‘ભારતે ટેરિફમાં ઘટાડો કરવાની રજૂઆત કરી હતી, પરંતુ હવે...’, SCO સમિટ બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં અંતર વધી ગયું છે. આ દરમિયાન ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ભારત-અમેરિકા વેપાર કરારને એકતરફી દુર્ઘટના ગણાવી. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે અમેરિકન કંપનીઓ ભારતમાં પોતાનો સામાન વેંચવામાં અસમર્થ છે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને લશ્કરી સાધનો ખરીદે છે, જ્યારે અમેરિકા પાસેથી ખૂબ જ ઓછા.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને એકતરફી ગણાવી છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો સમજે છે કે અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કરીએ છીએ, પરંતુ તેઓ અમારી સાથે ઘણો વેપાર કરે છે. તેનું કારણ એ છે કે ભારતે અત્યાર સુધી અમારી પાસેથી ઘણા બધા ટેરિફ વસૂલ્યા છે. અમારી કંપનીઓ ભારતમાં સામાન વેચી શકતી નથી. આ પૂરી રીતે એકતરફી દુર્ઘટના રહી છે.’
ટ્રમ્પે દાવો કર્યો કે, ‘તેમણે (ભારતે) હવે તેમના ટેરિફ સંપૂર્ણપણે ઘટાડવાની રજૂઆત કરી છે, પરંતુ હવે મોડું થઈ રહ્યું છે. તેમણે આ વર્ષો પહેલા કરી લેવું જોઈતું હતું.’ અમેરિકન રાષ્ટ્રપતિનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન પ્રવાસ પૂર્ણ કરીને ભારત આવવા રવાના થયા હતા. SCO બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભારત પાસે વેપાર માટે ઘણા વિકલ્પો ખુલ્લા છે.
ભારત, રશિયા અને ચીન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની એકપક્ષીય નીતિને પડકારવા માટે એક મંચ પર આવ્યા છે. આ ત્રણેય દેશો એકબીજા સાથે પરસ્પર મિત્રતા અને પરસ્પર સહયોગને મજબૂત બનાવી રહ્યા છે. ટ્રમ્પના ટેરિફ બાદ, દુનિયાની રાજનીતિ ઝડપથી બદલાઈ છે, જેનો પુરાવો SCO સમિટમાં જોવા મળ્યો.
અમેરિકા ભારતના ડેરી અને કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ ઇચ્છે છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત ખેડૂતોના હિત સામે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે. આજે ભારત મારા દેશના માછીમારો અને પશુપાલકો માટે તૈયાર છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp