જયપુર સીરિયલ બ્લાસ્ટ કેસમાં 4 આતંકવાદીઓને આજીવન કેદની સજા, 17 વર્ષ જૂનો છે મામલો
જયપુર સીરિયલ બ્લાસ્ટના લાઈવ બોમ્બ કેસમાં 4 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જયપુરની સ્પેશિયલ કોર્ટે સૈફુર્રહમાન, મોહમ્મદ સૈફ, મોહમ્મદ સરવર આઝમી અને શાહબાઝ અહમદ દોષિત ઠેરવ્યા છે અને મંગળવારે (8 એપ્રિલે) સજાની જાહેરાત કરી હતી. 13 મે, 2008ના રોજ જયપુરમાં સીરિયલ બ્લાસ્ટની ઘટના બની હતી. જયપુરમાં એક બાદ એક 8 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. એક બોમ્બ ચાંદપોલ બજારમાં એક મંદિર પાસે મળી આવ્યો હતો જેને બાદમાં નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો. આમાં 71 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આ ચારેયને જયપુર બોમ્બ બ્લાસ્ટ સંબંધિત 8 અલગ-અલગ કેસોમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં, રાજસ્થાન હાઈકોર્ટે માર્ચ 2023માં બધાને નિર્દોષ જાહેર કર્યા હતા. 17 વર્ષ જૂના કેસમાં, ફરિયાદ પક્ષે 112 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને કોર્ટમાં લગભગ 1200 દસ્તાવેજો રજૂ કર્યા.
ચાંદપોલમાં મળેલા નવમાં જીવંત બોમ્બના કેસ પર કોર્ટમાં અલગથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. 4 એપ્રિલ 2025ના રોજ, જયપુરની ખાસ કોર્ટે 4 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. 13 મે, 2008ના રોજ સાંજે 7:30 વાગ્યે, રાજધાની જયપુરમાં શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં 8 વિસ્ફોટ થયા. આ વિસ્ફોટમાં 185 થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જોહરી બજાર, સાંગાનેરી ગેટ, ચાંદપોલ બજાર અને ત્રિપોલિયા બજાર જેવા વ્યસ્ત સ્થળોએ વિસ્ફોટ થયા હતા.
આ કેસમાં પોલીસે કુલ 13 લોકોને આરોપી બનાવ્યા હતા. 3 આરોપીઓ હજુ પણ ફરાર છે, જ્યારે 2 હૈદરાબાદ અને દિલ્હી જેલમાં બંધ છે. બાકીના 2 લોકો દિલ્હીના બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
આ આતંકવાદીઓને ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની 4 કલમો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA)ની 2 કલમો અને વિસ્ફોટક પદાર્થો અધિનિયમની 3 કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કલમોમાં મહત્તમ આજીવન કેદની જોગવાઈ છે. 2019માં, આ જ ખાસ અદાલતે જયપુર વિસ્ફોટ કેસમાં શાહબાઝ સિવાયના આ 4 લોકોને મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ 29 માર્ચ 2023 ના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે ખાસ અદાલતના નિર્ણયને ઉલટાવી દીધો અને તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આરોપીઓને નિર્દોષ જાહેર કરતા કોર્ટે કહ્યું હતું કે પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી કોઈ પુરાવા રજૂ કરી શકી નથી અને વિસ્ફોટમાં કાવતરું સાબિત કરવા માટે કોઈ આધાર સાબિત કરી શકી નથી. હાલમાં, મૃત્યુદંડના કેસમાં રાજ્ય સરકારની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp