જાણો ઈમરજન્સીનું અથથી ઇતિ

કટોકટીના ૪૫ વર્ષ : જ્યારે અડધી રાત્રે આખા દેશમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી.

06/25/2020 Politics

મેઘલસિંહ પરમાર

મેઘલસિંહ પરમાર
પત્રકાર

જાણો ઈમરજન્સીનું અથથી ઇતિ

આજે ૨૫મી જૂન. બરાબર ૪૫ વર્ષ પહેલા ઇસ ૧૯૭૫માં આજના દિવસે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આદેશ પર તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદે સંવિધાનની ધારા ૩૫૨ હેઠળ સમગ્ર દેશમાં કટોકટી લાગુ કરી દીધી હતી. જેના પડઘા આખા દેશમાં પડ્યા હતા.

૨૫મી જૂન ૧૯૭૫ના દિવસે કટોકટી જાહેર કર્યા બાદ દેશના તમામ નાગરિકોના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રેસ સેંસરશિપ, નસબંદી, રાજનેતાઓની ધરપકડ વગેરે જેવા નિર્ણયો તાત્કાલિક લેવામાં આવ્યા હતા. આથી જ આ દિવસને ભારતની લોકશાહીના ઇતિહાસનો સૌથી કાળો દિવસ તરીકે ગણવામાં આવે છે. અને કટોકટી દરમિયાનનો ૨૧ મહિનાનો સમય ભારતીય ઇતિહાસનો સૌથી વિવાદાસ્પદ સમય ગણવામાં આવે છે.

કયા કારણોસર અને કેવી રીતે લાગુ કરવામાં આવી હતી ?

ઇન્દિરા ગાંધી સરકારે કટોકટી જાહેર કરવા પાછળ ઘણાં બધા કારણો જવાબદાર માનવામાં આવે છે. જેમાંથી મુખ્ય કારણ ૧૨ જૂન ૧૯૭૫ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી વિરુદ્ધ આપવામાં આવેલો ચુકાદો છે.

ઇસ ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને કુલ ૫૧૮ બેઠકોમાંથી ૩૫૨ બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી. આ ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીએ ઉત્તરપ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી હતી, અને જીત મેળવી હતી. (જ્યાંથી હાલમાં ગાંધી પરિવારના સોનિયા ગાંધી સાંસદ છે.)

પરંતુ આ ચૂંટણીનાં પરિણામ બાદ ઇન્દિરા ગાંધી સામે ચૂંટણી લડીને હારી ગયેલા રાજનારાયણે અલ્હાબાદ હાઇકોર્ટમાં ઇન્દિરાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી મશીનરીના દુરુપયોગ કરવા બદલ કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો ૧૨મી જૂન ૧૯૭૫ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો અને રાયબરેલી બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી હતી, તેમજ ઇન્દિરા ગાંધીને એક વર્ષ સુધી ચૂંટણી ન લડવા તથા કોઈ રાજનૈતિક પદ ન સંભાળવા આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૪ જૂને અદાલતે આદેશ યથાવત રાખ્યો હતો પરંતુ ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ માટે છૂટ આપવામાં આવી હતી.

જેથી બીજા દિવસે રાજનારાયણે ઇન્દિરા ગાંધી રાજીનામું ન આપે ત્યાં સુધી રોજ દેશભરમાં પ્રદર્શન કરવાની ચીમકી આપી. અને મોરારજી દેસાઈ, જયનારાયણ વગેરે નેતાઓની આગેવાનીમાં પ્રદર્શનો શરૂ કર્યા હતા.

જેના કારણે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી સિદ્ધાર્થ શંકર રોય સાથે ઇન્દિરા ગાંધીએ ૨૫ જૂન ૧૯૭૫ના દિવસે સવારે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જેમાં ઇન્દિરા ગાંધીએ તેમને દેશની સ્થિતિ વિશે જણાવતા કહ્યું હતું કે, ‘ગુજરાત અને બિહારની વિધાનસભા ભંગ થઈ ચૂકી છે, વિપક્ષની માંગણીઓ પૂરી નથી થઇ રહી, એવામાં હવે કડક નિર્ણયો લેવાની જરૂર છે.’

રોયે તમામ સંવૈધાનિક સ્થિતિનો અભ્યાસ કરી બપોરે સાડા ત્રણ વાગ્યે ફરીથી ઇન્દિરા ગાંધીના નિવાસસ્થાન ૧, સફદરજંગ રોડ જઈને ઇન્દિરાને કહ્યું કે, ‘આંતરિક સમસ્યાઓના નિવારણ માટે ધારા ૩૫૨ હેઠળ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકાય તેમ છે.’

ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ બંને રાષ્ટ્રપતિ ભવન જઇને તત્કાલીન રાષ્ટ્રપતિ ફકરૂદ્દીન અલી અહમદને તમામ જાણકારી આપવામાં આવી. અને તમામ જરૂરી કાગળો તૈયાર કરવામાં આવ્યા. ઇન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરીએ રાત્રે ૧૧ ને ૪૫ મિનિટે રાષ્ટ્રપતિ ભવન જઈને રાષ્ટ્રપતિને કાગળો આપ્યા અને તેમણે સહી કરતાની સાથે જ આખા દેશમાં પહેલી કટોકટી લાગુ કરી દેવામાં આવી.

જોકે આર કે ધવને ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી પોતાની રાજનીતિક કારકિર્દી કે પદ બચાવવાના મૂડમાં ન હતા. અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા બાદ તેમણે રાજીનામાનો પત્ર ટાઈપ પણ કરાવી નાંખ્યો હતો. પરંતુ ત્યારબાદ મંત્રીમંડળના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓની સમજાવટ બાદ તેમણે પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા ન હતા.

૨૬ મી જૂને સવારે રેડિયો પ્રસારણ દ્વારા સમગ્ર દેશને ઇન્દિરા ગાંધીએ કટોકટીના સમાચાર આપ્યા હતા. તેમના પ્રારંભિક શબ્દો હતા, ‘ભાઈઓ અને બહેનો, રાષ્ટ્રપતિજીએ કટોકટીની ઘોષણા કરી છે. પરંતુ એમાં દેશના સામાન્ય નાગરિકોએ ડરવાની કોઈ જરૂર નથી’


લોકશાહીને ટૂંપો, લોકોનું દમન, પ્રેસ સેન્સરશિપ અને નેતાઓની ધરપકડ

લોકશાહીને ટૂંપો, લોકોનું દમન, પ્રેસ સેન્સરશિપ અને નેતાઓની ધરપકડ

કટોકટીની ઘોષણા પહેલા તમામ રાજ્યોના મુખ્ય સચિવોને વિપક્ષી નેતાઓની ધરપકડના આદેશ આપી દેવામાં આવ્યા હતા. કટોકટી લાગુ કરવા પહેલા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવીને આરએસએસ અને અન્ય વિપક્ષી નેતાઓ જેમની ધરપકડ કરવામાં આવનાર હતી તેમની યાદી બનાવવા માટે સૂચના આપવામ આવી હતી. બંદી બનાવવામાં આવેલા નેતાઓમાં મોટેભાગે સાંસદો અને વરિષ્ઠ રાજકારણીઓ હતા. જેમાં અટલ બિહારી બાજપાઈ, લાલ કૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડીઝ, ચૌધરી ચરણ સિંહ, ડૉ સુબ્રમણ્યમ સ્વામી, મોરારજી દેસાઈ, દેવગૌડા, શરદ યાદવ, લાલુ પ્રસાદ યાદવ, અને નીતીશ કુમાર જેવા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા પણ છીનવી લેવામાં આવી હતી. ૨૫ જૂને રામલીલા મેદાનમાં થયેલી રેલીના સમાચાર આખા દેશમાં ન પહોંચે તે માટે અખબારોના પ્રેસની વીજળી અડધી રાત્રે જ કાપી નાંખવામાં આવી હતી. કેટલાય વરિષ્ઠ પત્રકારોને જેલભેગા કરવામાં આવ્યા હતા. અખબાર છપાતા હતા પરંતુ દરેક અખબારની ઓફિસમાં એક અધિકારી નિયુક્ત કરવામાં આવ્યો હતો. બીજે દિવસે છપાનાર અખબારની તમામ ખબરો તેને પૂછીને છાપવી પડતી. અખબારો સરકારની વિરુદ્ધમાં કંઈ પણ લખી શકતા નહતા. ઉપરાંત ઈમરજન્સીનો વિરોધ જે છાપાંઓએ કર્યો તેમના તંત્રીઓ, પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. એક અહેવાલ અનુસાર કટોકટી દરમિયાન ૨૫૩ પત્રકારોને જેલમાં કેદ કરવામાં આવ્યા હતા.

આ સમય વિશે પ્રખ્યાત પત્રકાર માર્ક ટૂલીએ કહ્યું હતું કે, ‘કટોકટી લાગુ થયા બાદ ૨૪ કલાકમાં મને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કારણ કે હું સેન્સરશિપ સાથે સહમત ન હતો. મારી ધરપકડ કરવામાં આવી, કપડાં ઉતારી, મને તમાચો મારવામાં આવ્યો હતો.’

