'કડી ભાજપને નજર લાગી છે'વાળા નીતિન પટેલના નિવેદન પર ધારાસભ્ય કરશન સોલંકીનો પલટવાર, બોલ્યા-સાહેબ..
39 વર્ષમાં પહેલી વખત કડી માર્કેટયાર્ડની ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. જે 4 દાયકામાં ન થયું, તે પહેલી વખત કડી માર્કેટયાર્ડમાં થયું છે. 4 દાયકાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વર્ચસ્વ સાથે સતત બિનહરીફ રહેલા કડી માર્કેટયાર્ડમાં પહેલી વખત ચૂંટણી થતા રાજકારણ ગરમાયું છે. કડી માર્કેટયાર્ડની ચૂંટણી હવે નાટકીય ટ્વીસ્ટ લઈ રહી છે. કડી APMCમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે મંગળવારે થયેલી ચૂંટણીમાં 782માંથી 728 મતદારોએ મતદાન કરતા કુલ 93 ટકા થયું હતું.
ચૂંટણી અગાઉ નીતિનભાઇ પટેલ APMCના ચેરમેન બનશે તેવી વાતો વચ્ચે આજે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, હું 39 વર્ષથી APMCમાં સભ્ય હતો, કોઈ દિવસ ચેરમેન બન્યો નથી. આજે પણ બિનહરીફ સભ્ય થયો છું, પરંતુ હું ચેરમેન પદનો દાવેદાર નથી. મેં અગાઉ પણ સાથી મિત્રોને કહ્યું હતું અને આજે મિત્રો, આગેવાનો, ખેડૂતો, સહકારી આગેવાનોની હાજરીમાં જાહેર કરું છું કે હું ચેરમેન પદનો દાવેદાર અગાઉ પણ નહોતો અને અત્યારે પણ નથી. ખેડૂત વિભાગની 10 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના 10 અને કોંગ્રેસના 2 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ હતો. ભાજપે મેન્ડેટ ન આપતા અન્ય 13 ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો.
ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર એસ.એન. ઝાલાની દેખરેખ હેઠળ APMCમાં બે મતદાન બૂથો પર ચૂંટણી પ્રક્રિયા સવારે 8:00 થી સાંજે 5:00 સુધી ચાલી હતી. સવારે મતદારોની લાઇન લાગી હતી. બપોરે 2:00 વાગ્યા સુધીમાં 80 ટકા ઉપર મતદાન થઈ ગયું હતું. સાંજે 5:00 વાગ્યે 93 ટકા મતદાન થયું હતું. જેની મત ગણતરી બુધવારે હાથ ધરાશે. તેના પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 39 વર્ષથી કડી માર્કેટયાર્ડમાં ભાજપનું શાસન રહ્યું છે. ખેડૂતો, સહકારી આગેવાનો અને વેપારીઓએ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસના વખતમાં પણ અમે લડત લડીને માર્કેટયાર્ડને ભાજપનું બનાવતા હતા. તે આજે ફરી બનશે અને મને આનંદ છે કે વધુ 5 વર્ષ મળી સતત 44 વર્ષથી માર્કેટયાર્ડમાં ભાજપનું એકવગુ શાસન સમગ્ર ગુજરાતમાં અનોખી સિદ્ધિ હશે. નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું. તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે, હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે. કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત છે કે કોઈ ફાવી ન શકે.
તો હવે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના વાર પર ધારાસભ્ય કરશન સોલંકીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કડી ભાજપને કોઈની નજર લાગી નથી. સાહેબ બોલ્યા છે તો સાહેબ જાણે કોની નજર લાગી છે. નીતિનભાઈ સાહેબે નિયમ બદલ્યા એટલે કાર્યકરો નારાજ થયા છે. અગાઉ ચૂંટણી બિનહરીફ થઇ છે, આ વખતે આટલા ફોર્મ ભરાયા. ચૂંટણીના પરિણામ પછી ખબર પડશે નજર લાગી છે કે નથી લાગી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp