નવી દિલ્હી: આઈપીએલ 2020 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) મુશ્કેલીઓ બંધ થવાનું નામ નથી લઈ રહી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચેન્નાઈના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને ત્યારબાદ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈના, જે ટીમના સૌથી વધુ અનુભવી ખેલાડી છે, તે ટૂર્નામેન્ટમાંથી પાછા ફર્યા હતા. સુરેશ રૈનાની ઘરવાપસી બાદ એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ ને નવી મુશ્કેલી બોલર હરભજન સિંઘ તરફથી મળી છે.
મળતી માહિતી મુજબ ભારતીય બોલર હરભજનસિંહે અંગત કારણો જણાવીને આઈપીએલ 2020 માં નહીં રમવાનો નિર્ણય લીધો છે. હરભજન સિંહ પણ યુએઈ પહોંચ્યો ન હતો. આઈપીએલ માટે યુએઈ જવા રવાના થતાં પહેલા હરભજન સિંહે ચેન્નાઇમાં આયોજિત ટીમના તાલીમ શિબિરમાં પણ ભાગ લીધો ન હતો. સમાચારો અનુસાર હરભજન સિંહની માતા બીમાર છે, જેની સંભાળ માટે તે આઈપીએલ રમવા માંગતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહ આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર છે. ભજ્જીએ 160 મેચોમાં 150 વિકેટ ઝડપી છે. આઈપીએલના 12 વર્ષના ઇતિહાસમાં સૌથી બધું વિકેટની સંખ્યા ફક્ત લસિથ મલિંગા (170) અને અમિત મિશ્રા (157) ના નામે છે. છેલ્લા બે સીઝનથી હરભજન સિંહ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમી રહ્યો હતો, જ્યારે અગાઉ હરભજન મુંબઈ ઈન્ડિયન્સનો લાંબા સમયથી ખેલાડી રહ્યો હતો.
આ અગાઉ પણ હરભજન સિંહ વિશે વિશેષ સમાચાર આવ્યા હતા કે તે પારિવારિક કારણોસર આઇપીએલ રમવા યુએઇ નહીં જાય. જોકે હરભજનસિંહે આ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ તેમની નજીકના સૂત્રોએ સ્પષ્ટ કર્યું હતું કે હરભજન આ વખતે સીએસકે માટે આઈપીએલ નહીં રમે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીમના મહત્વપૂર્ણ બેટ્સમેં સુરેશ રૈના આઈપીએલ-૧૩ માંથી બહાર થઇ ગયા છે, હવે બોલર હરભજનસિંહ પણ આઈપીએલ રમશે નહીં.