એક તરફ સરકાર વિરુદ્ધ બોલનારા-લખનારાઓને જેલમાં ધકેલવામાં આવતા હતા, પ્રજાના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા અને બીજી બાજુ સંજય ગાંધીએ દેશના વિકાસના નામે પાંચ સૂત્રીય કાર્યક્રમની શરૂઆત કરી હતી. સંજય ગાંધીએ એક જ દિવસમાં દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારની તમામ ઝુંપડીઓને ઉખાડી ફેંકી હતી. આ જ કાર્યક્રમ વખતે દેશભરમાંથી લગભગ ૮૩ લાખ લોકોની જબરદસ્તીથી નસબંધી કરાવવામાં આવી.

કટોકટી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સંઘ સાથે ઘણાં વિપક્ષી નેતાઓ જોડાયેલા હતા અને આરએસએસ સરકારની વિરુદ્ધ પ્રદર્શન કરે એની પૂરેપૂરી સંભાવના હતી. પોલીસે આરએસએસના હજારો કાર્યકર્તાઓને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. આરએસએસે આ પ્રતિબંધનો વિરોધ કરી મૌલિક અધિકારોના હનન વિરુદ્ધ મોટાપાયે સત્યાગ્રહ કર્યો હતો.

ટૂંકમાં, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી સમગ્ર દેશ માતે એક દુ:સ્વપ્ન સમાન બની રહી. લોકોના અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત હકને સંપૂર્ણ રીતે ભૂલાવી દેવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે માત્ર નેતાઓ જ નહિ પણ બૌદ્ધિકો સહિતના અનેક લોકોને સરકાર વિરોધી હોવાની શંકા હેઠળ પોલીસ ઊંચકી ગયેલી. એમાંના ઘણા લોકો પોલીસ દમનનો ભોગ બનેલા અને કેટલાય લોકો કાયમ માટે ગુમ પણ થઇ ગયા હોવાનું કહેવાય છે!


કટોકટીના કેટલાક હકારાત્મક પરિણામો :

કટોકટીના કેટલાક હકારાત્મક પરિણામો :

ઈમરજન્સી દરમિયાન કાળાબજાર, ગેરકાનૂની કારોબાર, બ્લેક માર્કેટિંગ વગેરે ઉપર તાળાં લાગી ગયા હતા. સામાન્ય નાગરિકો ઘણાં સમયથી કાળાબજારી અને મોંઘવારીથી પરેશાન હતા તેમને આ સમય દરમિયાન રાહત મળી હતી.

કટોકટી દરમિયાન દેશભરની તમામ ટ્રેનો સમયસર દોડવા માંડી હતી. ટ્રેન રેકોર્ડ્સ અનુસાર કટોકટી દરમિયાન ૯૦ ટકા ટ્રેનો પહેલા કરતા સમયસર ચાલતી હતી. ઇન્દિરા ગાંધીએ એક અમેરિકી લેખકને કહ્યું હતું કે, ‘(કટોકટી દરમિયાન) દેશમાં નેતાઓ અને ભ્રષ્ટાચારીઓ પરેશાન થયા હતા, પરંતુ દેશના સામાન્ય નાગરિકોને એનાથી ઘણાં હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા હતા.’ જોકે વક્રતા એ છે કે એ જ દેશની ‘સામાન્ય’ પ્રજાએ બીજી લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને પદ પરથી દૂર કરી દીધા હતા.

ખરી વાત એ હતી કે ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીને કારણે જાહેર જીવનમાં કંઈક અંશે શિસ્ત આવી હોવા છતાં લોકો આવી આપખુદશાહીથી ત્રાસી ગયા હતા.

આખરે ૨૧ મહિના બાદ માર્ચ ૧૯૭૭માં લોકસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. મોરારજી દેસાઈની આગેવાનીમાં જનતા પાર્ટીનું નિર્માણ થયું, અને ૧૯૭૭ની ચૂંટણીમાં કોંગ્રેસ સામે લડી. પ્રજાએ કટોકટીનો બદલો લીધો અને કોંગ્રેસ માત્ર ૧૫૩ સીટો મેળવી શકી હતી. ઇન્દિરા ગાંધી પોતે પણ રાયબરેલી બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. અને ૨૩ મી માર્ચ, ૧૯૭૭ના દિવસે મોરારજી દેસાઈ પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન તરીકે શપથ લીધા.

જો કે કટોકટી કાળનો એ સમય હંમેશ માટે ઇતિહાસના કાળા પાના તરીકે યાદ રાખવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top