દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર : વલસાડના આ તાલુકામાં બે કલાકમાં ૮ ઇંચ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર : વલસાડના આ તાલુકામાં બે કલાકમાં ૮ ઇંચ વરસાદ

07/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદથી જળબંબાકાર : વલસાડના આ તાલુકામાં બે કલાકમાં ૮ ઇંચ વરસાદ

વલસાડ: રવિવારે રજાના દિવસે વરસાદે ઓવરટાઈમ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. રવિવારે સવારથી જ રાજ્યમાં વરસાદ (Rain) પડી રહ્યો છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદને કારણે ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ છે. વલસાડ (Valsad) જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઉમરગામ (Umargam) તાલુકામાં સવારના બે કલાકમાં જ લગભગ ૮ ઇંચ વરસાદ વરસ્યો હતો.

વલસાડના ઉમરગામમાં સવારે ૬ થી ૮ બે કલાકમાં જ સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરના રસ્તા તો પાણીથી ભરાઈ જ ગયા હતા પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદનું પાણી ઘરોમાં પણ ઘુસી ગયું હતું. ઉમરગામના માછીવાડ, ઉદવાડા પરિયા રોડ, ઊંડી ગઢેર વગેરે જેવા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા.

ઉપરાંત, ઉમરગામમાં ભારે વરસાદને કારણે ભીલાડ અન્ડરપાસમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે ધરમપુર રોડ ઉપર એક મહાકાય વૃક્ષ પડી જવાથી વલસાડ-ધરમપુરનો મુખ્ય માર્ગ થોડી વાર માટે બંધ થઇ ગયો હતો અને સ્થાનિક તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ક્યાં કેટલો વરસાદ?

વલસાડ ઉપરાંત, દમણમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. નગરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો, કપરાડામાં ૧.૪૨ ઇંચ, ધરમપુરમાં ૩  ઇંચ, વલસાડમાં ૪.૩૦ ઇંચ, વાપીમાં ૬.૩૦ ઇંચ અને પારડીમાં ૧.૪૬ ઇંચ વરસાદ વરસ્યો હતો.

મુંબઈમાં ભારે વરસાદ, ભૂસ્ખલનથી ૨૦ના જીવ ગયા

ઉલ્લેખનીય છે કે વલસાડ-વાપીથી નજીક આવેલા મહારાષ્ટ્રના મુંબઈમાં પણ ગઈકાલ મોડી રાત્રેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નીચા વિસ્તારોમાં પાણી ભરાયા તો ક્યાંક ભૂસ્ખલનના કારણે લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા.

મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં લગભગ ૨૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top