોએ ઉઠાવેલી જહેમત વિષે આપણને ભાગ્યે જ વિચાર આવે છે. આજે આવા જ એક બેકસ્ટેજ વોરિયરની વાત સિનીયર જર્નાલિસ્ટ પ્રશાંત દયાળ દ્વારા શેર કરવામાં આવી છે. આ એક એવો વોરિયર હતો જે જીવન સંઘર્ષથી ક્યારેય હાર્યો નહિ, પણ કોરોના સામે હારી બેઠો!
ઓવર ટુ પ્રશાંતભાઈ.
(પ્રશાંત દયાળ, વરિષ્ઠ પત્રકાર). મને યાદ છે ત્યારે મારી અને તેની પહેલી મુલાકાત 2003માં થઈ હતી. દિવ્ય ભાસ્કરની શરૂઆત હતી. ગાંધીનગર સરખેજ હાઈવે ઉપર આવેલી દિવ્ય ભાસ્કરની ઓફિસના બીજા મજલે એડીટોરીયલ ડીપાર્ટમેન્ટની બહાર નિકળો એટલે એક વિશાળ ટેરેસ છે. હું ત્યાં ઉભો હતો. તે મારી સામે આવ્યો. બેઠા ઘાટનું શરીર, થોડુક વજન વધારે. ચહેરા ઉપર કાયમી એક સ્મિત રહેતુ. તે દિવસે પણ હતું. હું તેને ઓળખતો ન્હોતો, તેણે મારી પાસે આવી કહ્યું, "દાદા હું મિતેશ પટેલ. ડીટીપી ઓપરેટર છું." અમે ઔપચારીક વાત કરી, અમારી વચ્ચે કોમન કહી શકાય તેવું કંઈ જ નહોતું, છતાં મિત્ર બની ગયા. કેટલીક મિત્રતાને કોઈ કારણ હોતા નથી. તેવું જ કંઈક હતું.
હું ભાસ્કરમાં રહ્યો ત્યાં સુધી તો અમે રોજ મળતા. પણ પછી અમદાવાદ ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં જોડાયો ત્યાર બાદ તે આશ્રમરોડ ઉપર ચ્હાની કીટલી ઉપર પણ આવતો હતો. મિત્રો બનાવી લેવાની તેની ખાસિયત હતી. તેના કારણે અમદાવાદના મોટા ભાગના તેના મિત્રો હતા. તે સામે મળે ત્યારે તેના ચહેરા ઉપર રહેલુ કાયમી સ્મિત તમારી પણ તકલીફ ભૂલાવી દેતું. પણ આ હસતો ચહેરો પોતાની અનેક તકલીફ છુપાવતો હતો. તેની નજીકના પણ બહુ ઓછા મિત્રોને એ વિષે ખબર હતી. તે અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલની બરાબર સામેની ચાલીના નાનકડા ઘરમાં રહેતો હતો.
બે સંતાનોના પિતા મિતેશને સતત એવુ હતું કે પોતાને પડેલી અગવડ સંતાનોને પડે નહીં. માટે તે દિવ્ય ભાસ્કરની નોકરી ઉપરાંત ચાર એડ એજન્સીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર સૌમિત્ર ત્રિવેદ્દી એક ઘટનાને યાદ કરતા કહે છે કે એક દિવસ તે મિતેષની મોટરસાયકલ ઉપર ક્યાંક જઈ રહ્યા હતા. મિતેષ મોટરસાયકલ ચલાવી રહ્યો હતો. અચાનક તેને ઝોકું આવી ગયું અને સહજ માટે અકસ્માત થતાં રહી ગયો. સૌમિત્રએ તેને ઠપકો આપ્યો તો તેણે દિલગીરી વ્યકત કરતા કહ્યુ "ડીકે... (સૌમિત્રને મિત્રો ડીકે કહે છે) પાર્ટ ટાઈમ નોકરીને કારણે ત્રણ રાતથી ઉંઘવા મળ્યુ નથી." આમ તે મહેનતકશ ઈન્સાન હતો.
મિતેષની પત્ની પણ તેની લડાઈમાં સામેલ હતી. તે મિતેષને મદદરુપ થવા માટે શાક વેચવાનું કામ કરતી હતી. દસ દિવસ પહલા મિતેષને ઉધરસ આવવા લાગી. તા 15મી મના રોજ તેને સિવિલમાં લાવવામાં આવ્યો જ્યાં તે કોરોના પોઝિટીવ હોવાની ખબર પડી. બુધવારની રાતે તેની તબિયત બગડી. તેને વેન્ટીલેટર ઉપર લવામાં આવ્યો પણ વિજ્ઞાન હારી ગયુ અને મિતેષ અમને અલવિદા કહ્યા વગર ચાલ્યો ગયો!